ગત વર્ષે બાંગ્લાદેશમાં (Bangladesh) થયેલ કથિત ક્રાંતિના પગલે 5 ઑગસ્ટના રોજ બાંગ્લાદેશના તત્કાલીન પીએમ શેખ હસીના (Sheikh Hasina) રાજીનામું આપીને ભારત આવી ગયા હતા. એ પછી બાંગ્લાદેશમાં વચગાળાની મહોમ્મદ યુનુસની (Muhammad Yunus) સરકાર રચાઈ હતી. જેના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે હવે એવા અહેવાલો સામે આવ્યા કે છે કે, કટ્ટરપંથીઓ સેના પર પણ પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં પાકિસ્તાન (Pakistan) પણ સામેલ છે તથા ISIના સમર્થનથી ત્યાં પણ બળવાને અંજામ આપવાની યોજના છે.
અહેવાલ અનુસાર, કહેવાય રહ્યું છે કે, આ બળવો લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ ફૈઝ-ઉર રહેમાનના નેતૃત્વમાં થાય એવી સંભાવના છે. જનરલ મોહમ્મદ હાલમાં બાંગ્લાદેશ આર્મીમાં ક્વાર્ટર માસ્ટર જનરલ છે. જેને કટ્ટરપંથી વિચારધારાના સમર્થક માનવામાં આવે છે. જે વર્તમાન આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન વિરુદ્ધ બળવો કરી શકે છે.
નોંધનીય છે કે, ગત અઠવાડિયે ISI ચીફે ઢાકાની મુલાકાત લીધી ત્યારે તેમને મળેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ફૈઝ-ઉર-રહેમાને કર્યું હતું. એવું કહેવાય છે કે, ISIના સમર્થનથી બાંગ્લાદેશી સેના પરથી ભારતીય છાપ દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ફૈઝ-ઉર-રહેમાનનો પ્રયાસ સેનામાં પૂરતો ટેકો મેળવવાનો છે, જેથી વકારને પદ છોડવાની ફરજ પાડી શકાય.
DGFIની મદદ લેવાના પણ પ્રયાસો
એવું પણ કહેવાય છે આ યોજના પાર પાડવા બાંગ્લાદેશની ગુપ્તચર એજન્સી DGFIની મદદ લેવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વકાર-ઉઝ-ઝમાન મધ્યવાદી વિચારધારા ધરાવતા તથા ભારતીય સમર્થકોમાંના એક છે, જેમણે સરહદ પર ભારત સાથે શાંતિ અને સહયોગ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એવું માનવામાં આવે છે કે, વકાર-ઉઝ-ઝમાનના કારણે જ શેખ હસીનાને લશ્કરી વિમાન દ્વારા સુરક્ષિત રીતે ભારત આવવાની મંજૂરી મળી હતી.
એવી પણ માહિતી મળી છે કે, ગત અઠવાડિયે જ્યારે પાકિસ્તાની એજન્સી ISIના કેટલાક અધિકારીઓ ઢાકા પહોંચ્યા ત્યારે તેમણે ભારત સાથેની સરહદની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારતની સુરક્ષા માટે ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે. જોકે, બાંગ્લાદેશ મીડિયામાં આ બાબતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવાય છે કે, બંને દેશો વચ્ચે ગુપ્તચર નેટવર્કને મજબૂત બનાવવા પર વાતચીત થઈ છે. જો આવું થશે તો તે ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો માટે ચિંતાનો વિષય બનશે. નોંધનીય છે કે, આ પહેલાં પણ બાંગ્લાદેશમાંથી પાકિસ્તાનને હથિયારોના ઓડર અપાયા હોવાનું સામે આવ્યું હતું.