Friday, October 4, 2024
More
    હોમપેજદેશરાજસ્થાનમાં ‘વંદે ભારત’ એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું, પાટા પર મૂકવામાં આવ્યા હતા પથ્થરો...

    રાજસ્થાનમાં ‘વંદે ભારત’ એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું, પાટા પર મૂકવામાં આવ્યા હતા પથ્થરો અને લોખંડના સળિયા: મોટી દુર્ઘટના ટળી

    અધિકારીઓએ જણાવ્યું કે, કેસમાં FIR દાખલ કરવામાં આવી ચૂકી છે અને મામલાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે તેમજ આ કૃત્ય પાછળ જે કોઇ જવાબદાર હશે તેમને શોધી કાઢીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    રાજસ્થાનમાં ઉદયપુરથી જયપુર વચ્ચે ચાલતી ભારતની સ્વદેશી અને અત્યાધુનિક સેમી હાઇસ્પીડ ટ્રેન ‘વંદે ભારત’ એક્સપ્રેસને પાટા પરથી ઉથલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ટ્રેન આવે તે પહેલાં પાટા પર પથ્થરો, લોખંડના સળિયા અને લાકડાં મૂકી દેવામાં આવ્યાં હતાં. જોકે, ડ્રાઇવરની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના બનતાં-બનતાં રહી ગઈ હતી. 

    સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટ્રેનના પાટા પર લાઇનમાં મૂકવામાં આવેલા પથ્થરો, લોખંડની ચીજવસ્તુઓ, સળિયા વગેરે સ્પષ્ટપણે જોવા મળે છે. તે એવી રીતે મૂકવામાં આવ્યા હતા કે ઝડપથી આવતી ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય. વીડિયોમાં રેલવે કર્મચારીઓ પાટા પરથી પથ્થરો, લોખંડના સળિયા હટાવતા જોવા મળે છે. દરમ્યાન, પાછળ ટ્રેન ઉભેલી જોવા મળે છે. 

    આ પથ્થરો રાજસ્થાનના ચિત્તોડગઢ રાજ્યના ગંગરાર અને સોનિયાના સ્ટેશન વચ્ચે મૂકવામાં આવ્યા હતા. ટ્રેન સોમવારે (2 ઓક્ટોબર, 2023) સવારે 7:50 વાગ્યે ઉદયપુરથી રવાના થઈને જયપુર તરફ જતી હતી ત્યારે 9:53 વાગ્યે આ ઘટના બની હતી. પાયલોટને દૂરથી જ પાટા પર કશુંક મૂક્યું હોવાની શંકા ગઈ હતી અને પુષ્ટિ થઈ જતાં તેમણે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન થોભાવી દીધી હતી. 

    - Advertisement -

    ઘટનાને લઈને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા રેલવે એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, કેસમાં FIR દાખલ કરવામાં આવી ચૂકી છે અને મામલાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે તેમજ આ કૃત્ય પાછળ જે કોઇ જવાબદાર હશે તેમને શોધી કાઢીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 

    આ મામલે ગંગરાર GRP પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે IPCની લાગુ પડતી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે અને જવાબદાર ઇસમોની શોધખોળ કરવામાં આવી રહી છે. 

    ઘટનાને લઈને નોર્થ વેસ્ટર્ન રેલવે દ્વારા આધિકારિક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું કે, આજે જયપુરથી ઉદયપુર જતી વંદે ભારત એક્સપ્રેસ સામે ગંગરાર અને સોનિયાના સ્ટેશનો વચ્ચે અસામાજિક તત્વો દ્વારા રેલવે ટ્રેક પર પથ્થર અને લોખંડના સળિયા મૂકીને ગાડીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. રેલવે તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દોષીઓને છોડવામાં આવશે નહીં. 

    આ ‘વંદે ભારત’ એક્સપ્રેસ રાજસ્થાનમાં બે મોટાં શહેરો ઉદયપુર અને જયપુર વચ્ચે અઠવાડિયાના 6 દિવસ (મંગળવાર સિવાય) દોડે છે. ઉદયપુરથી સવારે 7:50 વાગ્યે ઉપડે છે અને જયપુર બપોરે 2:05 વાગ્યે પહોંચે છે. 

    ઉલ્લેખનીય છે કે વંદે ભારત એક્સપ્રેસ ભારતની સેમીહાઇસ્પીડ ટ્રેન છે, જેમાં વર્લ્ડક્લાસ સુવિધાઓ આપવામાં આવે છે. હાલ આ ટ્રેન કુલ 30 રૂટ પર દોડે છે અને મોટાભાગનાં રાજ્યોને આવરી લે છે. ગુજરાતમાં પણ જુદા-જુદા રૂટ પર કુલ ત્રણ વંદે ભારત દોડે છે. એ પણ નોંધનીય છે કે આ પહેલાં અનેક વખત વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં