નર્મદાના ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ખ્રિસ્તી સમુદાય વિરુદ્ધ જે ધર્માંતરણના આક્ષેપો લાગે છે તે પાયાવિહોણા અને ખોટા છે. આ સિવાય તેમણે હિંદુ સંગઠનો પર પણ ટિપ્પણી કરી અને આરોપ લગાવ્યો કે તેમણે સેલંબામાં પરવાનગી વગર યાત્રા કાઢીને ‘રમખાણો’ કર્યાં હતાં. ચૈતર વસાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા મહારાષ્ટ્ર-ગુજરાત સરહદે આવેલા નવાપુરમાં આયોજિત એક ખ્રિસ્તી સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અહીં તેમણે ટૂંકું સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, “ગુજરાત અને દેશમાં સૌથી વધારે ખ્રિસ્તી સમાજ પર આક્ષેપો થતા હોય તો તે ધર્માંતરણના છે. આ તમામ પાયાવિહોણા અને ખોટા છે. કારણ કે બંધારણમાં જોગવાઈ છે કે બિનસાંપ્રદાયિક દેશમાં કોઇ પણ વ્યક્તિ કોઇ પણ ધર્મ પાળી શકે છે. વ્યક્તિ 18 વર્ષનો થાય એટલે પુખ્ત વયનો ગણાય અને તે નક્કી કરી શકે છે કે તેણે કયો ધર્મ પાળવાનો છે. જેથી આ ધર્માંતરણના આક્ષેપો તદ્દન ખોટા છે. અમે તેને વખોડી કાઢીએ છીએ.”
-આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો વીડિયો વાયરલ
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 16, 2023
-ખ્રિસ્તી સમુદાય પર લાગતા ધર્માંતરણના આક્ષેપોને 'પાયાવિહોણા' ગણાવ્યા
-હિંદુ સંગઠનો પર આરોપો લગાવતાં કહ્યું- તેમણે સેલંબામાં પરવાનગી વગર રેલી કાઢીને ‘રમખાણો’ કર્યાં હતાં
-AAP નેતાના ભાષણ દરમિયાન આપમેળે પ્રગટ થયું પડદાથી… pic.twitter.com/HOlD6dEB0e
તેમણે હિંદુ સંગઠનો પર ટિપ્પણી કરતાં કહ્યું કે, “ત્રણ મહિના પહેલાં હિંદુ સંગઠનોએ ખ્રિસ્તી ધર્મ પાળતા ગુજરાતના આદિવાસી સમાજના લોકોને STમાંથી દૂર કરવાની માંગ સાથે અમદાવાદમાં રેલી કરી હતી અને તેને ‘સિંહગર્જના મહારેલી’ નામ આપ્યું હતું. તેમણે તો બોર્ડ પર ‘સિંહગર્જના’ લખીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યુ, પણ સાચા સિંહો અહીં (સામે બેઠેલા લોકો તરફ ઈશારો કરીને) બેઠા છે અને તેઓ ગર્જના કરશે ત્યારે સરકારના પાયા હચમચી જશે.”
તેમણે સંબોધનમાં એમ પણ કહ્યું કે, તેઓ ખ્રિસ્તી સમાજની સાથે છે અને 2 વર્ષ પહેલાં તેઓ જ્યારે ધારાસભ્ય પણ ન હતા ત્યારે તેમના વિસ્તારમાં 2 ચર્ચ તોડવામાં આવ્યાં તો ત્યારે પણ તેમણે વિરોધ નોંધાવ્યો હતો.
હિંદુઓએ પરવાનગી વગર કાઢી હતી રેલી અને રમખાણો કર્યાં હતાં: ચૈતર વસાવા
આ સિવાય ચૈતર વસાવાએ નર્મદાના સેલંબામાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા દરમિયાન મુસ્લિમ ટોળાએ કરેલા પથ્થરમારા અને ત્યારબાદ થયેલ તોફાનોને લઈને પણ હિંદુઓને જ જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે તેમણે પરવાનગી વગર રેલી કાઢીને ધમાલ કરી હતી.
તેમણે કહ્યું, “પંદર દિવસ પહેલાં 28 (સપ્ટેમ્બર) તારીખે સેલંબામાં આ લોકોની (હિંદુ સંગઠનોની) એક શૌર્ય જાગરણ યાત્રા હતી. કોઇ પરવાનગી નહીં અને આટલી મોટી યાત્રા કરીને ત્યાં ધમાલ કરી, રમખાણ કર્યાં અને જ્યારે અમારો શાંતિપ્રિય ખ્રિસ્તી સમાજ, જે સૌનો આદરભાવ કરે છે, જે રાષ્ટ્રપ્રેમ અને સમાજપ્રેમની ભાવના શીખવે છે, તેને સંમેલન કરવા માટે માયકાંગલી સરકાર પરમિશન નથી આપતી.” આમ કહીને ઉમેર્યું કે, આવનાર દિવસોમાં આ સરકારને ઉખાડી ફેંકવી જોઈએ.
અગાઉ પણ સેલંબાની ઘટના માટે હિંદુઓને જવાબદાર ઠેરવ્યા હતા
આ એ જ AAP ધારાસભ્ય ચૈતર વસાવા છે જેમણે અગાઉ પણ સેલંબાની ઘટના માટે હિંદુઓને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે ધર્મરક્ષા માટે નહીં પરંતુ મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે રેલી કાઢી હતી.
ધમાલ થયા બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં એક પોલીસ અધિકારી સાથેની વાતચીતનો તેમનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, યાત્રાને કોઇ પરવાનગી અપાઈ ન હતી અને આ પૂર્વનિયોજીત કાવતરું હતું. તેમણે અધિકારીને કહ્યું હતું, “આ લોકોએ જેવું મીડિયામાં નાખ્યું હતું તેવું સાંજે આઠ વાગ્યે મેં તમને ફોન કરીને ધ્યાન દોર્યું હતું કે આ લોકો ધમાલ કરશે, આ પૂર્વનિયોજિત કાવતરું છે. આ કોઇ ધર્મરક્ષાની રેલી નથી, મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે.” આગળ કહ્યું, “મેં એમ પણ કહ્યું હતું કે આ લોકોની મીટિંગ બોલાવીને કહો કે જો કોઈ કાંકરીચાળો થશે તેની જવાબદારી તેમની રહેશે.”