બુધવારે (20 સપ્ટેમ્બર, 2023) લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત સુનિશ્ચિત કરતું બિલ લોકસભામાંથી પસાર થઈ ગયું. મહિલા અનામત બિલના સમર્થનમાં કુલ 454 મતો પડ્યા, જ્યારે માત્ર 2 મત તેની વિરુદ્ધમાં પડ્યા. આ બે સાંસદો હતા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને તેમની જ પાર્ટીના સાંસદ ઇમ્તિયાઝ જલીલ.
ઓવૈસી અને તેમના સાથી ઈમ્તિયાઝ જલીલે આ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. બાકીની કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓએ બિલને સમર્થન આપ્યું.
લોકસભામાંથી બિલ પસાર થયા બાદ અસદુદ્દીન ઓવૈસીએ ન્યુઝ એજન્સી ANI સાથે વાતચીતમાં પોતાના નિર્ણય વિશે જણાવ્યું હતું અને સાથે કારણ પણ આપ્યું. તેમણે કહ્યું કે, “અમે આ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું છે, જેથી દેશ જાણી શકે કે એવા બે સાંસદો પણ હતા જેમણે OBC અને મુસ્લિમ ક્વોટા માટે અવાજ ઉઠાવ્યો હતો.”
આગળ ઓવૈસીએ કહ્યું, “દેશની વસ્તીમાં પચાસ ટકા ભાગીદારી ઓબીસી સમુદાયની છે. આ વિધેયક પાછળનો વિચાર એ મહિલાઓ માટે જોગવાઈઓ સુનિશ્ચિત કરવાનો છે જેમનું લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી. તો પછી સરકાર એ સમુદાયની મહિલાઓને અનામત આપવાની ના કેમ પાડી રહી છે, જેઓ વસ્તીમાં 50 ટકાથી વધુ ભાગીદારી ધરાવે છે?”
મુસ્લિમ મહિલાઓને લઈને ઓવૈસીએ કહ્યું કે, “મુસ્લિમ મહિલાઓ દેશની વસ્તીના 7 ટકા ભાગીદારી ધરાવે છે. જ્યારે લોકસભા અને વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ માત્ર 0.7 ટકા જેટલું છે.” તેમનું કહેવું હતું કે આ બંને સમુદાયોને મહિલા અનામત ક્વોટામાં સ્થાન આપવામાં આવે.
બહુમતી સાથે પસાર થયું હતું બિલ
જોકે, ઓવૈસી અને તેમના સાથીના વિરોધનો કોઇ ફેર પડ્યો નહીં કારણ કે લોકસભાએ બુધવારે જંગી બહુમતીથી ‘નારીશક્તિ વંદન વિધેયક’ પસાર કરી દીધું હતું. તે પહેલાં મંગળવારે નવા સંસદ ભવનમાં કામગીરીની શરૂઆત આ જ વિધેયક રજૂ કરવા સાથે થઈ હતી. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે બિલ રજૂ કર્યું હતું. ત્યારબાદ બુધવારે લગભગ 8 કલાક સુધી તેની ઉપર ચર્ચા થઈ.
ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓએ બિલને સમર્થન આપ્યું પણ સાથોસાથ ક્રેડિટ લેવાના પણ પ્રયાસ કર્યા. બીજી તરફ સરકાર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ સહિતની પાર્ટીઓ માટે નારી સશક્તિકરણ એક રાજનીતિનો મુદ્દો હોય શકે છે પણ ભાજપ માટે તે સિદ્ધાંતોનો વિષય છે.
ચર્ચા બાદ બિલને મતદાન માટે મૂકવામાં આવ્યું અને કાપલી દ્વારા મતદાન થયું. જેમાં 454 સાંસદોએ તરફેણમાં અને 2 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું. બહુમતીથી પસાર થયા બાદ હવે બિલ રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે, જ્યાંથી ચર્ચા બાદ પસાર કરવામાં આવશે.