Thursday, April 24, 2025
More
    હોમપેજદેશરેપ પરની અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર વિવાદ: કેન્દ્રીય મંત્રીએ ઉઠાવ્યો વાંધો, સ્વાતિ...

    રેપ પરની અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર વિવાદ: કેન્દ્રીય મંત્રીએ ઉઠાવ્યો વાંધો, સ્વાતિ માલીવાલની સુપ્રીમના હસ્તક્ષેપની માંગ, રાજ્યસભા સાંસદે કહ્યું- આ નિવેદન સમાજ માટે ખતરનાક

    હવે આ મામલે સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવો જોઈએ એવી માંગ કરવામાં આવી છે. અનેક નેતાઓએ આ માંગ ઉઠાવી છે. સોશિયલ મીડિયા પર પણ ચર્ચા ચાલી રહી છે.

    - Advertisement -

    તાજેતરમાં જ અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) એવી ટિપ્પણી કરી હતી કે, સગીર બાળકીના સ્તન પકડવા, તેના પાયજામાનું નાડું તોડવું અને ખેંચીને લઈ જવી તેને બળાત્કાર કે બળાત્કારના પ્રયાસના (Attempt to Rape) ગુનામાં ગણી શકાય નહીં. તેના સ્થાને એ છેડતીનો કેસ બને છે. આમ કહીને કોર્ટે આરોપીઓ આકાશ અને પવન વિરુદ્ધ છેડતીની કલમ હેઠળ ટ્રાયલ ચલાવવાનું કહ્યું હતું.

    આ મામલે જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ જજ બેન્ચે સુનાવણી કરી હતી. આ ટિપ્પણી સામે આવતા જ તેનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે, તથા ન્યાયતંત્ર પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવો જોઈએ એવી માંગ કરવામાં આવી છે. આ માંગ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ કરી છે.

    તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “આ નિર્ણય બિલકુલ વ્યાજબી નથી, સભ્ય સમાજમાં તેનું કોઈ સ્થાન નથી. તેની ખૂબ જ નકારાત્મક અસર પડશે. અમને લાગે છે કે માનનીય સુપ્રીમ કોર્ટે આની નોંધ લેવી જોઈએ.”

    - Advertisement -

    આ ઉપરાંત AAPમાંથી રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે પણ આ જ માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “એક બાળકી સાથે આટલું ખરાબ થયું અને એ પછી પણ અલ્હાબાદ હાઇકોર્ટના જજ કહી રહ્યા છે એવું નથી લાગી રહ્યું કે બળાત્કારનો પ્રયાસ થયો છે. આ નિવેદન ખૂબ જ અસંવેદનશીલ અને સમાજ માટે ખૂબ જ ખતરનાક છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ”

    શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ મામલે કાયદામંત્રી અને ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાને બરતરફ કરવાની અને તેમના આદેશની સમીક્ષા કરવાની માંગ કરતા લખ્યું હતું કે, “આવા નિર્ણયો મહિલાઓ, સરકાર, નાગરિક સમાજ, એક્ટિવિસ્ટોએ મહિલાઓ માટે સલામત જગ્યાઓ બનાવવા અને ન્યાય સુનિશ્ચિત કરવા વર્ષો સુધી કરેલી બધી મહેનત પર પાણી ફેરવી કાઢે છે.”

    રાજ્યસભા સાંસદ અને ભૂતપૂર્વ NCW વડાં રેખા શર્માએ કહ્યું હતું કે, “જો ન્યાયાધીશો પોતે સંવેદનશીલ નહીં હોય, તો મહિલાઓ અને બાળકો શું કરશે? તેમણે કોઈપણ કૃત્ય પાછળનો હેતુ જોવો જોઈએ. ના, કે બળાત્કારની રાહ જોવી જોઈએ, યુવાન છોકરીઓને બચાવવાની છે, જો આવા નિવેદન આવશે તો મહિલાઓ શું કરશે? NCWએ આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. ન્યાયાધીશોને કહેવું જોઈએ કે તેઓ આવા નિર્ણયો ન આપે. આ સંપૂર્ણપણે ખોટું છે અને હું તેની વિરુદ્ધ છું.”

    આ જ મામલા અંગે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય પ્રિયંક કાનુનગોએ પણ વિરોધ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ કેસમાં પીડિતા ફક્ત 11 વર્ષની છે, આપણે 11 વર્ષની છોકરીને બળાત્કાર અને બળાત્કારના પ્રયાસની વ્યાખ્યા કેવી રીતે સમજાવી શકીએ?… છોકરીને એક જગ્યાએ ખેંચીને લઈ જવામાં આવી હતી અને તેના કપડાં ફાડવાનો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો આ બળાત્કાર ન ગણાય તો, તો પછી શેને બળાત્કાર ગણવો જોઈએ?… આ ખૂબ જ ખરાબ નિવેદન છે… શું આપણે ફિલ્મી યુગમાં જીવી રહ્યા છીએ?… આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે 11 વર્ષની છોકરી આખું દ્રશ્ય યાદ કરીને કહી શકશે ખરેખર શું થયું હતું?… રાજ્ય સરકારે આની સામે અપીલ કરવી જોઈએ…”

    કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ આ ટિપ્પણીનો વિરોધ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે, “ભગવાન આ દેશને આવા ન્યાયાધીશોથી બચાવે…” કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ આ ટિપ્પણીનો વિરોધ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં