Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણલોકસભાએ પસાર કર્યું મહિલા અનામત બિલ: પક્ષમાં 454, વિરોધમાં 2 મત પડ્યા;...

    લોકસભાએ પસાર કર્યું મહિલા અનામત બિલ: પક્ષમાં 454, વિરોધમાં 2 મત પડ્યા; હવે રાજ્યસભામાં રજૂ કરાશે

    લોકસભામાંથી ‘નારી શક્તિ વંદન વિધેયક’ પસાર થયા બાદ હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે. ગુરૂવારે (21 સપ્ટેમ્બર, 2023) બિલ રાજ્યસભામાં રજૂ થશે અને ચર્ચા બાદ પસાર કરવામાં આવશે.

    - Advertisement -

    લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવા માટે મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું ‘નારી શક્તિ વંદન વિધેયક’ બિલ લોકસભામાંથી પસાર થઈ ગયું છે. દિવસભર ચર્ચા ચાલ્યા બાદ મહિલા અનામત બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. બિલના સમર્થનમાં 454 મત પડ્યા, જ્યારે માત્ર 2 સાંસદોએ વિરોધ કર્યો. લોકસભામાંથી 2/3 બહુમતીથી પસાર થયા બાદ હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. 

    મંગળવારે (19 સપ્ટેમ્બર, 2023) નવા સંસદ ભવનમાં કામગીરીના શ્રીગણેશ કર્યા બાદ પહેલું બિલ ‘નારી શક્તિ વંદન વિધેયક’ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા માટેની જોગવાઇ કરવામાં આવી છે. મંગળવારે કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે બિલ ગૃહમાં રજૂ કર્યા બાદ બુધવારે તેની ઉપર ચર્ચા ચાલી હતી. 

    દિવસભરની ચર્ચા ચાલ્યા બાદ બિલ પર મતદાન કરવામાં આવ્યું હતું. બંધારણીય સુધારો હોવાના કારણે મતદાન કાપલી દ્વારા થયું હતું. જેમાં તમામ સાંસદોએ મત આપ્યા બાદ તેની ગણતરી કરવામાં આવી હતી. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગૃહમાં ઉપસ્થિત રહ્યા. 

    - Advertisement -

    લોકસભામાંથી ‘નારી શક્તિ વંદન વિધેયક’ પસાર થયા બાદ હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે. ગુરૂવારે (21 સપ્ટેમ્બર, 2023) બિલ રાજ્યસભામાં રજૂ થશે અને ચર્ચા બાદ પસાર કરવામાં આવશે. પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે અનુમતિ માટે મોકલવામાં આવશે. 

    કોંગ્રેસ સહિતની પાર્ટીઓનું બિલને સમર્થન 

    બિલને કોંગ્રેસ સહિતની મોટાભાગની પાર્ટીએ સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધીએ ચર્ચાની શરૂઆત કરી હતી, જેમાં તેમણે કહ્યું કે,  તેમની પાર્ટી આ બિલને સમર્થન આપે છે અને કહ્યું કે તે વહેલામાં વહેલી તકે લાગુ કરવામાં આવવું જોઈએ. આ સિવાય સમાજવાદી પાર્ટી, જેડીયુ, બહુજન સમાજ પાર્ટી, લોકજનશક્તિ પાર્ટી સહિતની પાર્ટીઓએ પણ બિલને સમર્થન આપ્યું હતું. 

    આ બિલ ઐતિહાસિક, અમારા માટે નારી સશક્તિકરણ પોલિટિકલ એજન્ડાનો વિષય નથી: શાહ 

    આ બિલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બોલ્યા. તેમણે કહ્યું કે, અમુક પાર્ટીઓ માટે ‘નારી સશક્તિકરણ’ માત્ર મત મેળવવાનું સાધન હશે પરંતુ ભાજપ માટે તે પોલિટિકલ એજન્ડાનો વિષય નથી. તેમણે કહ્યું કે, આ ભારતના ઈતિહાસની સુવર્ણ ક્ષણો છે. ગઈકાલે ગણેશ ચતુર્થીના દિવસે આપણે નવા સંસદ ભવનમાં પ્રવેશ કર્યો અને લોકસભામાં આ બિલ પણ રજૂ થયું. 

    આ સાથે તેમણે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીના એ પ્રશ્નનો જવાબ આપ્યો કે શા માટે કોંગ્રેસનું બિલ લંબિત હતું તેમ છતાં નવું બિલ લાવવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ સરકારે વર્ષ 2010માં રાજ્યસભામાં બિલ પસાર કર્યું હતું અને ત્યારબાદ લોકસભામાંથી પસાર થઈ શક્યું ન હતું. ત્યારબાદ વર્ષ 2014માં લોકસભા ભંગ થવાની સાથે જ તમામ વિધેયકો સાથે તે પણ નિરસ્ત થઈ ગયું હતું. તેમણે સમજાવ્યું કે બંધારણીય નિયમ અનુસાર, જ્યારે લોકસભા ભંગ થાય છે ત્યારે તમામ લંબિત વિધેયકો આપોઆપ રદ થઈ જાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં