ગુરુવારે (21 નવેમ્બર) અમેરિકામાં (America) એટર્નીઝ ઑફિસ ઇન ધ ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂયોર્ક દ્વારા ભારતીય ઉદ્યોગ સમૂહ અદાણીના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) અને અન્ય 7 વ્યક્તિઓ વિરુદ્ધ કથિત રીતે ભારતીય અધિકારીઓને લાંચ આપવાની તૈયારી દર્શાવવાના આરોપ લગાવ્યા. અમેરિકી એજન્સીઓનું કહેવું છે કે, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને Azure પાવર ગ્લોબલ લિમિટેડને સોલાર પાવર પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ મળે તે માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા, જે ભારતીય ચલણ પ્રમાણે ગણીએ તો ₹2100 કરોડ થાય છે.
જેમની ઉપર આરોપ લાગ્યા છે તેમાં ગૌતમ અદાણી સિવાય સાગર અદાણી (અદાણીના ભત્રીજો, અદાણી ગ્રીન એનર્જીના હેડ); અદાણી ગ્રીન એનર્જીના CEO વિનીત જૈન; Azure પવારના બે પૂર્વ CEO રણજીત ગુપ્તા અને રૂપેશ અગ્રવાલ; કેનેડિયન પેન્શન ફંડ CDPQના ત્રણ પૂર્વ એક્ઝિક્યુટિવ; ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફૉર એશિયા-પેસિફિક એન્ડ મિડલ ઇસ્ટના પૂર્વ મૅનેજિંગ ડાયરેક્ટર અને CDPQ ઇન્ડિયાના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર વગેરેનો સમાવેશ થાય છે.
અદાણી સમૂહ પર આરોપ લાગે અને ભારતીય વિપક્ષ અને તેમની સમર્થક ઇકોસિસ્ટમ ઊછળકૂદ ન કરે એ અશક્ય બાબત છે. એટલે જ્યારથી આ મામલો સામે આવ્યો ત્યારથી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ફરી હોબાળો શરૂ કર્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે એમ પણ કહી દીધું કે ગૌતમ અદાણી વિરુદ્ધ સંયુક્ત સંસદીય સમિતિની માંગ આખરે સાચી સાબિત થઈ છે.
બીજી તરફ, સમગ્ર મુદ્દામાં વડાપ્રધાન મોદીને જોડવાનું પણ શરૂ કરી દેવાયું છે. લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા આઉટલેટ ‘ધ કારવાન’ના સલાહકાર સંપાદક સુશાંત સિંઘે પીએમ મોદી સાથે સંબંધિત ‘ના ખાઉંગા, ન ખાને દુંગા’ સૂત્ર લખીને નબળો કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો.
So Adani supposedly paid bribes to government officials in India between 2020 and 2024. Of about $250 million or Rs 2000 crore.
— Sushant Singh (@SushantSin) November 20, 2024
[Na khaoonga, na khaane doonga.] pic.twitter.com/MLWa175O2D
આ સિવાય પણ પ્રશાંત ભૂષણ અને તેમના જેવા તેમની ટોળકીના ઘણા છે, જેઓ વાતને મુદ્દો બનાવવાનો અને ગમે તેમ કરીને મોદી સુધી વાત લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Adanis indictment in the US is for 5 counts massive bribery & fraud; & relies on irrefutable electronic evidence. It seeks forfeiture of their properties.
— Prashant Bhushan (@pbhushan1) November 21, 2024
Adani forgot that US is not ruled by Modi where he could rely upon a pliant ED, SEBI& CBI to get away with anything.#Modani pic.twitter.com/G0VWQyTIUW
US જાણીજોઈને અદાણીને ટાર્ગેટ કરે છે? ભારતીય વિપક્ષ સેલ્ફ ગોલ કરી રહ્યો છે?
કોંગ્રેસ પાર્ટી અને લેફ્ટ ઇકોસિસ્ટમે તો આરોપો આવતાંની સાથે જ તે શત પ્રતિશત સાચા જ છે એમ માની લીધું છે. પણ નોંધવાનું એ છે કે આરોપો સાબિત ન થાય ત્યાં સુધી અદાણી અને બાકીના તમામ નિર્દોષ જ ગણાય. આ વાત જે-તે ડોક્યુમેન્ટમાં જ લખવામાં આવી છે. બીજું, આ આરોપો લાગવાનો જે સમય છે એ પણ શંકા ઉપજાવે એવો છે.
બીજી નોંધનીય બાબત એ છે કે US ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે ગૌતમ અદાણી અને અન્ય પર ભારતની વિવિધ રાજ્ય સરકારોને વર્ષ 2021-2022માં લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. આમાંથી એક પણ રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટી હેઠળ નથી. આ તમામ રાજ્યોમાં જે-તે સમયે વિપક્ષી પાર્ટીઓનું જ શાસન હતું. તમિલનાડુમાં INDI ગઠબંધનની સહયોગી પાર્ટી DMK સત્તામાં હતી અને છે. ઓડિશામાં જે-તે સમયે બીજુ જનતા દળનું શાસન હતું. છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં તે સમયે અનુક્રમે કોંગ્રેસ અને YSRCPની સરકાર હતી.
આરોપોમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય અને અમેરિકાની કંપનીઓએ સોલાર એનર્જી કોર્પોરેશન ઑફ ઇન્ડિયાને (SECI) 12 GW પવાર આપવાનો વાયદો કાર્યો હતો. હવે SECI દ્વારા રાજ્યની ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (SDC) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) થાય એની ઉપર આ બાબત નિર્ભર હતી. અદાણી ગ્રીન એનર્જીએ USની કંપની એઝ્યોર પાવર સાથે ભાગીદારી કરી અને USની કંપનીને 4GW અને અદાણીને 8MW ફાળવવામાં આવ્યા. ત્યારબાદ SDCએ પાવર ખરીદવાનો ઇનકાર કરી દીધો, કારણ કે ભાવ વધુ હતો. જુલાઈ 2021થી ફેબ્રુઆરી, 2022 સુધીમાં અદાણી ગ્રીન એનર્જીએ (અમેરિકન કંપની સાથે મળીને) ઓડિશા, તમિલનાડુ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની SDCsને 265 મિલિયન ડોલર ચૂકવ્યા હતા.
ડોક્યુમેન્ટનો મુદ્દા નંબર 21 કહે છે કે, આ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓ રાજ્યની માલિકીની છે અને રાજ્ય સરકાર દ્વારા જ નિયંત્રિત કરવામાં આવે છે. આ કેસમાં આ કંપનીઓ ભારત સરકારની એક ‘સાધન’ હતી અને તેના કર્મચારીઓ અમેરિકાના કાયદા અનુસાર ‘વિદેશી અધિકારી’ ગણાય.
અમેરિકી ન્યાય વિભાગ અનુસાર, આ રાજ્ય સરકારોના ભારતીય અધિકારીઓને લાંચનો કથિત વાયદો કર્યા બાદ જુલાઈ, 2021 અને ફેબ્રુઆરી, 2022 આસપાસ ઓડિશા, કાશ્મીર, તમિલનાડુ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોની વીજ વિતરણ કંપનીઓએ SECI સાથે કરાર કર્યા અને આંધ્રપ્રદેશે સૌથી વધુ સૌર ઊર્જા મેળવી.
આગળ જણાવવામાં આવ્યું છે કે, ઑક્ટોબર, 2021થી ફેબ્રુઆરી, 2022 વચ્ચે US ઇશ્યુઅર અને ભારતીય એનર્જી કંપનીએ પોતાની સબસિડરીના માધ્યમથી SECI સાથે PPA કર્યા હતા. કરાર અનુસાર, અમેરિકી ઇસ્યુઅરે છત્તીસગઢ, તમિલનાડુ, ઓડિશા અને કાશ્મીર માટે સંયુક્ત રીતે 650 મેગાવૉટ અને આંધ્રપ્રદેશને 2.3 ગીગાવૉટ આપવા માટે સહમતિ દર્શાવી હતી. આ જ રીતે ભારતીય એનર્જી કંપનીની સબસિડરીઓએ પણ SECI સાથે પોતાની રીતે PPA કર્યા અને SECIને આ રાજ્યો માટે સૌર ઊર્જા પૂરી પાડવા માટે સહમતિ દર્શાવી. આગળ જણાવવામાં આવ્યું છે કે, કરાર થયા બાદ અદાણી જૂથની કંપનીએ ગૌતમ અદાણીના નામે એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડી અને SECI સાથે વિશ્વના સૌથી મોટા PPA પર હસ્તાક્ષર કર્યા હોવાની જાણકારી આપી.
અહીં જે પ્રેસ રિલીઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો તે ડિસેમ્બર, 2021માં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, AGELએ સોલાર એનર્જી કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (SECI) સાથે 4667 મેગાવૉટ ગ્રીન પાવર સપ્લાય કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે વિશ્વના સૌથી મોટા ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ છે.
હવે અદાણી જૂથ સામે લગાવવામાં આવેલા આરોપોને સાચા પણ માની લઈએ તોપણ સૌથી પહેલાં તો વિપક્ષી પાર્ટીઓએ જવાબ આપવો જોઈએ કે એક તરફ તેઓ ગૌતમ અદાણી પર નરેન્દ્ર મોદીની સરકાર પાસેથી લાભો મેળવવાના આરોપ લગાવતા રહે છે તો બીજી તરફ તેમની કંપની પાસેથી વીજળી કઈ રીતે ખરીદી? ને જો સ્વયંઘોષિત જગતજમાદાર અમેરિકા જે કહે એ બધું સાચું જ માનવાનું હોય તો આ પાર્ટીઓએ જવાબ આપવો જોઈએ કે શું તેમણે અદાણી પાસેથી કોઈ લાંચ-રૂશ્વત લીધી છે કે કેમ.
સંસદના સત્ર પહેલાં હોબાળો કેમ?
બીજું, આ તૂત પણ સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય એ પહેલાં જ આવ્યું છે. આ સત્રમાં વક્ફ સુધારણા બિલ સહિતનાં ઘણાં બિલ પર ચર્ચા કરીને પાસ કરવામાં આવનાર છે. નોંધવું જોઈએ કે ભૂતકાળમાં પણ અદાણી વિરુદ્ધ હિંડનબર્ગનો રિપોર્ટ સંસદના સત્રની બરાબર પહેલાં જ આવ્યો હતો. જોકે, પછીથી ભારતની સુપ્રીમ કોર્ટે જે સમિતિ બનાવીને તપાસ કરાવી તેમાં સામે આવ્યું કે, અદાણી જૂથ સામે લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય કે વજન નથી.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ધબડકા બાદ હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસને સજીવન રાખવાનો આ ડીપ સ્ટેટનો એક પ્રયાસ હોય તેવું આ પ્રથમ નજરે લાગે છે. જે સમય પસંદ કરવામાં આવ્યો છે તેને જોતાં અદાણીની ફરતે ચાલતા વિવાદને ફરી એક વખત વેગ આપીને ભારતીય શેરબજારને નીચે લાવવાનો અને વિપક્ષને સંસદનું કામકાજ રોકી રાખવાનો વધુ એક મુદ્દો આપી દેવાનો પ્રયાસ હોય એમ પણ જણાય છે.
વધુમાં, અદાણી જૂથ પર આરોપ લગાવવા એ અમેરિકી ડીપ સ્ટેટ અને વર્તમાન ડેમોક્રેટ સરકારની ભારતની છબી ખરડવાનો વધુ એક અને અંતિમ પ્રયાસ હોય એમ પણ સ્પષ્ટ જણાય છે. આગળ સમાચારમાં આવી ચૂક્યું છે કે, ટ્રમ્પના ઐતિહાસિક વિજય બાદ ગૌતમ અદાણીએ US એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી 15 હજાર નોકરીઓ સર્જાશે. જ્યારે ટ્રમ્પ આગળ કહી ચૂક્યા છે કે તેઓ એનર્જી પ્રોડક્શન પરનાં નિયંત્રણો હળવાં કરશે અને પ્રોજેક્ટ એપ્રુવલને પણ ગતિ આપશે.
અદાણી જૂથે નકાર્યા આરોપો
બીજી તરફ, સમગ્ર મામલે અદાણી જૂથે આરોપો નકારી દીધા છે અને કાયદાકીય વિકલ્પો તપાસવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે. અદાણીએ નિવેદનમાં જણાવ્યું કે, “અમેરિકન ન્યાય વિભાગે જ કહ્યું છે કે, “આ આરોપો માત્ર આરોપો છે અને જ્યાં સુધી તે સાબિત ન થઈ જાય ત્યાં સુધી તમામને નિર્દોષ જ ગણવામાં આવશે.” આ માટે તમામ કાયદાકીય વિકલ્પો અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.” આગળ જણાવવામાં આવ્યું કે, “અદાણી જૂથે કાયમ ગવર્નન્સનાં ઉચ્ચ માપદંડો જાળવી રાખ્યાં છે અને તે પ્રત્યે હંમેશા અમે સમર્પિત રહ્યા છીએ. અમારાં કોઈ પણ કામમાં પૂરતી પારદર્શિતા અને નિયમન જાળવવામાં આવે છે. તમામ શેરધારકો, પાર્ટનરો અને કર્મચારીઓને અમે આશ્વાસન આપીએ છીએ કે અમે એક કાયદાનું સન્માન કરતું જૂથ છીએ અને કાયદાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.”