કરોડોના GST કૌભાંડના (GST Scam) આરોપી ‘ધ હિન્દુ’ના ‘પત્રકાર’ મહેશ લાંગાની (Mahesh Langa) જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે શુક્રવારે (25 ઑક્ટોબર) લાંગાની અરજી પર ચુકાદો આપ્યો. તે હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોર્ટમાં મહેશ લાંગાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને તપાસ બાકી હોવાની દલીલ પણ કરી હતી. પોલીસે જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટને કહ્યું હતું કે, આરોપીને જામીન મળવા પર તે તપાસમાં અડચણરૂપ બની શકે છે.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમવી ચૌહાણે મહેશ લાંગાની જામીન અરજી ફગાવીને આદેશ પસાર કર્યો હતો. લાંગા અને અન્ય આરોપીઓની ધરપકર કરનાર જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે (DCB) જામીનનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આ કેસને લઈને હજુ તપાસ ચાલી રહી છે. DCBએ પોતાના લેખિત નિવેદનમાં કહ્યું હતું કે, “આરોપીના ઘરેથી ઘણા ‘ગુપ્ત દસ્તાવેજો’ મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.” વધુમાં કહેવાયું હતું કે, “જો આરોપીને જામીન આપવામાં આવ્યા તો તે ગુપ્ત દસ્તાવેજો સાથે જોડાયેલા લોકોનો સંપર્ક કરીને તપાસમાં અડચણરૂપ બની શકે છે.”
આ ઉપરાંત DCBએ કોર્ટને આખા કેસ વિશેની માહિતી પણ આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે કોર્ટને જણાવ્યું કે, લાંગાએ ધ્રુવી એન્ટરપ્રાઇઝના માલિકો સાથે મળીને ‘ટેક્સ અને GST’ બચાવવા માટે ‘ષડ્યંત્ર’ રચ્યું હતું. વધુમાં કહેવાયું હતું કે, તેણે (લાંગાએ) નકલી દસ્તાવેજોના આધારે GST નંબર મેળવીને ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે ₹43.35 લાખની લેવડદેવડ પણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપ લગાવતા કહ્યું હતું કે, લાંગાએ ટેક્સથી બચવા માટે પોતાની પત્નીના નામ પર DA એન્ટરપ્રાઇઝ બનાવી હતી. આરોપ છે કે, તેના ઘરેથી મળી આવેલા ₹20 લાખ પણ ટેક્સ ચોરીથી કમાયેલા હતા.
GST કૌભાંડ પર કાર્યવાહી કરતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 8 ઑક્ટોબરે મહેશ લાંગાની ધરપકડ કરી હતી. DCBએ કોર્ટને જણાવ્યું હતું કે, નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ મેળવવા માટે દેશભરમાં સંગઠિત રીતે કામ કરી રહેલી 200થી વધુ ગેરકાયદેસર રીતે બનેલી કંપનીઓ અને સંસ્થાઓ પણ આ કૌભાંડમાં જોડાયેલી છે. આ કેસમાં કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી એક ‘પત્રકાર’ મહેશ લાંગા પણ છે.
સરકારી દસ્તાવેજો લીક કરવા મામલે ગાંધીનગરમાં પણ લાંગા સામે FIR
સાથે એ પણ નોંધવા જેવું છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં જ ગાંધીનગર પોલીસે ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંબંધિત ગુપ્ત સરકારી દસ્તાવેજો રાખવાના અને તેને લીક કરવાના આરોપમાં લાંગા વિરુદ્ધ અન્ય એક FIR પણ નોંધી હતી. તપાસમાં ખુલ્યું હતું કે, મહેશ લાંગા પોતે પત્રકાર હોવાનો ફાયદો ઉઠાવીને સરકારી દસ્તાવેજો મેળવી લેતો અને બાદમાં તેને અન્યોને પાસ કરતો હતો. જાણવા મળ્યા અનુસાર, લાંગા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 303(2), 306, 316(5), 61(2) અને લાંચ રૂશ્વત અટકાયત એક્ટની કલમ 7(એ), 8(1), 12,13(1) અને 12(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અનુમાન છે કે આ કેસમાં પણ પોલીસ તેની કસ્ટડી મેળવી શકે છે.