4 દિવસ પહેલાં જ રાજસ્થાનમાં ઉદયપુરથી જયપુર વચ્ચે વંદે ભારત ટ્રેનને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે હવે મહારાષ્ટ્રમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. પુણે-મુંબઈ રેલ્વે ટ્રેકની અપ લાઈન પર અજાણ્યા વ્યક્તિઓએ તોતિંગ પથ્થરો મૂકીને ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સદનસીબે એક લોકલ ટ્રેનના ગાર્ડે આ પથ્થર જોઈ લેતાં મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં ટ્રેન ઉથલાવવાનો આ પ્રયત્ન પુણે-મુંબઈ રેલ્વે ટ્રેકની અપ લાઈન પર અકુરડી અને પિંપરી રેલ્વે સ્ટેશન વચ્ચે કરવામાં આવ્યો હતો. અજાણ્યા લોકોએ રેલ્વે ટ્રેક પર થોડા-થોડા અંતરે મોટા મોટા પથ્થરો ગોઠવી દીધા હતા. આ પથ્થરો એટલા મોટા હતા કે તેને એકલા હાથે ઊંચકી પણ ન શકાય. આ દરમિયાન ડાઉન લાઈન લોનાવાલા-પુણે લોકલ ટ્રેન 01561ના ગાર્ડે આ પથ્થર જોઈ લેતાં તેણે તાત્કાલિક ચિંચવડના સ્ટેશનના સ્ટેશન માસ્ટરને આ વિશે જાણ કરી હતી.
Alert Railway staff averts a major Train disaster in Pune, when during routine maintenance they found big boulders on the Chinchwad-Akurdi track during routine maintenance.
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 6, 2023
Salute to the vigilant staff for preventing a potential catastrophe. 🫡 pic.twitter.com/Yzv6ngFSuy
લોકલ ટ્રેનના ગાર્ડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. કારણ કે ગાર્ડે આપેલી માહિતીને આગળ 16352 યુપી નાગરકોઈલ-CSMT એક્સપ્રેસના લોકો પાયલટ અને ગાર્ડને આપી હતી. જોકે રેલ્વે કર્મચારીઓએ તાત્કાલિક પથ્થર હટાવી લેતાં આ એક્સપ્રેસ ટ્રેન સુરક્ષિત રીતે પસારી થઇ ગઈ હતી. જોકે જો આ ઘટના ધ્યાન પર ન આવી હોત તો અહીં ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોત. કારણ કે યુપી નાગરકોઇલ એક્સપ્રેસ બાદ આ જ ટ્રેક પરથી 11030 કોલ્હાપુર-CSMT કોયના એક્સપ્રેસ પસાર થવાની હતી.
આ મામલે રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ઘટનાની જાણ થયા બાદ રેલ્વેના સિવિલ એન્જિનિયરીંગ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળ પર ગયા હતા અને ત્યાં તેમને ટ્રેક પાસે મોટા પથ્થરો જોવા મળ્યા હતા.” તેમણે તેમ પણ જણાવ્યું હતું કે સમયસર ઘટનાની જાણ થઇ જતા એક મોટી અને ગંભીર દુર્ઘટના ટળી છે. બીજી તરફ આ આખી ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. જેમાં એક રેલ્વે કર્મચારી ટ્રેક પર મૂકવામાં આવેલા મોટા મોટા પથ્થરો હટાવીને ઘટના વિશે અન્ય અધિકારીઓને જાણ કરવા જણાવી રહ્યો છે.
આ પહેલાં થયો હતો વંદે ભારતને ઉથલાવવાનો પ્રયત્ન
ઉલ્લેખનીય છે કે ચાર દિવસની અંદર ટ્રેન ઉથલાવવા માટેનું આ બીજું કાવતરું નિષ્ફળ ગયું છે. આ પહેલાં ગત 2 ઓકટોબરના રોજ રાજસ્થાનમાં ઉદયપુરથી જયપુર વચ્ચે ચાલતી ભારતની સ્વદેશી અને અત્યાધુનિક સેમી હાઇસ્પીડ ટ્રેન ‘વંદે ભારત’ એક્સપ્રેસને પાટા પરથી ઉથલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો હતો. ટ્રેન આવે તે પહેલાં પાટા પર પથ્થરો, લોખંડના સળિયા અને લાકડાં મૂકી દેવામાં આવ્યા હતા. જોકે, ડ્રાઇવરની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના બનતાં-બનતાં રહી ગઈ હતી.
આ પથ્થરો રાજસ્થાનના ચિત્તોડગઢ રાજ્યના ગંગરાર અને સોનિયાના સ્ટેશન વચ્ચે મૂકવામાં આવ્યા હતા. ટ્રેન સોમવારે (2 ઓક્ટોબર, 2023) સવારે 7:50 વાગ્યે ઉદયપુરથી રવાના થઈને જયપુર તરફ જતી હતી ત્યારે 9:53 વાગ્યે આ ઘટના બની હતી. પાયલોટને દૂરથી જ પાટા પર કશુંક મૂક્યું હોવાની શંકા ગઈ હતી અને પુષ્ટિ થઈ જતાં તેમણે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન થોભાવી દીધી હતી.
#WATCH | Sabotage attempt on Udaipur-Jaipur #VandeBharat express foiled as vigilant #locopilots applied emergency breaks after spotting ballast and vertical rods of one feet each on railway tracks.#BREAKING #Udaipur #Jaipur pic.twitter.com/1GKC4zRCtg
— Free Press Journal (@fpjindia) October 2, 2023
સોશિયલ મીડિયા પર તે ઘટનાનો પણ એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં ટ્રેનના પાટા પર લાઇનમાં મૂકવામાં આવેલા પથ્થરો, લોખંડની ચીજવસ્તુઓ, સળિયા વગેરે સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. તે એવી રીતે મૂકવામાં આવ્યા હતા કે ઝડપથી આવતી ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય. આ વિડીયોની જેમ તે વીડિયોમાં પણ રેલવે કર્મચારીઓ પાટા પરથી પથ્થરો, લોખંડના સળિયા હટાવતા જોવા મળે છે.