ગત શુક્રવારે (4 ઓગસ્ટ, 2023) જમ્મુ કાશ્મીરના કુલગામ ક્ષેત્રના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સામે થયેલી અથડામણમાં ભારતીય સેનાના 3 જવાન વીરગતિ પામ્યા હતા. જેમાંથી એક જવાન મૂળ સુરેન્દ્રનગરના વતની અને અમદાવાદ રહેતા મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા હતા. રવિવારે (6 ઓગસ્ટ, 2023) વીર મહિપાલસિંહને અંતિમ વિદાય આપવામાં આવી. આ દરમિયાન તેમની શોર્યયાત્રામાં લાખો લોકો સ્વયંભૂ જોડાયા, દરેકની આંખમાં આંસુ હતાં, હોઠ પર ‘મહિપાલસિંહ અમર રહો’નો નારો હતો અને હૃદયમાં પીડા હતી.
વીર મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહને રવિવારે 5 વાગ્યાના સુમારે વિરાટનગર ખાતેના તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો ત્યારે ‘મહિપાલસિંહ અમર રહો’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે પરિસર ગુંજી ઉઠ્યું હતું. પરિવારજનોને અંતિમ દર્શન કરાવી પાર્થિવ દેહ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૂકવામાં આવ્યો, જ્યાં હાજર લોકોએ પુષ્પવર્ષા કરી વીર જવાનને અંતિમ વિદાય આપી હતી. સ્વયંભૂ ઉમટેલી ભીડમાં લગભગ તમામ લોકોની આંખો ભીની હતી અને વીરવરના પરિવાર પ્રત્યે સંવેદના દેખાતી હતી.
શુક્રવારે બનેલી ઘટનાના સમાચાર મળ્યા બાદથી જ મહિપાલસિંહ વાળાની સોસાયટી અને વિરાટનગર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ પાડીને શોક પાળ્યો હતો તો અમદાવાદ પૂર્વના કારડીયા રાજપૂત સમાજ સહિતના તમામ સમાજના અગ્રણીઓ પરિવારના દુઃખમાં સહભાગી થવા ઉમટી પડ્યા હતા. આખા વિસ્તારમાં મહિપાલસિંહ વાળાનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. સોશિયલ મીડિયામાં પણ હજારો લોકોએ મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ગર્ભવતી પત્નીને છેક સુધી સમાચાર આપ્યા ન હતા
ઉલ્લેખનીય છે કે વીરગતિ પામેલા મહિપાલસિંહના માત્ર 22 વર્ષીય ધર્મપત્ની વર્ષાબા 9 મહિનાના ગર્ભવતી છે. તેમના અને બાળકના સ્વાસ્થ્ય પર કોઈ માઠી અસર ન પડે તે માટે પરિવારે તેમને છેક સુધી મહિપાલસિંહના વીરગતિ પામ્યા હોવાના સમાચારની જાણ કરી ન હતી. શુક્રવારે જ્યારે પરિવારને મહિપાલસિંહ વિશે જાણ થઇ ત્યારે જ તેમણે વીરવરનાં પત્નીને નજીકના દવાખાનામાં દાખલ કરી દીધાં હતાં. તેમની પ્રસૂતિનો સમય નજીક હોવાના કારણે ડોક્ટરે તેમને દાખલ થવા જણાવ્યું હતું. મહિપાલસિંહ વીરગતિ પામ્યા હોવાના સમાચાર બાદ જ્યાં સુધી તેમનો પાર્થિવદેહ નિવાસસ્થાને ન લાવવામાં આવે ત્યાં સુધી તેમના ધર્મપત્નીને આ વિશે જાણ ન થવા દેવી અને તેમની સંભાળ રાખવી પરિવાર માટે પડકારજનક રહ્યું હતું. બીજી તરફ, મહિપાલસિંહનાં માતાને પણ આખી ઘટનાથી અજાણ રાખવામાં આવ્યાં હતાં.
જે દવાખાનામાં વર્ષાબાને દાખલ કરવામાં આવ્યાં હતાં તે તેમના ઘરથી ખૂબ જ નજીક હોવાથી પરિવાર માટે તેમને ઘટનાની જાણ ન થવા દેવી એક પડકાર હતો, કારણકે મહિપાલસિંહના પાર્થિવ દેહને કાશ્મીરથી અમદાવાદ લાવવામાં એક દિવસ કરતાં પણ વધુ સમય લાગવાનો હતો. વીરવરનાં માતા અને પત્નીને દવાખાને મોકલ્યા બાદ સૌપ્રથમ પરિવારે તેમના ફોન પરત લઇ લીધા હતા અને દવાખાનાનો સ્ટાફ પણ આ કરુણ પરિસ્થિતિમાં પરિવારને સંપૂર્ણ સહયોગ આપી રહ્યો હતો. પરિવાર સહિત વિસ્તારના લોકો પણ કાળજું કઠણ કરી મહિપાલસિંહના પરિવારને સહયોગ આપી રહ્યા હતા અને શક્ય બને તેટલી સામાન્ય પરિસ્થિતિઓ જાળવવી રાખવામાં મદદ કરી રહ્યા હતા. આ દરમિયાન મહિપાલસિંહના પરિવારજન તેમજ તેમનાં પત્નીનાં માતા અને કાકીમા અને બહેન કાળજે પથ્થર મૂકીને વર્ષાબા સાથે સામાન્ય પરિસ્થિતિ હોય તેમ જ વર્તન કરી રહ્યાં હતાં.
ઘટનાને લગભગ દોઢ દિવસ વીત્યો અને મહિપાલસિંહના પાર્થિવ દેહને સેનાની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરીને વિરાટનગર ખાતે લાવવાની તૈયારીઓ કરી લેવામાં આવી. આ દરમિયાન આખા વિસ્તારમાં વીર જવાનનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં અને તેમની અંતિમ યાત્રાના માર્ગને તૈયાર કરવામાં આવ્યો. તમામ સમાજના હજારો લોકો લગભગ 48 કલાકથી પરિવાર સાથે રહ્યા હતા. દરમ્યાન મહિપાલસિંહનો પાર્થિવ દેહ અમદાવાદ ખાતે આવી પહોંચ્યો અને ભારતીય સેનાના અમદાવાદ ખાતેના કેમ્પ દ્વારા જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઑનર આપીને સન્માનભેર પરિવારને સોંપવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી.
‘હોસ્પિટલમાંથી રજા આપવાની છે’ કહીને ડોક્ટરે સેનાના ફોર્મમાં સહી લીધી હતી
મહિપાલસિંહના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવાનો સમય થઇ જતાં નિયમાનુસાર સેનાએ ઔપચારિકતાઓ પૂર્ણ થઇ ગઈ હોવાનું જણાવતા ફોર્મ પર તેમનાં પત્નીની સહી લેવી જરૂરી હતી. જેથી ડોક્ટરોએ વર્ષાબાને ‘તમને હવે સારું છે અને પ્રસવમાં હજુ થોડો સમય લાગી શકે તેમ છે, જેથી રજા આપીએ છીએ’ તેમ કહીને આ ફોર્મ પર સહી કરાવી લીધી હતી.
મહિપાલસિંહના ઘર અને દવાખાને વચ્ચે માંડ એકાદ કિલોમીટરનું અંતર હશે. પરિવાર માટે હવે ખરી પરીક્ષાનો સમય હતો, કારણ કે આખા રોડ પર હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ઠેરઠેર ‘મહિપાલસિંહ અમર રહો’નાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. આ બધા વચ્ચેથી વર્ષબાને તેમના ઘરે પહોંચાડવાં પરિવાર માટે હિમાલય સર કરવા જેટલું અઘરું કામ હતું. વર્ષાબા દવાખાનાની બહાર આવ્યાં ત્યારે હજારોની જનમેદની જોઈને તેમણે પૂછ્યું હતું કે, આટલા બધા લોકો કેમ ભેગા થયા છે? પરંતુ ત્યારે તેમને ‘કોઈ રોડ શૉ હોવાના કારણે ટ્રાફિક છે’ તેમ કહી દેવાયું હતું.
ગાડી માંડ પચાસેક મીટર આગળ વધી રહી હતી ત્યાં વીરાંગનાની નજર બહાર લગાવેલાં મહિપાલસિંહના ફોટાવાળાં પોસ્ટરો પર પડી અને તેઓ ભાંગી પડ્યાં હતાં. તેમનું આક્રંદ જોઈને પરિવારજનોનો પણ આંસુઓનો બંધ તૂટી ગયો અને જેમ-તેમ કરીને તેમને ઘરે પહોંચાડવામાં આવ્યાં.
જવાનો સાથે પત્નીએ પણ અંતિમ સલામી આપી
વર્ષાબા દવાખાનેથી પરત આવ્યાની થોડી જ ક્ષણોમાં મહિપાલસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેઓ સમજી ગયાં હતાં કે તેમના ભરથારે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને હવે તેમના ગર્ભમાં રહેલા બાળકને ઉછેરીને પોતે પતિને આપેલાં વચનો પાળવાનાં છે. તેમણે અંતિમ વખત પતિના ચહેરાને જોયો અને ક્ષત્રિય પરંપરા અનુસાર કપાળ પર તિલક કરીને અંતિમ પ્રણામ કર્યાં. ત્યારબાદ વીર જવાનના પાર્થિવ દેહને સામાન્ય લોકોને દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો હતો. તે સમયે હાજર ભારતીય સેનાના જવાનો સાથે ધર્મપત્નીએ પણ ભીની આંખો અને મક્કમ મન સાથે પતિને અંતિમ સલામી આપી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિરાંજલી આપવા પહોંચ્યા
આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વીર મહિપાલસિંહ વાળાને વીરાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે જવાનના પરિવારની મુલાકાત પણ લીધી હતી. મહિપાલસિંહના માતા, ભાઈ અને કુટુંબીજનોને મળ્યા બાદ જ્યારે તેઓ તેમનાં પત્નીને મળવા પહોંચ્યા તેઓ પણ ભાવુક થઇ ગયા હતા. માત્ર 22 વર્ષનાં સગર્ભા વર્ષાબાને આક્રંદ કરતાં જોઈને તેમનું હૈયું ભરાઈ આવ્યું હતું. નાની ઉમરમાં દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર દીકરીને સાંત્વતના આપવા આવેલા ભૂપેન્દ્રભાઈનું હૈયું એ હદે ભરાઈ આવ્યું કે તેઓ એક પણ શબ્દ ન ઉચ્ચારી શક્યા અને આ આંખોમાં ઝળઝળિયાં સાથે માત્ર બે હાથ જોડી ઉભા રહ્યા.
વીરગત જવાન મહિપાલસિંહ વાળાના ધર્મપત્નીને સાંત્વના આપવા પહોંચ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી @Bhupendrapbjp, સર્જાયા ગમગીન દ્રશ્યો.
— Krunalsinh Rajput🇮🇳 (@KrunalRajput_) August 7, 2023
મહિપાલસિંહના ગર્ભવતી પત્નીનો આક્રંદ જોઈને મુખ્યમંત્રી પણ ઢીલા પડી ગયા. મોઢામાંથી એકપણ શબ્દ ન બોલી શક્યા.
જુઓ દ્રશ્યો… pic.twitter.com/P9zTY9K0w9
નોંધનીય છે કે વર્ષાબા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામના કાશેલા પરિવારનાં પુત્રી છે. તેમના સગા નાના ભાઈ પણ ભારતીય નેવીમાં ફરજ બજાવે છે. વર્ષ 2020માં તેમના પિયર પક્ષના કુટુંબના જ ગંભીરસિંહ કાશેલા ભારતીય સેનામાં ફરજ દરમિયાન વીરગતિ પામ્યા હતા. આ ઉપરાંત પિયર પક્ષમાં તેમના અનેક વડીલો અને ભાઈઓ હાલ પણ સેનામાં સેવા આપી રહ્યા છે. આવા પરિવારમાંથી આવતાં વર્ષાબાનાં લગ્ન અઢી વર્ષ પહેલાં મહિપાલસિંહ સાથે થયાં હતાં. પોતાના અઢી વર્ષના લગ્નજીવનમાં તેઓ ખૂબ ખુશ હતાં. તાજેતરમાં જ મહિપાલસિંહ પત્નીના સીમંત પ્રસંગે રજા પર આવ્યા હતા અને બાળકના જન્મ વખતે પરત આવવાનું વચન આપીને પરત ફરજ પર ગયા હતા. પરંતુ તે પહેલાં જ દેશની સેવા કરતાં તેમણે બલિદાન આપી દીધું.
અશ્રુભીની આંખે મહિપાલસિંહને અંતિમ વિદાય, લાખો લોકો સ્વયંભૂ જોડાયા
અંતિમ દર્શન બાદ પરિવાર અને ભારતીય સેનાના જવાનો દ્વારા સંપૂર્ણ સન્માન સાથે મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહને તિરંગો ઓઢાડી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી. આ દરમિયાન વિરાટનગરથી માંડીને કેનાલ સુધીના આખા રસ્તે જનમેદની વીર જવાનનાં અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડી. આટલું જ નહીં, આસપાસની ઇમારતોનાં ધાબાં પર પણ હજારો લોકોએ ઉભા રહી પુષ્પોની વર્ષા કરી વિરાંજલી આપર્ણ કરી. સમગ્ર યાત્રામાં ભાવુક દ્રશ્યો સર્જાયાં હતાં, સૌ કોઈની આંખમાં આંસુ હતાં, સતત વીર જવાન માટે નારા લાગી રહ્યા હતા.
યાત્રા બાદ લીલાનગર સ્મશાન ગૃહ ખાતે પાર્થિવ દેહને લાવવામાં આવ્યો. જ્યાં ભારતીય સેના દ્વારા તેમને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું. પરિવાર દ્વારા હિંદુ રીતિરિવાજ મુજબ અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ મહિપાલસિંહ વાળાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. જ્યાં સુધી મહિપાલસિંહ વાળા પંચમહાભૂતમાં વિલીન ન થયા ત્યાં સુધી આખા વિસ્તારમાં લોકો દ્વારા ‘ભારત માતા કી જય’ અને ‘મહિપાલસિંહ વાળા અમર રહો’ના જયઘોષ કરવામાં આવ્યા.
કોણ હતા મહિપાલસિંહ વાળા?
મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના વતની હતા. જોકે, તેમનો પરિવાર ઘણા સમયથી અમદાવાદ જ રહેતો હતો. છેલ્લાં આઠ વર્ષથી તેઓ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. સૌથી પહેલાં તેમનું પોસ્ટિંગ જબલપુરમાં થયું હતું. ચાર વર્ષ બાદ ચંદીગઢમાં તેમને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ વર્ષ ફરજ બજાવ્યા બાદ છએક મહિના પહેલાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. તેઓ 34 રાષ્ટ્રીય રાઇફલનો ભાગ હતા.
શુક્રવારે (4 ઓગસ્ટ, 2023) એક સૈન્ય ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણમાં તેમને ગોળી વાગી ગઈ હતી. જ્યાંથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમના પરિવારમાં પત્ની, માતા, મોટા ભાઈ અને ભાભી છે. ભાઈ છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે પિતા હયાત નથી. પરિવાર કહે છે કે, તેઓ ખૂબ શાંત સ્વભાવના અને સરળ પ્રકૃતિના વ્યક્તિ હતા. બાળપણથી બહાદૂર હતા. રાષ્ટ્રરક્ષા માટે મહિપાલસિંહે જીવન બલિદાન કરી દીધું, જેનો તેમના પરિવારને ગર્વ છે.