વામપંથી લેખકોને આમંત્રણ આપવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર થયેલા વિરોધને પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (Ahmedabd International Book Festival) વિવાદમાં આવ્યો હતો. 8 ડિસેમ્બરે પૂર્ણ થનાર આ કાર્યક્રમના અંતિમ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે હવે ચર્ચા એવી શરૂ થઈ છે કે જે વિલિયમ ડેલરિમ્પલના નામને લઈને સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે તેમનું સત્ર યોજાય રહ્યું છે કે કેમ.
સોશિયલ મીડિયા X પર નેશનલ બુક ટ્રસ્ટ (જેના નેજા હેઠળ આ ઇવેન્ટ થઈ રહી છે) દ્વારા 7 ડિસેમ્બર, 2024ના કાર્યક્રમોની એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સાંજે 7:15 કલાકે વિલિયમ ડેલરિમ્પલના સત્રનો ઉલ્લેખ જોવા મળે છે. જોકે, વિલિયમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને માત્ર સત્રનું જ નામ ‘ધ ગોલ્ડન રોડ: હાઉ ઇન્ડિયા ટ્રાન્સફોર્મ્ડ ધ વર્લ્ડ’ લખવામાં આવ્યું છે.
Here's the schedule for Day 8 of #AIBF!
— National Book Trust, India (@nbt_india) December 7, 2024
Don't miss this thrilling day with an exciting lineup of authors, sessions, and performances!#AIBF2024 #nbtindia #ministryofeducation pic.twitter.com/w7cEJika3P
આ મામલે વધુ વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયાએ કાર્યક્રમના આયોજન માટે જવાબદાર અમદાવાદ મહાનગરપાલિકાના બે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે પણ કોઈ સ્પષ્ટતા કરવાના સ્થાને એકબીજા પર નાખીને હાથ ઊંચા કરી દીધા હતા અને જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેશનલ બુક ટ્રસ્ટ જ કરી રહ્યું છે અને AMCએ માત્ર ગ્રાઉન્ડ જ પૂરું પાડ્યું છે. જેથી આ વિશે તેમની પાસે કોઈ જાણકારી નથી.
વધુ જાણકારી મેળવવા માટે NBTનો પણ સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો.
બીજી તરફ, સોશિયલ મીડિયા પર નવું શિડ્યુલ જોઈને ચર્ચા શરૂ થઈ છે કે આખરે આ સત્ર યોજાઈ રહ્યું છે કે કેમ. કારણ કે ત્રણ દિવસ પહેલાં આ જ રીતે બે વામપંથી લેખિકાઓના વિરોધ બાદ તેમનું સત્ર રદ કરી દેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવી દેવામાં આવી હતી, તેમજ કાર્યક્રમની આધિકારિક યાદીમાં પણ તેમના સેશનનો કોઈ ઉલ્લેખ ન હતો.
How cleverly they removed photos on social media to reduce protests on #AIBF. They have removed his name, but kept his book’s name. @nbt_india under @milindsmarathe thinks that we are fools here. @dpradhanbjp @ShefVaidya https://t.co/rZMLqEG3gv
— Harshil (હર્ષિલ) (@MehHarshil) December 7, 2024
પરંતુ વિલિયમ ડેલરિમ્પલના કિસ્સામાં અસમંજસ એટલા કારણોસર છે, કારણ કે NBT દ્વારા બહાર પાડવામાં આવેલા શિડ્યુલમાં તેમના સત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પરથી પોસ્ટ તેમની પણ હટાવી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ચર્ચા એવી છે કે વિરોધ કે આક્રોશને ઠંડો પાડવા માટે સંભવતઃ પોસ્ટ હટાવી લેવામાં આવી હોય, પરંતુ સત્ર યોજાશે કે રદ થશે, તેની પુષ્ટિની લોકો રાહ જોઈ રહ્યા છે.
આ સમગ્ર વિવાદ ગત 1 ડિસેમ્બરના રોજ શરૂ થયો હતો, જ્યારે હર્ષિલ મહેતા નામના એક યુઝરે X પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે અમદાવાદ બુક ફેસ્ટિવલના પરિસરમાં લાગેલા પોસ્ટરની તસવીર પોસ્ટ કરીને પૂછ્યું હતું કે, મુઘલ આક્રાંતાઓના સમર્થક અને હિંદુત્વદ્વેષી વ્યક્તિને સરકારી કાર્યક્રમમાં નિમંત્રણ કેમ પાઠવવામાં આવી રહ્યું છે?
ત્યારબાદ વિવાદ વધ્યો અને સોશિયલ મીડિયા પર સેશન રદ કરવાની માંગ ઉઠી હતી. ત્યારબાદ અન્ય અમુક વામપંથી લેખકોને પણ બોલાવાયા હોવાની જાણકારી મળતાં તેમનો પણ વિરોધ શરૂ થયો હતો. પછીથી NBTએ સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવી દીધી હતી અને એક સેશન પણ રદ થયું. પરંતુ જે વિલિયન ડેલરિમ્પલનો વિરોધ થઈ રહ્યો છે તેમનું સેશન યોજાશે કે કેમ, તે બાબતે એએમસી કે એનબીટી કોઈ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.