આસામ સ્થિત નાગાંવ જિલ્લાના ધીંગ ખાતે હિંદુ સગીરાનો સામૂહિક બળાત્કાર કરનાર વધુ 2 આરોપી ઝડપાયા છે. આ બંને સગીરા પર ગેંગરેપ આચરીને ભાગી છૂટ્યા હતા. પોલીસે તેમને શોધવા જમીન-આસમાન એક કરી નાંખ્યા હતા. બીજી તરફ આખા રાજ્યમાં હિંદુઓ ન્યાયની માંગ સાથે પ્રદર્શન પણ કરી રહ્યા છે. આસામની હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વવાળી ભાજપ સરકારે પણ આ મુદ્દે સંવેદનશીલતા દાખવી ત્વરિત કાર્યવાહીની બાહેંધરી આપી હતી. મહત્વનું છે કે, આ ધરપકડ પહેલાં મુખ્ય આરોપીનું પોલીસ કસ્ટડીથી ભાગવા જતાં મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બંને આરોપીઓમાં ગોલાપ ઉદ્દીન અને ફરીદુલ ઇસ્લામનો સમાવેશ થાય છે. બંને જણા બળાત્કારની ઘટનાને અંજામ આપીને ભાગી છૂટ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ફરીદુલ ઇસ્લામ નાગાલેંડમાં આવેલા દીમાપુરમાં સંતાયો હતો અને ગોલાપ ઉદ્દીન મોરીગાંવ ખાતે સંતાયો હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આખા રાજ્યમાં તેમની શોધખોળ આદરી હતી. પરંતુ પછીથી બંને આરોપીઓએ સામે ચાલીને જ આત્મસમર્પણ કરી દીધું હતું. હાલ પોલીસે તેમને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ પોતાના અધિકારીક X હેન્ડલ પર પોસ્ટ કરીને આ ધરપકડની પુષ્ટિ કરી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, ધીંગ રેપ કેસના આરોપીઓની આસામ પોલીસે ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, બંને આરોપીઓને હાલ પોલીસ નાગાંવના સદર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી છે અને બંનેની પૂછપરછ ચાલી રહી છે. આસામ સરકારે પીડિત પરિવાર અને જનતાને ત્વરિત ન્યાય આપવાની બાહેંધરી પણ આપી છે.
The Assam Police have arrested both absconding accused in the Dhing rape incident.
— Himanta Biswa Sarma (@himantabiswa) September 6, 2024
શું હતી આખી ઘટના
ઉલ્લેખનીય છે કે, ઘટના આસામના નાગાંવ જિલ્લાના ધીંગની છે. પીડિતા ટ્યુશનેથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ત્રણ શખ્સોએ તેને ઘેરી લઈને પાશવી બળાત્કાર આચર્યો હતો અને પછી રસ્તાની બાજુમાં નગ્ન અવસ્થામાં છોડીને ભાગી ગયા હતા. કલાકેક બાદ સ્થાનિકોએ તેને જોતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને પીડિતાને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે તેને નાગાંવ સિવિલ હૉસ્પિટલ લઇ જવાઈ હતી.
પોલીસ અનુસાર, ત્રણેય આરોપીઓ બાઇક પર જઈ રહ્યા હતા. પીડિતાને જોઈને તેમણે તેની ઉપર હુમલો કરી દીધો. આશંકા છે કે, તેની ઉપર કશુંક સ્પ્રે કરીને મોં બાંધી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિર્દયતાથી બળાત્કાર આચરવામાં આવ્યો. જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ નગ્ન હાલતમાં રસ્તાની બાજુમાં છોડીને તેઓ ભાગી છૂટ્યા હતા. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
ઘટનાને પગલે ધીંગમાં સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોએ ન્યાયની માંગ સાથે માર્ચનું આયોજન કર્યું હતું. વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતી તો અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સામાજિક સંગઠનોએ પણ બંધને સમર્થન આપીને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
મુખ્ય આરોપી પોલીસથી ભાગતા મોતને ભેટ્યો હતો
નોંધનીય છે કે, આ કેસમાં પોલીસે પહેલાં પણ એક આરોપીની ધરપકડ કરી લીધી હતી, જેની ઓળખ તઝફૂલ ઈસ્લામ તરીકે થઈ હતી. ધરપકડ બાદ તફઝૂલ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં મૃત્યુ પામ્યો પામ્યો હતો. પોલીસ તેને આગળની તપાસ માટે ક્રાઇમ સીન પર લઇ ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી. 24 ઑગસ્ટના રોજ સવારે 4 કલાકે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં તે નજીકના તળાવમાં કૂદી ગયો હતો. તળાવમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.