કર્ણાટકમાં (Karnataka) બસના ભાડામાં વધારો થયા બાદ હવે બેંગ્લોર મેટ્રોમાં (Bengaluru Metro) પણ ભાડું વધી (Fares Increase) શકે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, બેંગ્લોર મેટ્રોના યાત્રિકોને ભાડાંમાં વધારાનો સામનો કરવો પડી શકે છે. અહેવાલો અનુસાર, બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે (BMRCL) ટિકિટના ભાડાંમાં 40-45%ના વધારાને મંજૂરી આપી દીધી છે. ભાવ વધારા અંગે વિસ્તૃત જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી સંભાવના છે. આ નિર્ણય બાદ દૈનિક યાત્રા કરનારા સામાન્ય યાત્રિકો પર આર્થિક દબાણ ઊભું થઈ શકે છે.
માહિતી અનુસાર, બેઝ ભાડાંમાં વધારો થવાની સંભાવના નથી. પરંતુ, નમ્મા મેટ્રો નેટવર્ક દ્વારા લાંબી યાત્રા કરતા મુસાફરોને ભાવ વધારાનો સામનો કરવો પડી શકે છે. હાલમાં બેંગ્લોર મેટ્રોની ટિકિટ ₹10થી ₹60 સુધીમાં મળે છે. પરંતુ ભાવ વધારા બાદ તે ₹85 સુધી પહોંચી શકે છે. હાલમાં BMRCL મેટ્રો દ્વારા દરરોજ આશરે 2 કરોડની આવક ઊભી કરે છે. પરંતુ ભાડાંમાં વધારાના કારણે કોર્પોરેશનને અંદાજે ₹80 લાખ કે તેથી વધુ આવક થવાની ધારણા છે.
ભાડાં વધારવાનો પ્રસ્તાવ મદ્રાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ આર. થનારીની આગેવાની હેઠળની ભાડાં નિર્ધારણ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પેનલમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિક સચિવ સત્યેન્દ્ર પાલ સિંઘ અને કર્ણાટકના ભૂતપૂર્વ સચિવ ઇવી રમના રેડ્ડીનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. નોંધવા જેવું છે કે, મેટ્રોના ભાડાંમાં છેલ્લું પરિવર્તન જૂન 2017માં કરવામાં આવ્યું હતું.
કર્ણાટક સરકારની થઈ શકે ટીકાઓ
રિપોર્ટ મુજબ, BMRCLના મેનેજિંગ ડિરેક્ટર એમ મહેશ્વર રાવે શુક્રવારે (17 જાન્યુઆરી) ભાડાં નિર્ધારણ સમિતિની ભલામણો પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. ભાડાંમાં સુધારો કરવા બાબતની વિગતોને લઈને મેટ્રો અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું હતું કે, શનિવારે આ બાબતોને સાર્વજનિક કરવામાં આવશે. આ ઉપરાંત બેંગ્લોર સેન્ટ્રલના ભાજપ સાંસદ પીસી મોહને પણ જણાવ્યું હતું કે, મેટ્રોના ભાડાંમાં 45% વધારો થઈ શકે છે. આ ઉપરાંત તેમણે કર્ણાટક સરકારના આ નિર્ણય પર દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરનું મેટ્રો નેટવર્ક દિલ્હી બાદ ભારતનું બીજું સૌથી મોટું નેટવર્ક છે. જે હેઠળ 76 કિલોમીટરના વિસ્તારને કવર કરવામાં આવે છે. મેટ્રોના ભાડાંમાં વધારા બાદ કર્ણાટક સરકારને ટીકાઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, તાજેતરમાં જ સરકારી બસોના ભાડાંમાં પણ 15% વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક નેતાઓ અને સામાન્ય લોકોએ પણ કર્ણાટક સરકારની ભારે ટીકા કરી હતી.