ડમીકાંડ ઉજાગર કરતી પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરી દેવાની ધમકી આપીને બે વ્યક્તિઓ પાસેથી કુલ 1 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં પકડાયેલા આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા આખરે 3 મહિને જેલમાંથી બહાર આવ્યા છે. ભાવનગર કોર્ટે આજે તેમના જામીન મંજૂર કર્યા હતા. જેની સાથે તોડકાંડના તમામ આરોપીઓ જેલની બહાર આવી ગયા છે.
ભાવનગર કોર્ટે અમુક શરતો સાથે યુવરાજસિંહ જાડેજાને જામીન આપ્યા હતા. કોર્ટે એ પણ ધ્યાને લીધું કે આ કેસના બાકીના તમામ આરોપીઓના જામીન મંજૂર કરી દેવાયા છે. સાથે યુવરાજસિંહની એ બાહેંધરી પણ ધ્યાને લીધી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ જામીનની તમામ શરતો માનવા માટે તૈયાર છે. ઑપઇન્ડિયા પાસે કોર્ટના આ આદેશની નકલ ઉપલબ્ધ છે.
કોર્ટે યુવરાજસિંહ જાડેજાને 15 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. સાથે કેટલીક શરતો મૂકી છે. જે અનુસાર-
- તેમણે ઘરનું સરનામું તપાસ કરતા અધિકારી અને કોર્ટને જમા કરાવવાનું રહેશે. તેમજ કોર્ટની પરવાનગી વગર તેઓ આ ઠેકાણું છોડી શકશે નહીં.
- નીચલી કોર્ટને પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે.
- જ્યારે પણ અને જ્યાં પણ તપાસ માટે બોલાવવામાં આવે ત્યારે તપાસ કરતી એજન્સીને સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.
- કોર્ટની પરવાનગી વગર ગુજરાતની હદ છોડી શકશે નહીં.
- કોઈ પણ સંજોગોમાં સાક્ષીઓનો સંપર્ક કરી શકશે નહીં કે તેમને ધમકાવી શકશે નહીં.
યુવરાજસિંહે કહ્યું- તમામ શરતો માનીશ, સરકારનો વિરોધ
કોર્ટ સામે યુવરાજસિંહ જાડેજાએ દલીલ કરી હતી કે, તેઓ આ ગુનામાં ક્યારેય સામેલ રહ્યા નથી કે કોઈ પણ પ્રકારની ભૂમિકા રહી નથી તેમજ તેના વિશે તેમને માહિતી પણ નથી. તેમની પાસેથી મુદ્દામાલ પણ મળી આવ્યો ન હોવાનું અને પ્રથમ દ્રષ્ટિએ તેમની સામે કોઈ કેસ ન બનતો હોવાની દલીલ પણ તેમના વકીલે કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, યુવરાજસિંહ પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે અને જો જામીન ન મળે તો પરિવારને અસર થશે. જામીન મળે તો તમામ શરતોનું પાલન કરવાની અને પુરાવાઓ સાથે છેડછાડ ન કરવાની પણ તેમણે બાહેંધરી આપી હતી. ઉપરાંત, એમ પણ કહ્યું કે આ કેસના અન્ય આરોપીઓને મુક્ત કરી દેવાયા છે તો હવે તેમને પણ છોડી દેવામાં આવે.
સામે પક્ષે સરકારે જામીનનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે, આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે અને આ કાંડમાં તેમની ભૂમિકા પણ સામે આવી છે. તેમજ જો જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે છેડછાડ કરી શકે તેવી પણ દલીલ કરવામાં આવી હતી. બંને પક્ષોને સાંભળીને કોર્ટે યુવરાજસિંહ જાડેજાની અરજી માન્ય રાખી હતી અને જામીન મંજૂર કર્યા હતા. જોકે, કોર્ટે સાથે અમુક શરતો મૂકી છે જેનું તેમણે પાલન કરવું પડશે.
શું છે કેસ?
ગત 5 એપ્રિલના રોજ AAP નેતા યુવરાજસિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં સરકારી નોકરીઓ માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સ કરવા પહેલાં તેમણે તેમાં નામ જાહેર કરી દેવાની ધમકી આપીને બે વ્યક્તિઓ પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી કુલ 1 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે.
ડમીકાંડમાં પ્રદીપ અને પ્રકાશની ધરપકડ બાદ તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમણે યુવરાજસિંહ અને તેમના માણસો સાથે ડીલ કરી હતી. ત્યારબાદ પોલીસે AAP નેતાને સમન્સ પાઠવ્યું હતું. તેઓ હાજર તો રહ્યા પરંતુ સંતોષકારક જવાબ ન આપતાં આખરે પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આ કેસના અન્ય આરોપીઓને પણ એક પછી એક ઝડપી લેવામાં આવ્યા હતા. યુવરાજસિંહ જાડેજાની પૂછપરછ બાદ તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.