લોકસભા ચૂંટણીમાં દિલ્હીની 7 બેઠકો પર કોંગ્રેસ સાથે ગઠબંધનમાં રહીને લડીને ઊંધે માથે પછડાટ ખાનાર આમ આદમી પાર્ટીએ હવે વિધાનસભા ચૂંટણી એકલા જ લડવાની ઘોષણા કરી છે. દિલ્હી સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટી નેતા ગોપાલ રાયે ગુરુવારે (6 જૂન) પાર્ટીની બેઠક બાદ કહ્યું કે તેઓ ફેબ્રુઆરી, 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે જ લડશે અને INDIની પાર્ટીઓ સાથે કોઇ ગઠબંધન નહીં કરે.
ગોપાલ રાયે કહ્યું કે, “પહેલેથી સ્પષ્ટ છે કે આ ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું. લોકસભા ચૂંટણી અમે સાથે મળીને લડી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે દેશભરમાં કોઇ ગઠબંધન નથી. અમે પૂરેપૂરી શક્તિ સાથે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી લડીશું.” સાથે કહ્યું કે, દિલ્હીના લોકો લોકસભા ચૂંટણીમાં અલગ રીતે મતદાન કરે છે અને વિધાનસભા ચૂંટણીમાં અલગ રીતે. આ વખતે પણ તેમણે લોકસભામાં પેટર્ન જાળવી રાખી છે તો અમને વિશ્વાસ છે કે વિધાનસભામાં પણ જાળવી રાખશે.
Delhi: "There is no alliance nationwide for the Delhi Vidhan Sabha elections, and we will fight and win this battle together with the people of Delhi," says AAP leader Gopal Rai pic.twitter.com/6nueHN7oSc
— IANS (@ians_india) June 6, 2024
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડ્યાં હતાં, પણ બેમાંથી એકને પણ સમ ખાવા પૂરતી એક બેઠક પણ મળી નથી અને ફરી એક વખત તમામ સાત બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે. કુલ 7માંથી AAP 4 બેઠકો પર અને કોંગ્રેસ 3 બેઠકો પર લડી હતી. પરંતુ બેમાંથી એક પણ પાર્ટીને એક પણ બેઠક મળી નથી.
આ જ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ ગઠબંધન કર્યું હતું. આમ આદમી પાર્ટીને 2 બેઠકો ભરૂચ અને ભાવનગર મળી હતી, પણ ત્યાં તેમણે કશું જ ઉકાળ્યું નથી અને બંને બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, પંજાબમાં બંને પાર્ટીઓએ કોઇ ગઠબંધન કર્યું ન હતું અને પોતાની રીતે લડ્યા હતા. અહીં આમ આદમી પાર્ટીને માત્ર 3 જ બેઠકો મળી, જ્યારે પાર્ટી કુલ 13 સીટ પર ચૂંટણી લડી હતી.
એ પણ નોંધવું જોઈએ કે દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 62 બેઠકો મળી હતી અને બાકીની 8 ભાજપને. કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. આ વખતે AAP માટે કપરી સ્થિતિ એટલા માટે છે કારણ કે કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિત અનેક મોટા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ છે. બીજી તરફ સરકાર પર આ પાંચ વર્ષમાં અનેક આરોપો લાગ્યા છે. જેની અસર ચૂંટણીમાં જોવા મળી શકે છે.