Monday, June 17, 2024
More
    હોમપેજરાજકારણપહેલી વાર કોંગ્રેસને મત ન આપી શક્યો ગાંધી પરિવાર, કેજરીવાલે મતદાન કર્યુ...

    પહેલી વાર કોંગ્રેસને મત ન આપી શક્યો ગાંધી પરિવાર, કેજરીવાલે મતદાન કર્યુ ત્યાં AAPનો ઉમેદવાર જ નહીં: INDI ગઠબંધનને અહીં સુધી લઇ આવ્યો મોદીવિરોધ

    મોદી વિરોધમાં આખું વિપક્ષી ગઠબંધન એ હદે લાચાર થઈ ગયું છે કે, પોતાની જ પાર્ટીને મત આપી શકતું નથી. એક તો ઘણુંબધું સમાધાન કરીને બધા વિપક્ષી દળો એકસાથે આવી શક્યા. તેમાં પણ તેઓ પોતાની જ પાર્ટીને મત નથી આપી શકતા.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી હવે તેના અંતિમ તબક્કામાં છે. શનિવારે (25 મે, 2024) છઠ્ઠા ચરણનું મતદાન થયું. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન યોજાયું છે. જેમાં દિલ્હીની તમામ 7 બેઠકોનો પણ સમાવેશ થાય છે. અનેક દિગ્ગજ નેતાઓએ આજે મતદાન કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરથી લઈને કોંગ્રેસના ગાંધી પરિવાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મતદાન કર્યું છે. હમણાં સુધીની તમામ ચૂંટણીઓની જેમ આ ચૂંટણી પણ સમાન રીતે જ યોજાઇ હતી. પરંતુ આ વખતે એક ઐતિહાસિક ઘટનાક્રમ જોવા મળ્યો હતો. આ વખતની ચૂંટણીમાં પરિવર્તન એ હતું કે, ગાંધી પરિવાર પહેલી વખત કોંગ્રેસને મત નથી આપી શક્યો. એટલું જ નહીં કેજરીવાલ પણ આ વખતે આમ આદમી પાર્ટીને મત નથી આપી શક્યા.

    દિલ્હીમાં યોજાયેલી ચૂંટણીમાં ગાંધી પરિવાર અને કેજરીવાલ બંનેએ મતદાન કર્યું છે. પણ ગાંધી પરિવાર જ્યાં મતદાન કરે છે તે વિસ્તાર નવી દિલ્હી લોકસભા બેઠકમાં છે. જ્યાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર નથી ઉતાર્યો. ત્યાં AAP તરફથી ધારાસભ્ય સોમનાથ ભારતી ઉમેદવાર છે. બીજી તરફ દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલ અને તેમનો પરિવાર ચાંદની ચોક લોકસભા બેઠક વિસ્તારમાં વોટિંગ કરે છે, જ્યાં કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો છે અને AAPનો ત્યાં કોઈ ઉમેદવાર નથી. તેથી ગાંધી પરિવાર અને કેજરીવાલ બંને પોતાની પાર્ટીને જ વોટ આપી શક્યા નથી, કારણ કે તેમની બેઠકો પર પોતાની પાર્ટીના ઉમેદવારો જ નથી. આજ સુધીની ચૂંટણીઓમાં આવું પહેલીવાર બન્યું છે કે, ગાંધી પરિવાર પોતાની જ પાર્ટીને મત આપી શક્યો નથી.

    આવું એટલા માટે થયું કારણ કે, INDI ગઠબંધનની બે પાર્ટીઓ AAP અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. બેઠકોના વિભાજન સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, દિલ્હીની 7 બેઠકોમાંથી 4 બેઠકો પરથી આમ આદમી પાર્ટી લડશે અને બાકીની ત્રણ બેઠકો પરથી કોંગ્રેસ લડશે. તે અંતર્ગત નવી દિલ્હી લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હતી. એટલે ત્યાંથી AAPએ પોતાનો ઉમેદવાર મેદાને ઉતાર્યો હતો. તેવામાં સ્વાભાવિક છે કે, ગાંધી પરિવાર કોંગ્રેસને મત આપી શકે નહીં. કારણ કે, તે બેઠક પર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી.

    - Advertisement -

    બીજી તરફ ચાંદની ચોક લોકસભા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. તેથી ત્યાં કોંગ્રેસી ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો છે. એટલે ત્યાંથી કેજરીવાલ અને તેમનો પરિવાર આમ આદમી પાર્ટીને મત આપી શકે નહીં. એક સમયે ગાંધી પરિવારનો સૂરજ મધ્યાહને હતો, આજે સ્થિતિ આવી છે. કેજરીવાલની પણ સ્થિતિ એવી જ છે. કારકિર્દીની શરૂઆતમાં તેમણે ભાજપ, કોંગ્રેસ તમામ પાર્ટીઓને ખોટી ગણાવીને ત્રીજો વિકલ્પ રજૂ કરવાના ધમપછાડા કર્યા હતા, પણ આજે તેઓ ગઠબંધન બનાવીને બેઠા છે.

    તમામ પાર્ટીઓની સ્થિતિ આજે એવી છે કે કોઇ એકલે હાથે વડાપ્રધાન મોદી સામે લડી શકે એમ નથી. જો અલગ-અલગ લડે તો છેવટે મોદીને જ ફાયદો કરાવીને રહે. આ સંજોગોમાં એક ગઠબંધન બનાવ્યું ને પછી તેને I.N.D.I.A એવું નામ આપ્યું. જેનું અંગ્રેજીમાં કશુંક આખું નામ છે, હિન્દીમાં શું કહેવાય તે તો આ પાર્ટીના નેતાઓને પણ આજની તારીખે ખબર નહીં હોય. પણ જોકે, આ ગઠબંધન પણ એટલું સફળ રહ્યું નથી. અમુક ઠેકાણે જ પાર્ટીઓ સાથે લડી રહી છે, બાકી બંગાળથી માંડીને પંજાબ વગેરે રાજ્યોમાં તો ગઠબંધન શક્ય બન્યું નથી. જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હીમાં ગઠબંધનમાં લડે છે તેઓ પંજાબમાં સામસામે લડી રહ્યાં છે.

    2014 પહેલાં આ પક્ષોની સ્થતિ એવી નહોતી. પરંતુ મોદીની લોકપ્રિયતા વધતી ગઈ અને આ તરફ આ પાર્ટીઓની હતાશા. તેમને પોતાને જ ખ્યાલ ન રહ્યો કે, ક્યારે આ સ્થિતિ આવીને ઊભી રહી. એક માત્ર મોદીને સત્તાથી દૂર કરવા માટે તમામ વિરોધી પક્ષો એકસાથે આવીને ઊભા રહ્યા. તેમ છતાં તેમને ધારી સફળતા નથી મળી રહી. ઉપરથી તે લોકો એટલા લાચાર થઈ ગયા કે, પોતાની જ પાર્ટીને મત પણ નથી આપી શકતા.

    મોદી સામે એકલા ન લડી શકવાના ડરથી થયું ગઠબંધન

    2014માં મોદીલહેર હતી અને ભાજપ પણ જોર લગાવીને લડતો હતો પણ લોકસભા ચૂંટણી જીતવી અને ખાસ કરીને સત્તાપલટો થાય તે રીતે ચૂંટણી જીતવી સરળ વાત નથી. એટલે કોંગ્રેસને થોડી તો થોડી પણ સત્તાવાપસીની આશા હતી. પણ પરિણામ આવ્યાં ત્યારે ભાજપને પૂર્ણ બહુમતી મળી અને નરેન્દ્ર મોદી બન્યા દેશના વડાપ્રધાન. 5 વર્ષમાં દેશને તેમની તાસીર અને કામ કરવાની ક્ષમતાનો ખ્યાલ આવી ગયો. 2019ની લોકસભા ચૂંટણી વખતે વધુ એક પ્રયાસ કરી જોયો અને કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષોએ મહાગઠબંધન સાથે બધાએ મોદી પર આક્રમણ કરવાનું શરૂ કર્યું. પરંતુ તે ચૂંટણીમાં 2014 કરતાં પણ વધુ મોટી લપડાક ખાધી. જ્યારે હવે 2024માં તે તમામ પક્ષો રીતસર રઘવાયા થઈ ગયા હોય તેવું લાગે છે.

    માત્ર મોદીને હટાવવા સિવાય INDI ગઠબંધનનો બીજો કોઈ ધ્યેય નથી દેખાઈ રહ્યો. વિપક્ષના ગમે તે નેતા ભાષણ વખતે બસ ‘મોદી હટાવો, સંવિધાન બચાવો’ જેવા નિવેદનો જ આપતા રહ્યા છે. તેનાથી તે પણ સાબિત થઈ ગયું કે, આ લોકોને બસ મોદી સામે જ વાંધો છે અને તેમનો એકમાત્ર ધ્યેય મોદીને હટાવવાનો છે. મોદીવિરોધમાં સ્થિતિ એ છે કે આજે એકલે હાથે હરાવવાની ક્ષમતા પરથી જ વિશ્વાસ ઉઠી ગયો છે. ભાજપ સામે સીધી ટક્કર ના લઈ શકવાથી તેમણે સાથે મળીને INDI ગઠબંધન બનાવ્યું. જોકે, ગઠબંધનમાં રહેલી બધી પાર્ટીઓ વચ્ચે જ એકતા અને સાયુજ્ય નથી. તેમ છતાં જેમતેમ કરીને ગઠબંધનને આગળ ધપાવતા રહ્યા અને ‘મોદી હટાવો’ના નારા લગાવતા રહ્યા.

    મજાની વાત એ છે કે આ પાર્ટીઓ ભૂતકાળમાં એકબીજાની સામે જ હતી, પણ હવે સંજોગોના માર્યા સાથે આવવું પડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો ભૂતકાળમાં એકબીજાના સખત વિરોધી રહ્યાં છે. કેજરીવાલ તો જાહેરમાં ભાષણ કરીને કહેતા કે, તેઓ કોંગ્રેસના બધા ભ્રષ્ટાચારો બહાર કાઢશે અને ગાંધી પરિવારને જેલ સુધી લઈ જશે. કેજરીવાલે રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી પર અનેકો આરોપ લગાવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસીઓ કાયમ આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ કહેતા રહ્યા હતા. પણ મોદી વિરોધમાં એવું ધોવાણ થઈ ગયું કે, તે બંને આજે સાથે મળીને લડી રહ્યા છે. એકબીજા માટે પ્રચાર કરી રહ્યા છે.

    ઇતિહાસ સાક્ષી છે કે, વિપક્ષીઓના ગઠબંધને જેટલી પ્રબળતાથી મોદી પર હુમલો કર્યો છે, તેટલું જ તેને નુકસાન થયું છે. બીજી તરફ મોદી મજબૂત બનીને બહાર આવ્યા છે. 2019ની ચૂંટણી બાદ 5 વર્ષમાં એવું પરિવર્તન થઈ ગયું કે, હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકલા હાથે મોદી સામે બાથ ભીડી શકે તેમ નથી. તેથી બંને એકસાથે આવ્યા અને ગઠબંધન કરી મોદી સામે સંયુકત રીતે લડવાનું નક્કી કર્યું. પરંતુ આ વખતે પણ સફળતાના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી. મોદી વિરોધ તેમને અહીં સુધી લઈને આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં