Monday, May 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચંદ્રમાના જે સ્થાન પર ઉતર્યું હતું લેન્ડર, તે હવે ‘શિવશક્તિ પોઇન્ટ’ તરીકે...

    ચંદ્રમાના જે સ્થાન પર ઉતર્યું હતું લેન્ડર, તે હવે ‘શિવશક્તિ પોઇન્ટ’ તરીકે ઓળખાશે: બેંગલુરુમાં PM મોદીની જાહેરાત- 23 ઓગસ્ટ ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવાશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની યાત્રા પૂર્ણ કરીને શનિવારે સવારે સીધા બેંગ્લુરુ પહોંચ્યા હતા. અહીં ઈસરો સેન્ટર ખાતે તેમણે મિશન ચંદ્રયાન-3ને સફળ બનાવનાર વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી.

    - Advertisement -

    જે દિવસે ભારતનું ચંદ્રયાન ચંદ્રમાની સપાટી પર લેન્ડ થયું હતું તેને ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રીસથી સીધા બેંગ્લુરુ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતાં આ વાત કહી હતી. આ ઉપરાંત, જ્યાં ચંદ્રયાન લેન્ડ થયું હતું એ પોઇન્ટને ‘શિવશક્તિ પોઇન્ટ’ નામ આપવામાં આવ્યું છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની યાત્રા પૂર્ણ કરીને શનિવારે (26 ઓગસ્ટ, 2023) સવારે સીધા બેંગ્લુરુ પહોંચ્યા હતા. અહીં ઈસરો સેન્ટર ખાતે તેમણે મિશન ચંદ્રયાન-3ને સફળ બનાવનાર વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી તેમજ સંબોધન પણ કર્યું હતું. આ સંબોધનમાં વડાપ્રધાને કેટલીક અગત્યની જાહેરાત કરી. 

    PM મોદીએ કહ્યું, “23 ઓગસ્ટ જ્યારે ભારતે ચંદ્રમા પર તિરંગો ફરકાવ્યો, તે દિવસને હવે ભારતમાં ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવામાં આવશે.”

    - Advertisement -

    વડાપ્રધાને કહ્યું, “તમે જાણો છો કે સ્પેસ મિશનના ટચડાઉન પોઇન્ટને એક નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. ચંદ્રમાના જે ભાગ પર આપણું ચંદ્રયાન ઉતર્યું છે, ભારતે તે સ્થાનના પણ નામકરણનો નિર્ણય કર્યો છે. જે સ્થાન પર ચંદ્રયાન-3નું મૂન લેન્ડર ઉતર્યું છે, તે પોઇન્ટને ‘શિવશક્તિ પોઇન્ટ’ નામથી ઓળખવામાં આવશે.”

    આ ઉપરાંત વધુ એક અગત્યની જાહેરાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ચંદ્રમાના જે સ્થાન પર ચંદ્રયાન-2એ પોતાનાં પદચિહ્ન છોડ્યાં હતાં, તે પોઇન્ટ હવે તિરંગો કહેવાશે. તેમણે ઉમેર્યું કે, આ તિરંગા પોઇન્ટ ભારતના દરેક પ્રયાસની પ્રેરણા બનશે. આ પોઇન્ટ આપણને શીખ આપશે કે કોઈ પણ નિષ્ફ્ળતા અંતિમ નથી હોતી. જો દ્રઢ ઈચ્છાશક્તિ હોય સફળતા મળીને જ રહે છે. 

    ભાવુક થયા પીએમ, વૈજ્ઞાનિકોને કહ્યું- હું તમારા દર્શન કરવા ઈચ્છતો હતો 

    વૈજ્ઞાનિકોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદી ભાવુક પણ થઇ ગયા. તેમણે કહ્યું, “હું ભારત આવીને વહેલામાં વહેલી તકે તમારા દર્શન કરવા માગતો હતો. તમને સૌને સેલ્યુટ કરવા માંગું છું. તમારા પરિશ્રમને, તમારા ધૈર્યને, તમારી લગનને અને ચીવટતાને સલામ. તમે દેશને જે ઊંચાઈએ લઇ ગયા છો, એ સાધારણ સફળતા નથી. આ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના વૈજ્ઞાનિક સામર્થ્યનો શંખનાદ છે. 

    તેમણે કહ્યું, “મારી આંખો સામે 23 ઓગસ્ટનો એ દિવસ, એક-એક સેકન્ડ વારંવાર આવી રહ્યાં છે. જ્યારે ટચડાઉનની પુષ્ટિ થઇ તો અહીં ઈસરો સેન્ટરમાં, દેશભરમાં લોકો ઉછળી પડ્યા, એ દ્રશ્ય કોણ ભૂલી શકે? અમુક સ્મૃતિઓ અમર થઇ જાય છે, એ પળ અમર થઇ. એ પળ આ સદીની સૌથી પ્રેરણાદાયી ક્ષણોમાંની એક છે. દરેક ભારતીયને લાગતું હતું કે આ વિજય તેનો પોતાનો છે. આ બધું જ શક્ય બનાવ્યું છે તમે બધાએ (વૈજ્ઞાનિકોએ.)”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં