Tuesday, March 11, 2025
More
    હોમપેજરાજકારણપ્રથમ વખત લડ્યા ચૂંટણી અને ફરકાવી દીધો ભગવો: કોણ છે ચંદ્રભાનુ પાસવાન,...

    પ્રથમ વખત લડ્યા ચૂંટણી અને ફરકાવી દીધો ભગવો: કોણ છે ચંદ્રભાનુ પાસવાન, જેમણે મિલ્કીપુર જીતીને ભાજપ માટે વાળી દીધો અયોધ્યાની હારનો બદલો

    મિલ્કીપુર પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી તરફથી ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અજિત પ્રસાદ ચૂંટણી લડ્યા હતા. ચંદ્રભાનુ પાસવાને તેમને 61,000થી વધુ મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી.

    - Advertisement -

    દિલ્હી વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ગુરુવારે (8 ફેબ્રુઆરી) ઉત્તર પ્રદેશની મિલ્કીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પણ પરિણામ આવ્યું છે. ચૂંટણી લડતી બંને પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી માટે મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણી જીતવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. વિશેષ ભાજપ માટે, કારણ કે પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ફૈઝાબાદ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. અયોધ્યા આ ફૈઝાબાદ બેઠકમાં જ આવ્યું. આ પેટાચૂંટણીમાં ભાજપે આ સીટ પરથી ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ચંદ્રભાનુ પાસવાન સમાજવાદી પાર્ટીના ઉમેદવારને માત આપીને ભગવો લહેરાવી આવ્યા છે.

    મિલ્કીપુર પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી તરફથી ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અજિત પ્રસાદ ચૂંટણી લડ્યા હતા. ચંદ્રભાનુ પાસવાને તેમને 61,000થી વધુ મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. ચૂંટણી પંચના ડેટા અનુસાર પાસવાનને 1,46,397 મત મળ્યા, જ્યારે પ્રસાદને 84,687 મત મળ્યા હતા. નોંધવું જોઈએ કે પાસવાન પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા હતા.

    કોણ છે ચંદ્રભાનુ પાસવાન

    ચંદ્રભાનુ પાસવાન હાલમાં ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કાર્યકારી સમિતિના સભ્ય છે. આ પહેલાં તેમને ગયા વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અનુસૂચિત જાતિના સંપર્ક પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમનો જન્મ 3 એપ્રિલ 1986ના રોજ અને રૂદૌલીના પરસૌલી ગામના રહેવાસી છે. તેમના પિતા બાબા રામલખન દાસ ગામના સરપંચ છે.

    - Advertisement -

    તેમણે બી.કોમનો અભ્યાસ કર્યા પછી એમ.કોમ અને પછી કાયદાનો અભ્યાસ કર્યો. તેમનો આખો પરિવાર સાડીના વ્યવસાયમાં સક્રિય છે. સુરત ઉપરાંત તેઓ રૂદૌલીમાં પણ સાડીનો વ્યવસાય કરે છે. અહેવાલો અનુસાર મિલ્કીપુર બેઠક માટે ભાજપ પાસે 6 જેટલા દાવોદારો હતા, આ દાવેદારોમાં બે વખતના ભૂતપૂર્વ ધારાસભ્ય ગોરખનાથ બાબા અને રામુ પ્રિયદર્શીનાં નામ પણ સામેલ હતાં. આ બેઠક માટે ભાજપ તરફથી ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશનર સુરેન્દ્ર કુમારને પણ મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. જોકે ભાજપે એક નવા ચહેરા તરીકે ચંદ્રભાનુ પાસવાનને ટિકિટ આપી હતી.

    ચંદ્રભાનુ પાસવાનના પત્ની કંચન પાસવાન વર્ષ 2021માં રૂદૌલીની ચોથી બેઠક પરથી જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયાં હતાં. આ ચૂંટણીમાં તેમને સમગ્ર જિલ્લામાં સૌથી વધુ મત મળ્યા, એટલે કે 11,382. આ પહેલાં વર્ષ 2015માં તેઓ રૂદૌલી પંચમ બેઠક પરથી સૌથી વધુ 8396 મતો સાથે જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયા હતા. ચંદ્રભાનુ પાસવાનના પિતા બાબા રામ લખન દાસ વર્ષ 2021માં ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા. ચંદ્રભાનુ પાસવાન RSS સાથે પણ સંકળાયેલા છે.

    નોંધનીય છે કે આ વિધાનસભા સીટને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. 1991થી લઈને અત્યારસુધી સમાજવાદી પાર્ટીને અહીં 6 વાર જી મળી અને ભાજપને માત્ર 2 વાર જ જીત મળી છે. આ સીટ પરથી સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ 2022માં જીત્યા હતા પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને ફૈઝાબાદથી ટિકિટ આપી હતી. અહીંથી તેમની જીત થતાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ પેટાચૂંટણી યોજવામાં આવી. પેટાચૂંટણીમાં સપાએ અવધેશના પુત્રને જ ઉતાર્યા હતા.

    મિલ્કીપુર બેઠક જીતવી ભાજપ માટે અગત્યની એટલા માટે પણ હતી, કારણ કે ફૈઝાબાદમાં પાર્ટીની હાર થયા બાદ સમાજવાદી પાર્ટી અને INDIની આખી ઇકોસિસ્ટમે એવું ચલાવ્યું હતું કે ભાજપ સરકારે જે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું, ત્યાંની જનતાએ જ જાકારો આપ્યો, જેથી તેમના કથિત મંદિરના રાજકારણની હાર થઈ છે. જ્યારે હકીકત એ હતી કે અયોધ્યા ફૈઝાબાદ સંસદીય વિસ્તારનો એક ભાગ માત્ર છે. પરંતુ હવે મિલ્કીપુર જીતીને ભાજપે આ નરેટિવ ઉપર હંમેશા માટે પાણી ફેરવી દીધું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં