Sunday, September 15, 2024
More
    હોમપેજગુજરાતઅકસ્માત બાદ પક્ષપાતી કાર્યવાહી થઈ હોવાનો અમદાવાદની યુવતીનો આરોપ, વિડીયો બનાવીને ‘ન્યાય’...

    અકસ્માત બાદ પક્ષપાતી કાર્યવાહી થઈ હોવાનો અમદાવાદની યુવતીનો આરોપ, વિડીયો બનાવીને ‘ન્યાય’ માગ્યો: પોલીસની સ્પષ્ટતાથી આવ્યો વળાંક, ભાઈ ફૈઝલનું પણ નામ ખુલ્યું 

    આયેશાએ પોતાના નિવેદનમાં સિદ્ધરાજસિંહ સામે આરોપો લગાવ્યા છે, પરંતુ પોલીસે જણાવેલ હકીકત અનુસાર, તેણે અકસ્માત બાદ તેના ભાઈ ફૈઝલને બોલાવીને ફરિયાદી સિદ્ધરાજસિંહ સાથે ઝઘડો કર્યો હતો અને ગાળાગાળી કરીને ફૈઝલે તેમને એક તમાચો પણ મારી દીધો હતો.

    - Advertisement -

    તાજેતરમાં એક યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર એક વિડીયો પોસ્ટ કરીને અમદાવાદ પોલીસ પર પક્ષપાતી કાર્યવાહી કરવાના આરોપ લગાવ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેર પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની માંગ કરી હતી. આયેશા ગલેરિયા નામની આ યુવતીએ પોતાની કાર સાથે અકસ્માત થયા બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનું જણાવીને પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરવાના આરોપ લગાવ્યા હતા. જેનો વિડીયો વાયરલ થયા બાદ આખરે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી છે અને સમગ્ર હકીકત જણાવી છે. 

    આયેશા ગલેરિયાએ ગત 16 જુલાઈ, 2024ના રોજ સાંજે 7:32 કલાકે X પર 2 વિડીયો અપલોડ કર્યા હતા. જેમાં તે જણાવે છે કે 2 દિવસ પહેલાં YMCA ક્લબ નજીક તેની કારને અકસ્માત નડ્યો હતો. દાવા અનુસાર, એક કારચાલકે તેની કાર સાથે ટક્કર મારી હતી, ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ. આરોપ છે કે સામેના વ્યક્તિએ તેની સાથે ગાળાગાળી કરી હતી, જેથી ત્યારબાદ તેણે તેના ભાઈ અને પોલીસને કૉલ કરીને જાણ કરી અને કારમાં આવીને બેસી ગઈ. 

    આગળ તે કહે છે કે, “એ ભાઈના વ્યવહારના કારણે મને અસુરક્ષિત અનુભવાતું હતું, જેથી હું ગાડી લૉક કરીને બેસી ગઈ. તે વખતે હું મારા ભાઈ અને પોલીસની રાહ જોતી હતી. પરંતુ તે ભાઈ (જેની કાર સાથે અકસ્માત થયો હતો) મારી ગાડી પાસે આવીને ગાળો આપવા માંડ્યા.” પોલીસ પર આરોપ લગાવતાં તેણે કહ્યું કે, “પોલીસ આવી ત્યારે મેં તેમને મારી સાથે બનેલા બનાવ વિશે કહ્યું, પરંતુ તેઓ કશું જ સાંભળવા કે મારી ફરિયાદ પણ લેવા તૈયાર ન હતા. મેં તેમને કહ્યું કે, આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તેમ છતાં તેઓ સાંભળવા તૈયાર ન હતા.”

    - Advertisement -

    આયેશા આગળ દાવો કરે છે કે, ત્યારબાદ તેને પોલીસ સરખેજ પોલીસ મથક લઇ ગઈ હતી જ્યાં તેણે પોતાની સાથે બનેલી ઘટના વિશે વિગતવાર જણાવ્યું, પરંતુ પોલીસ સાંભળવા તૈયાર ન હતી અને તેને બહાર ચાર કલાક સુધી બેસાડી રાખવામાં આવી. સાથે એવો પણ આરોપ લગાવ્યો કે, સામેની પાર્ટીને ચા-પાણી પણ કરાવવામાં આવ્યાં અને AC રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. દાવો એમ પણ કર્યો કે, મેં FIR કરવાનું કહેતાં તે માટે પણ ના પાડવામાં આવી અને સામેની પાર્ટીની ફરિયાદ લઇ લેવામાં આવી. એવો પણ આરોપ લગાવ્યો કે, પોલીસે તેને કહ્યું હતું કે સુરક્ષિત ન હોય તો અડધી રાત્રે બહાર ન નીકળવું જોઈએ. 

    વિડીયોમાં તે કહે છે કે, “અમદાવાદ મહિલાઓ માટે સુરક્ષિત છે અને મને પોલીસ સાથે ખરાબ અનુભવ થયો છે. મારી પોલીસ કમિશનરને વિનંતી છે કે તેઓ આ બાબતે તપાસ કરીને મને ન્યાય અપાવે.” પોસ્ટમાં તેણે અનેક મીડિયા સંસ્થાઓ અને પત્રકારોને પણ ટેગ કર્યા હતા. એ પણ નોંધવું જોઈએ કે આ ટ્વિટર અકાઉન્ટ જુલાઈ, 2024માં જ બનાવવામાં આવ્યું છે અને આ લખાયાની ક્ષણ સુધી તેની ઉપર માત્ર 5 જ પોસ્ટ થઈ છે.

    અકસ્માત મહિલાએ કર્યો હતો, અમે ફરિયાદ લેવા તૈયાર, તેના ભાઈ ફૈઝલે મારામારી કરી: પોલીસ 

    સમગ્ર બાબતે હવે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપોની તપાસ કરતાં જાણવા મળ્યું કે, 14 જુલાઇના રોજ રાત્રે 8:15 વાગ્યાની આસપાસ ઘટના બની છે. પરંતુ આયેશાએ જે દાવો કર્યો છે તેનાથી વિપરીત હકીકત જણાવતાં પોલીસે કહ્યું કે, તેણે જ પૂરઝડપે કાર હંકારીને એક પરિવારની ગાડીને ટક્કર મારી હતી. આ મામલે સામેના વ્યક્તિ સિદ્ધરાજસિંહ મકવાણાએ એસજી હાઈવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. 

    આયેશાએ પોતાના નિવેદનમાં સિદ્ધરાજસિંહ સામે આરોપો લગાવ્યા છે, પરંતુ પોલીસે જણાવેલ હકીકત અનુસાર, તેણે અકસ્માત બાદ તેના ભાઈ ફૈઝલને બોલાવીને ફરિયાદી સિદ્ધરાજસિંહ સાથે ઝઘડો કર્યો હતો અને ગાળાગાળી કરીને ફૈઝલે તેમને એક તમાચો પણ મારી દીધો હતો. નોંધવું જોઈએ કે આનાથી વિપરીત આયેશાએ દાવો કર્યો હતો કે સિદ્ધરાજસિંહે તેને થપ્પડ મારી હતી, જ્યારે પોલીસે જુદી જ હકીકત જણાવી છે. 

    પોલીસે એ આરોપો પણ નકારી કાઢ્યા, જેમાં આયેશાએ જણાવ્યું હતું કે તેની ફરિયાદ લેવામાં આવી ન હતી. પોલીસે કહ્યું કે, તેમણે સામસામી ફરિયાદો લેવાની કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ આયેશા ગલેરિયાએ તેના વકીલની સલાહથી સિદ્ધરાજસિંહ વિરુદ્ધની ફરિયાદમાં સહી કરી ન હતી. ઉપરાંત, પોલીસે ફરિયાદ વાંચીને સહી કરવાનું કહેતાં નારાજ થઈને ત્યાંથી ચાલી ગઈ હતી. પોલીસે કહ્યું કે, 16 જુલાઈએ પોલીસે ફરી ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ જવાબ આપવામાં ન આવ્યો. 

    અમદાવાદ પોલીસે જણાવ્યું કે, ઘટનામાં તેમણે વ્યાજબી જ કાર્યવાહી કરી છે અને બંને પક્ષોની રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનરે મામલાની તપાસ હાલ શહેર ક્રાઈમ બ્રાન્ચનાં એક મહિલા ACPને સોંપી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે એ પણ જણાવ્યું કે, આયેશા ગલેરિયા અને તેના ભાઈ ફૈઝલ વિરુદ્ધ અગાઉ પણ એક મહિલાની ફરિયાદના આધારે બેફામ ગાડી ચલાવીને, ગાળાગાળી કરીને ધાકધમકી આપી, મારામારી કરવા મામલેનો ગુનો આનંદનગર પોલીસ મથકે નોંધાઇ ચૂક્યો છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં