24 નવેમ્બરના રોજ સંભલ હિંસા (Sambhal Violence) મામલે હવે નવા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, હિંસામાં સામેલ વધુ 50 ઉપદ્રવીઓના ચહેરા સામે આવ્યા છે. આ સાથે જ આરોપીઓના નામ જાણવામાં પણ પોલીસને (Sambhal Police) સફળતા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હમણાં સુધીમાં 450 આરોપીઓના ચહેરા સામે આવી ચૂક્યા છે. 100થી વધુ આરોપીઓ વિશેની માહિતી પણ પોલીસે શોધી કાઢી છે. હાલ પોલીસ ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંભલ હિંસા મામલે 41 આરોપીઓને તો પહેલાં જ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જયારે અન્ય 50 આરોપીઓના ચહેરા દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. SP કૃષ્ણ કુમાર બિશ્નોઈએ જણાવ્યું છે કે, જામા મસ્જિદના સરવે દરમિયાન નખાસા બાદ હિંદુપુરા ખેડામાં પણ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. તે તમામ ઘટનાસ્થળો પર પોલીસે વિડીયો બનાવ્યા છે અને ફોટો પણ લીધા છે. તે જ વિડીયો અને તસવીરો દ્વારા હવે ઉપદ્રવીઓના ચહેરા સામે આવી રહ્યા છે.
SPએ વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે (10 ડિસેમ્બર) વધુ 50 ઉપદ્રવીઓના ચહેરા સામે આવ્યા છે. જેમાંથી ઘણા આરોપીઓના નામની જાણકારી પણ પોલીસને મળી ચૂકી છે. વધુમાં અધિકારીએ જણાવ્યું છે કે, આખા કેસને લઈને હમણાં સુધીમાં 450 ઉપદ્રવીઓ ઓળખાયા છે. હાલ પોલીસ તેમની ધરપકડ માટેના પ્રયાસો કરી રહી છે.
માસ્ક પહેરેલા પથ્થરબાજોને ઓળખવા પોલીસ માટે પણ પડકાર
જામા માજિદ સરવે દરમિયાન થયેલી હિંસામાં સૌથી વધુ ઉત્પાત માસ્ક પહેરેલા પથ્થરબારોએ મચાવ્યો હતો. આ માસ્ક પહેરેલા આરોપીઓની ઓળખ કરવા માટે પોલીસને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સીસીટીવી કેમેરા અને અન્ય પોલીસ વિડીયો કે તસવીરોમાં પણ મોટાભાગના આરોપીઓએ માસ્ક પહેરેલા હતા, જેના કારણે તેમની ઓળખ કરવી પોલીસ માટે પણ એક પડકાર છે. SPએ જણાવ્યું છે કે, માસ્ક પહેરેલા ઘણા પથ્થરબાજોની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ અન્ય લોકોની ઓળખ માટે હાલ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નોંધવા જેવું છે કે, 24 નવેમ્બરના રોજ સંભલની જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ પર સ્થાનિક મુસ્લિમ ટોળાંએ હુમલો કરી દીધો હતો. સરવે ટીમ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે સિવાય ટોળાંમાંથી કેટલાક શખ્સોએ ફાયરિંગ કરીને કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં ચાર તોફાનીઓનાં મોત પણ થયાં હતાં.