છત્તીસગઢના (Chhattisgarh) મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે શિક્ષણ અને આરોગ્યના નામે ધર્માંતરણના (Conversion) ખેલમાં સામેલ બિન-સરકારી સંસ્થાઓ (NGO) સામે તપાસનો આદેશ આપ્યો છે. એજન્સીઓના ટાર્ગેટ પર એવા NGO છે, જેમને વિદેશથી ફંડિંગ પૂરું પાડવામાં આવે છે. છત્તીસગઢમાં કુલ 153 સંસ્થાઓ છે, જે વિદેશથી ફંડિંગ મેળવવા માટે ‘ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ’ (FERA) હેઠળ નોંધાયેલી છે. આ સાથે જ આરોપ છે કે, તે સંસ્થાઓ ધર્માંતરણને પ્રોત્સાહન આપે છે. તેમની નાણાકીય તપાસ શરૂ થઈ ગઈ છે.
રાજ્યમાં FERA હેઠળ નોંધાયેલા કુલ 153 NGOમાંથી, 52એ પોતાને ખ્રિસ્તી સમુદાય સાથે સંકળાયેલા ગણાવ્યા છે. હકીકતમાં, આરોગ્ય, શિક્ષણ અને અન્ય સામાજિક કાર્યોના નામે બનાવવામાં આવેલા આ NGOની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે પણ આ અંગે ચેતવણી આપી હતી. તેમણે ધર્માંતરણને માત્ર અનૈતિક જ નહીં પરંતુ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ પણ ગણાવ્યું હતું.
શિક્ષણ-આરોગ્યના નામે ફંડિંગ લઈને કરાવે છે ધર્માંતરણ- CM
CM સાયે કહ્યું હતું કે, ધર્માંતરણના કાર્યમાં સામેલ કેટલાક શંકાસ્પદ NGO વિશે માહિતી મળી છે. તેમણે કહ્યું હતું કે, આ NGO શિક્ષણ અને આરોગ્યના નામે વિદેશમાંથી ફંડિંગ લે છે અને તેનો ઉપયોગ ધર્માંતરણ માટે કરે છે. નિરક્ષરતા, ગરીબી, ઉપચાર અથવા લોક-પરલોકના નામે લોકોને ફોસલાવીને અને લાલચ આપીને બળજબરીપૂર્વક તેમનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, આની તપાસ કરવામાં આવશે અને એ જાણવામાં આવશે કે, આ NGOને પૈસા ક્યાંથી મળી રહ્યા છે અને તેઓ આ પૈસા ક્યાં અને કેવી રીતે વાપરી રહ્યા છે. આ બાબતે, નઈ દુનિયા દૈનિક અખબારે FCRA રજિસ્ટર્ડ સંસ્થાઓની તપાસ કરી હતી અને શોધી કાઢ્યું કે, આ પૈકીના મોટાભાગના NGOએ આદિવાસી વિસ્તારોને તેમના કાર્યસ્થળ તરીકે પસંદ કર્યા છે.
બસ્તરમાં 19 FCRA રજિસ્ટર્ડ સંસ્થાઓમાંથી 9 અને જશપુરમાં 18માંથી 15 સંસ્થાઓ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં સૌથી વધુ સંસ્થાઓ ફક્ત જશપુરમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. અહીં ધર્માંતરણ દર પણ સૌથી વધુ છે. એવું કહેવાય છે કે, જશપુરની કુલ આદિવાસી વસ્તીના 35 ટકાથી વધુ લોકો ખ્રિસ્તી બની ગયા છે.
ભાજપ સરકાર લાવી શકે છે કાયદો
જશપુરમાં ખ્રિસ્તીઓની સંખ્યા અંગે માર્ચ 2024માં એક RTI દાખલ કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ફક્ત 210 લોકોએ કાયદેસર રીતે ખ્રિસ્તી પંથ અપનાવ્યો હતો અને તે બધા મૃત્યુ પામ્યા છે. જ્યારે 2011ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ, જશપુરના 22.5 ટકા લોકોએ પોતાને ખ્રિસ્તી ગણાવ્યા હતા. હવે, આ આંકડો લગભગ બમણો થઈ ગયો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં 11 મહિનામાં ધર્મ પરિવર્તન અંગે 13 FIR નોંધાઈ છે. જ્યારે, બસ્તર વિભાગમાં 23 અલગ-અલગ ફરિયાદો મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છત્તીસગઢના બજેટ સત્રમાં રાજ્યની ભાજપ સરકાર ધર્મ પરિવર્તન પર નવા અને કડક કાયદા લાવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
નવા કાયદાને છત્તીસગઢ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ નામ આપવામાં આવ્યું છે. તેનો ડ્રાફ્ટ ત્રણ રાજ્યોના સંબંધિત કાયદાઓનો અભ્યાસ કર્યા પછી તૈયાર કરવામાં આવ્યો છે. નવા કાયદાના અમલ પછી, ધર્મ પરિવર્તન કરતા પહેલાં સૂચના આપવી પડશે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે છે અને પરવાનગી વિના લગ્ન કરે છે, તો તે લગ્ન અમાન્ય રહેશે.
કોઈને લાલચ આપીને કે ફોસલાવીને ધર્માંતરણ કરાવવું ગુનો ગણાશે. જ્યારે, બે કે તેથી વધુ લોકોનું ધર્માંતરણ સામૂહિક ધર્માંતરણમાં સામેલ કરવામાં આવ્યું છે. આ પ્રકારના ગુના માટે 10 વર્ષ સુધીની જેલ અને ₹2 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. બીજા ધર્મના પુરુષ/સ્ત્રી સાથે લગ્ન સમયે પોતાનો ધર્મ છુપાવવો પણ ગુનો ગણાશે.
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, છત્તીસગઢમાં ધર્માંતરણ વિરોધી નવા ડ્રાફ્ટમાં સગીર, મહિલા, અનુસૂચિત જાતિ અથવા જનજાતિના સભ્યોનું ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાવવા બદલ 2થી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સાથે જ જો કોઈ વ્યક્તિ સામૂહિક ધર્માંતરણનો દોષી સાબિત થાય છે, તો ઓછામાં ઓછી 3 વર્ષથી, મહત્તમ 10 વર્ષની સજા અને ₹50,000નો દંડ થઈ શકે છે .
કાયદાના ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, ધર્માંતરણ ગેરકાયદેસર ન હતું તે સાબિત કરવાની જવાબદારી ધર્માંતરણ કરનાર વ્યક્તિ અને ધર્માંતરણ કરાવનાર વ્યક્તિની રહેશે. હવે જોવાનું એ રહે છે કે, આ વખતે આ ધર્માંતરણ સુધારા બિલ ગૃહમાં પસાર થાય છે કે નહીં, કારણ કે આ પહેલાં બે વાર તે ગૃહમાંથી પસાર નથી થઈ શક્યું.