સીરિયામાં સત્તાપલટા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને લઈને રહસ્ય વધુ ઘેરું બન્યું છે. તેઓ દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચારો સામે આવ્યા બાદ હવે તેમનું વિમાન ક્રેશ થયું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સીરિયાનાં વિદ્રોહી જેહાદી જૂથોએ દમાસ્કસનો કબજો કરી લીધા બાદ અસદ પરિવાર સાથે દેશ છોડી ગયા હતા. જે બાબતની પુષ્ટિ સીરિયન સરકારે પણ કરી છે. પરંતુ રડાર પરથી ગાયબ થઈ ગયેલું એક વિમાન રહસ્ય સર્જી રહ્યું છે.
સેનાએ રવિવારે સવારે જણાવ્યું હતું કે, બશર અલ-અસદ એક વિમાન મારફતે દમાસ્કસથી અજાણ્યા સ્થળે જવા માટે રવાના થયા હતા. ત્યારબાદ જ્યારે દમાસ્કસમાં વિદ્રોહીઓ પ્રવેશે રહ્યા હતા ત્યારે એક સીરિયન ફ્લાઈટે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ વિમાન સીરિયાના દરિયાકાંઠા વિસ્તાર નજીક પહોંચ્યું, અચાનક યુ-ટર્ન લીધો અને વિરુદ્ધ દિશામાં ઉડવા માંડ્યું અને ત્યારબાદ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું.
શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિદ્રોહીઓએ આ વિમાન પણ તોડી પાડ્યું હતું. બીજી એક શક્યતા એ છે કે રડાર પરથી જાણીજોઈને ગાયબ કરવામાં આવ્યું હોય શકે. હજુ સુધી સીરિયાની સરકારે આ બાબતે કોઈ ફોડ પાડ્યો નથી.