નાટકીય ઢબે તખ્તાપલટ બાદ સીરિયા (Syria)જેહાદીઓના તાબામાં ચાલ્યું ગયું છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદના ભાગ્યા બાદ જેહાદી જૂથોએ દેશ પર કબજો કરી લીધો છે. સીરિયામાં કેટલાક ભારતીય નાગરિકો (Indian citizens) પણ કાર્યરત હતા, તેવામાં વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) તેમની સુરક્ષાને (Security) લઈને એકશનમાં જોવા મળ્યું છે. એક સત્તાવાર જાહેરાત અનુસાર સીરિયામાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાની જાણકારી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સીરિયામાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિદેશ મંત્રાલય સતત તેમના સંપર્કમાં છે. સરકારી જાણકારી મુજબ, દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ હજુ પણ કાર્યરત છે. દૂતાવાસ અને ભારતીય વિદેશ મંત્રાલય સતત ભારતીય નાગરિકોના સંપર્કમાં રહીને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
સત્તાવાર આંકડાઓ જોઈએ તો સીરિયામાં વર્તમાન સમયમાં 90 જેટલા ભારતીય નાગરિકો છે. આ 90 પૈકી 14 ભારતીય નાગરિકો એવા છે, જે સંયુક્ત રાષ્ટ્રોના વિભિન્ન સંગઠનો સાથે સંકળાયેલા છે અને વર્તમાનમાં પણ પોતાના પદ પર કાર્યરત છે. સરકારી સૂત્રો અનુસાર, તે તમામ સુરક્ષિત છે. જો જરૂર પડશે તો તેમની સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવા ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય તૈયાર છે.
Amid #Syria's crisis, #India's embassy ensures safety of 90 nationals, including #UN workers, while advising evacuation from Syria.https://t.co/2dZlDqNOG9 pic.twitter.com/r321MCO65E
— Hindustan Times (@htTweets) December 9, 2024
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાઈ હતી એડવાઈઝરી
ઉલ્લેખનીય છે કે, સીરિયામાં થયેલી ઉથલપાથલ દરમિયાન વિદેશ મંત્રાલય સતત તેના પર નજર રાખીને બેઠું હતું. જેવી સ્થિતિ વણસી કે તરત જ મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું હતું કે, જે લોકો ત્યાંથી નીકળી શકે તેમ હોય તેઓ તરત જ ત્યાંથી નીકળી જાય. અન્ય લોકો માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, તેઓ સુરક્ષિત સ્થાને ખસી જાય અને જરૂર વગર બહાર નીકળવાનું ટાળે. મંત્રાલય દ્વારા ઈમરજન્સી હેલ્પલાઇન નંબર +963 993385973 પણ જાહેર કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ બશર અલ-અસદ રશિયા પહોંચ્યા
આ બધી ઉથલપાથલ વચ્ચે અનેક અફવાઓ અને અટકળો વચ્ચે આખરે રાષ્ટ્રપતિ બશર અલ-અસદે રશિયામાં શરણ લીધી હોવાના સમાચારો સામે આવ્યા છે. તાજી જાણકારી અનુસાર, વ્લાદિમીર પુતિને અસદ અને તેમના પરિવારને રાજનૈતિક શરણ આપી દીધી છે. પહેલાં અટકળો લગાવવામાં આવી હતી કે, તેમનું પ્લેન રડાર પરથી ગાયબ થઈ ગયું છે. અફવા એવી પણ ઉડી કે, તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું. જોકે, આખરે તેઓ રશિયામાં હોવાની માહિતી સામે આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જેવી તેમને સત્તા હાથમાંથી સરતી દેખાઈ કે, તેઓ પોતાના પરિવાર અને કેટલાક નજીકના લોકો સાથે દેશ છોડીને નીકળી ગયા હતા. બીજી તરફ તેમના દેશ છોડતાની સાથે જ જેહાદીઓએ રાજધાની અને તેમના પેલેસ પર કબજો જમાવી દીધો હતો. અસદનું વિમાન સીરિયાથી ઉડાન ભરીને સીધું મોસ્કોમાં લેન્ડ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફ્લાઈટ વેબસાઈટના આંકડાને ટાંકીને અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, રવિવારે (8 ડિસેમ્બર 2024) તેઓ એક રશિયન પ્લેનમાં સવાર થઈને લતાકિયાથી ઉડાન ભરીને મોસ્કો પહોંચ્યા હતા.