પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી ફરી વિવાદમાં ફસાયા છે. ભરતસિંહ સોલંકી અને તેમનાં પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ જગજાહેર છે ત્યારે હવે કોંગ્રેસ નેતાનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં કથિત રીતે ભરતસિંહ સોલંકી, તેમના પત્ની રેશ્મા પટેલ અને અન્ય એક યુવતી જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, રેશ્મા પટેલ અચાનક ઘરમાં ઘૂસી ગયા હતા અને ભરતસિંહ સાથે એક યુવતી મળી આવતા હોબાળો મચાવ્યો હતો.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોઈ યુવતી સાથે સમય પસાર કરી રહ્યા હતા અને અચાનક જ પહોંચી ગયા તેમના પત્ની, બબાલનો વીડિયો વાયરલ
— Zee 24 Kalak (@Zee24Kalak) June 1, 2022
(ઝી 24 કલાક વીડિયોની પુષ્ટી નથી કરતું)#Gujarat #ZEE4Kalak pic.twitter.com/DoPkY3srkB
કોંગ્રેસ નેતાનો આ વિડિયો હાલ મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દેખાતા વ્યક્તિ ભરતસિંહ સોલંકી હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, તેઓ તેમના આણંદ ખાતેના બંગલા પર હતા ત્યારે રેશ્મા પટેલ તેમના ઘરે પહોંચ્યા હતા અને જે બાદ ઘરમાંથી એક યુવતી મળી આવતા રેશ્મા પટેલે તેની સાથે ઝપાઝપી કરી હતી અને હોબાળો મચાવી મૂક્યો હતો. જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી. આ વાયરલ વિડીયો રેશ્મા પટેલ સાથે આવેલા લોકોમાંથી કોઈએ શૂટ કર્યો હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, વાયરલ વિડીયોમાં દેખાતા વ્યક્તિ ભરતસિંહ જ છે કે કેમ તે અંગે હજુ સુધી પુષ્ટિ થઇ શકી નથી.
વિડીયોમાં જોવા મળે છે કે, રેશ્મા પટેલ દરવાજો ખોલીને જેવા ઘરમાં પ્રવેશે ત્યારે ભરતસિંહ દોડતા આવે છે અને રેશ્મા પટેલને અટકાવીને પોલીસ બોલાવવા માટે કહે છે. જોકે, રેશ્મા પટેલ અને તેમની સાથે આવેલા લોકો ઘરમાં ઘૂસી જાય છે અને રેશ્મા પટેલ યુવતીને પકડીને મારવાનું શરુ કરી દે છે અને તેના વાળ પણ ખેંચે છે. જોકે, આ દરમિયાન ભરતસિંહ તેમને અટકાવતા દેખાય છે.
વિડીયોમાં ‘તું મારા ધણીને લઈને બેઠી છે… તને નહીં છોડું..’ અને ‘આનો વિડીયો ઉતારો.. તારું મોઢું બતાવ’ જેવા વાક્યો સંભળાય છે. દરમ્યાન, યુવતી પોતાનો ચહેરો છુપાવવાના પ્રયાસ કરતી જોવા મળે છે.
આ મામલે ભરતસિંહ સોલંકી કે ગુજરાત કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. ઉપરાંત, ‘ઑપઇન્ડિયા’ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી.
ભરતસિંહ સોલંકી અને તેમનાં પત્ની રેશ્મા પટેલ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ રેશ્મા પટેલ અને ભરતસિંહ બંનેએ એકબીજાને જાહેર નોટિસ પણ પાઠવી હતી. રેશ્મા પટેલે આરોપ લગાવ્યો હતો કે તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેમજ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. ભરતસિંહ તેમની સાથે ગાળાગાળી કરતા હોવાનો તેમજ રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરીને છૂટાછેડા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ નોટિસના જવાબમાં ભરતસિંહ સોલંકીએ પણ નોટિસ પાઠવીને કહ્યું હતું કે, તેઓ છેલ્લા ચારેક વર્ષથી રેશ્મા પટેલ સાથે રહેતા નથી અને કોઈએ પણ તેમના નામ અને ઓળખનો ઉપયોગ કરી તેમનાં પત્ની સાથે નાણાકીય લેવડદેવડ કરવી નહીં અને કરે તો તેમની જવાબદારી રહેશે નહીં તેમ જણાવ્યું હતું. જે બાદ આ વર્ષે પણ રેશ્મા પટેલે આ બાબતની ફરિયાદ રાહુલ ગાંધીને કરી હતી, જે બાદ મામલો ફરીથી ચર્ચામાં આવ્યો હતો. ઉપરાંત, તેમણે ઘરે જાય તો ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવતાં હોવાનું કહીને પોલીસ પાસે રક્ષણ પણ માગ્યું હતું.