Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાતગર્ભવતી પત્ની હોસ્પિટલમાં દાખલ, બીજી તરફ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતાં વીરગતિ પામ્યા...

    ગર્ભવતી પત્ની હોસ્પિટલમાં દાખલ, બીજી તરફ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતાં વીરગતિ પામ્યા સુરેન્દ્રનગરના જવાન મહિપાલસિંહ વાળા: રવિવારે અંતિમયાત્રા

    આવતીકાલે બપોરે 1 વાગ્યે તેમની અંતિમયાત્રા યોજાશે. જેમાં દેશસેવા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા સપૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે. 

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવારે (4 ઓગસ્ટ, 2023) એક સૈન્ય ઓપરેશન દરમિયાન ત્રણ જવાનો વીરગતિ પામ્યા હતા. જેમાંથી એક મૂળ સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા પણ હતા. આતંકવાદીઓ સામે લડતાં-લડતાં તેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું. 

    કાશ્મીરના કુલગામના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયેલા હોવાની બાતમીના આધારે સુરક્ષાબળોએ એક વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. અહીં જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા તે દરમિયાન ઝાડીમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ તેમની ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં સેનાના ત્રણ જવાનોને ગોળી વાગી ગઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 

    કુલગામમાં સર્વોચ્ચ બલિદાન આપનારા ત્રણ જવાનોમાં મહિપાલસિંહ વાળા ઉપરાંત, બાબુલાલ હરિતવાલ અને વસીમ સરવરનો સમાવેશ થાય છે. 

    - Advertisement -

    મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના મોજીદડ ગામના વતની હતા. જોકે, તેમનો પરિવાર ઘણા સમયથી અમદાવાદ જ રહેતો હતો. છેલ્લાં આઠ વર્ષથી તેઓ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. સૌથી પહેલાં તેમનું પોસ્ટિંગ જબલપુરમાં થયું હતું. ચાર વર્ષ બાદ ચંદીગઢમાં તેમને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ વર્ષ ફરજ બજાવ્યા બાદ છએક મહિના પહેલાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. તેઓ 34 રાષ્ટ્રીય રાઇફલનો ભાગ હતા. 

    તેમના પરિવારમાં પત્ની, માતા, મોટા ભાઈ અને ભાભી છે. ભાઈ છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે પિતા હયાત નથી. પરિવાર કહે છે કે, તેઓ ખૂબ શાંત સ્વભાવના અને સરળ પ્રકૃતિના વ્યક્તિ હતા. બાળપણથી બહાદૂર હતા. રાષ્ટ્રની સુરક્ષા માટે મહિપાલસિંહે આપેલા સર્વોચ્ચ બલિદાનનો પરિવારને ગર્વ છે.

    પત્ની ગર્ભવતી, સંતાનનું મોં ન જોઈ શક્યા 

    મહિપાલસિંહનાં પત્ની ગર્ભવતી છે અને બાળકનો જન્મ થવાની તૈયારીમાં છે. એકાદ મહિના પહેલાં જ પત્નીના સીમંત પ્રસંગે તેઓ ઘરે પણ આવ્યા હતા અને સંતાનનો જન્મ થવાનો હોવાથી નજીકના ભવિષ્યમાં ફરી આવવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ સંતાનનું મોં જુએ તે પહેલાં જ તેમણે દુનિયામાંથી વિદાય લઇ લીધી.

    પરિવાર પાસેથી જાણવા મળ્યા અનુસાર, હાલ મહિપાલસિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અને અન્ય ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. ત્યારબાદ વિમાન મારફતે તેમનો મૃતદેહ રવાના કરવામાં આવશે, જે અમદાવાદ એરપોર્ટ પર મળસ્કે આવી પહોંચશે. જ્યાં પરિવારને સોંપી દેવામાં આવશે. આવતીકાલે બપોરે 1 વાગ્યે તેમની અંતિમયાત્રા યોજાશે. જેમાં દેશસેવા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા સપૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં