ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. 26 ઓગસ્ટના રોજ બેંગલુરુમાં પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતાં આ ઘોષણા કરી હતી. હવે ભારત સરકાર દ્વારા અધિકારીક રીતે આ બાબતની ઘોષણા કરી દેવામાં આવી છે. શનિવારે (14 ઓકટોબર, 2023) આ જાહેરાત કરવામાં આવી.
ભારત સરકારના અંતરિક્ષ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ અને પ્રજ્ઞાન રોવરના ડિપ્લોયમેન્ટની સાથે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3 મિશન સફળ થયું. આ મિશને ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર પ્રથમ દેશ તરીકે ઓળખ આપી અને ચંદ્રમા પર લેન્ડ થનાર દેશોની સૂચિમાં પણ સ્થાન અપાવ્યું. આ ઐતિહાસિક મિશનનાં પરિણામો આવનાર વર્ષોમાં માનવતાને અઢળક લાભ પહોંચાડશે.
સરકારની આધિકારિક જાહેરાતમાં જણાવ્યા અનુસાર દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવીને ચંદ્રયાન-3 મિશનની સફળતાને યાદ કરવામાં આવશે. આ નોટિફિકેશનમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે આ દિવસ અંતરિક્ષ મિશનમાં દેશની પ્રગતિનો પાયો છે. આ મિશનથી અંતરિક્ષ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને યુવાઓ આ સેક્ટરમાં આવવા માટે પ્રેરિત થશે. તેના કારણે જ સરકારે 23 ઓગસ્ટના ઐતિહાસિક દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે.
Government of India declares August 23 of every year as 'National Space Day' to commemorate the success of the Chandrayaan-3 Mission on 23rd August 2023 with the landing of the Vikram lander and deployment of the Pragyaan Rover on the lunar surface. pic.twitter.com/5BSXJH5LCO
— ANI (@ANI) October 14, 2023
ચંદ્રયાન-3ની સફળતા બાદ PM મોદીએ કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે 23 ઓગસ્ટને અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત વડાપ્રધાન મોદીએ 26 ઓગસ્ટ 2023ના રોજ કરી હતી. મિશન સમયે ગ્રીસના પ્રવાસ પર રહેલા વડાપ્રધાને ગ્રીસથી સીધા બેંગ્લુરુ પહોંચીને ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા હતા.
પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું હતું કે, “23 ઓગસ્ટ જ્યારે ભારતે ચંદ્રમા પર તિરંગો ફરકાવ્યો, તે દિવસને હવે ભારતમાં ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવામાં આવશે.” સાથે જ તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાને કહ્યું હતું કે, “તમે જાણો છો કે સ્પેસ મિશનના ટચડાઉન પોઇન્ટને એક નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. ચંદ્રમાના જે ભાગ પર આપણું ચંદ્રયાન ઉતર્યું છે, ભારતે તે સ્થાનના પણ નામકરણનો નિર્ણય કર્યો છે. જે સ્થાન પર ચંદ્રયાન-3નું મૂન લેન્ડર ઉતર્યું છે, તે પોઇન્ટને ‘શિવશક્તિ પોઇન્ટ’ નામથી ઓળખવામાં આવશે.”