મુંબઈમાં એક 16 વર્ષીય સગીરાને એક ફેસબુક પોસ્ટ માટે ધમકી આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ સગીરા મુંબઈના ગોરેગાંવની રહેવાસી છે. તેણે રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલ તેલીની હત્યા મામલે ટિપ્પણી કરતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી.
રિપોર્ટ્સ અનુસાર, પોલીસે 16 વર્ષીય સગીરાના પિતાની ફરિયાદના આધારે FIR દાખલ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, તેમની પુત્રીને એક અજાણ્યા શખ્સનો વોટ વોટ્સએપ કૉલ આવ્યો હતો જેણે તેને કન્હૈયાલાલ તેલીનું સમર્થન કરવા બદલ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપ લગાવવામાં આવ્યો છે કે કૉલ કરનાર વ્યક્તિએ તેને કોલ અને મેસેજ પર અપશબ્દો પણ કહ્યા હતા.
An offence has been registered against an unidentified person for allegedly threatening to kill a 16-year-old girl over her Facebook post on the murder of tailor Kanhaiya Lal in Rajasthan’s Udaipur: Mumbai Police
— ANI (@ANI) July 6, 2022
મુંબઈ પોલીસે મામલાની પુષ્ટિ કરીને જણાવ્યું કે, છોકરીએ તેની ફેસબુક વૉલ પર એક પોસ્ટ કરી હતી, જે બાદ 1 જુલાઈની રાત્રે ત્રણ નંબરો પરથી તેને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. તપાસ કરતા અધિકારીએ જણાવ્યું કે, “અમે આરોપીની શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીથી જ તેમની ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ એ પણ જાણવાના પ્રયાસ કરી રહી છે કે કૉલ કરનારે છોકરીનો મોબાઈલ નંબર ક્યાંથી મેળવ્યો હતો.
આ મામલે વીપી રોડ પોલીસ સ્ટેશને સગીરાના પિતાની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 506 (ગુનાહિત ધમકી) અને 509 (સ્ત્રીની લજ્જાનો અનાદર) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે આરોપી એક જ છે અને જેણે જુદા-જુદા ત્રણ નંબરો પરથી ફૉન કરીને છોકરીને ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગત 28 જૂનના રોજ રાજસ્થાનના હિંદુ ટેલર કન્હૈયાલાલની બે ઇસ્લામીઓ મોહમ્મદ રિયાઝ અન્સારી અને ગૌસ મોહમ્મદ દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી. બંને હત્યારાઓ ગ્રાહકો બનીને આવ્યા હતા અને કન્હૈયાલાલ માપ લઇ રહ્યા હતા ત્યારે પાછળથી હુમલો કરી દીધો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેમને ગળા અને ખભાના ભાગે 26 વખત ઘા મારવામાં આવ્યા હતા. કન્હૈયાલાલની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેમણે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી.