ગત 30 એપ્રિલના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પછી 1મેએ તેમને વધુ સારવાર અર્થે એરલિફ્ટ કરીને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલનો સાદગીભર્યો વ્યવહાર પણ ચર્ચામાં રહ્યો.
અહેવાલો મુજબ તેમણે અમદાવાદથી મુંબઈ જવા એર એમ્બ્યુલન્સનું ભાડું પોતે ભર્યું હતું અને સરકારી એરક્રાફ્ટનો પણ ઉપયોગ નહોતો કર્યો. તેમની આ સાદગીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે.
‘ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરી છે. તો મુખ્યમંત્રીના સાદગીભર્યા વ્યવહારને પણ પ્રેરણારૂપ ગણાવ્યો છે. પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલની પ્રશંસામાં ટ્વીટ કરી હતી કે, “ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.”
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
— Narendra Modi (@narendramodi) May 14, 2023
મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. https://t.co/0CegcAxoDq
CM ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીને કહ્યું: ‘આપનું જીવન મારા માટે પ્રેરણારૂપ’
પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કર્યા બાદ ગુજરાતના CMએ ટ્વીટનો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું કે, “આદરણીય વડાપ્રધાનશ્રી, માતાપિતા અને ગુરુજનોએ આપેલી વ્યવહારશુદ્ધિની શીખ તેમજ જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી બનીને રહ્યા છે. દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના અને આપનો સાથ મારા માટે અમૂલ્ય છે. મારા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે.”
આદરણીય વડાપ્રધાનશ્રી,
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 14, 2023
માતાપિતા અને ગુરુજનોએ આપેલી વ્યવહારશુદ્ધિની શીખ તેમજ જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી બનીને રહ્યા છે.
દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના અને આપનો સાથ મારા માટે અમૂલ્ય છે.. મારા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે. https://t.co/xXuC1MLNS0
અમદાવાદથી મુંબઈનું એર એમ્બ્યુલન્સનું ભાડું પોતે ચૂકવ્યું
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પછી 1મેના રોજ તેમને વધુ સારવાર અર્થે એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં અનુજ પટેલ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફ્લાઈટ 108ની મદદથી બુક કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે દીકરાની સારવાર અર્થે અમદાવાદથી મુંબઈ જવા એર એમ્બ્યુલન્સનું રૂ. ત્રણ લાખ સુધીની ભાડું પોતે ચૂકવ્યું હતું. આટલું ઓછું હોય તેમ દીકરાને મળવા માટે CMએ સરકારી એરક્રાફ્ટના બદલે ડોમેસ્ટિક ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો અને ચારથી પાંચ ટ્રીપ માટે અંદાજીત રૂ.65 હજાર ખર્ચ્યા હતા. આમ CMએ ચીફ મિનિસ્ટર ઉપરાંત કૉમન મૅનનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
અન્ય રાજયના મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પણ સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરતા હોય છે, પણ મૃદુ અને મક્કમ સ્વભાવના CM ભૂપેન્દ્ર પટેલ હોદા પર આવ્યા ત્યારથી આજદિન સુધી તેમના પરિવારે સરકારી એરક્રાફ્ટનો એકેય વાર ઉપયોગ નથી કર્યો.