ઇનહેરિટન્સ ટેક્સને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. ગાંધી પરિવારના નજીકના અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ એક નિવેદન આપીને આ ચર્ચા શરૂ કરી. તેમણે અમેરિકાનું ઉદાહરણ આપીને કહ્યું કે તે અનુસાર વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અડધાથી વધુ સંપત્તિ સરકાર લઇ લે છે અને બાકીની અડધી જ તેના વારસદારોને મળે છે. જોકે, દેશભરમાંથી ટીકા થયા બાદ તેમણે અને તેમની પાર્ટીએ બેકફૂટ પર આવવું પડ્યું હતું. આ બધાની વચ્ચે હવે પીએમ મોદીએ યાદ કરાવ્યું છે કે કઈ રીતે આ પ્રકારનો ટેક્સ ભૂતકાળમાં લાગુ હતો અને ઈન્દિરા ગાંધીની સંપત્તિ વહેંચવામાં આવે તે પહેલાં રાજીવ સરકારે નાબૂદ કરી દીધો હતો.
પીએમ મોદીએ એક જાહેરસભા સંબોધતાં કહ્યું કે, “ઇનહેરિટન્સ ટેક્સને લઈને જે તથ્યો સામે આવી રહ્યાં છે, તે દેશની આંખ ઉઘાડનારાં છે.” ત્યારબાદ તેમણે જનતા તેમજ દેશના ‘દિગ્ગજ પત્રકારો’ અને મીડિયા તેમજ મોદી પાછળ પડેલી ઇકોસિસ્ટમને કાન ખોલીને સાંભળવા માટે કહ્યું. તેમણે ઉમેર્યું કે, “હું દેશ સામે પહેલી વખત એક રસપ્રદ તથ્ય રાખી રહ્યો છું.”
"अपने पर बात आई, तो राजीव गांधी ने…"
— BJP (@BJP4India) April 25, 2024
प्रधानमंत्री श्री @narendramodi से जानिए, पूर्व प्रधानमंत्री राजीव गांधी ने किस 'लालच' में हटाया था Inheritance Tax…
पूरा वीडियो देखें: https://t.co/nWaCBxleL6 pic.twitter.com/NrJbDz72TK
તેમણે આગળ જણાવતાં કહ્યું, “જ્યારે દેશનાં વડાંપ્રધાન ઈન્દિરાજી ન રહ્યાં, ત્યારે તેમની જે મિલકત હતી, તે તેમનાં સંતાનોને મળવાની હતી. પરંતુ પહેલાં એવો કાયદો હતો કે તેમને મળવા પહેલાં સંપત્તિનો એક હિસ્સો સરકાર લઇ લેતી હતી. કોંગ્રેસે પહેલાં આવો કાયદો બનાવ્યો હતો. ત્યારે વ્યાપક રીતે ચર્ચા ચાલતી હતી કે જ્યારે ઈન્દિરાજી ન રહ્યાં અને તેમના પુત્ર રાજીવ ગાંધીને સંપત્તિ મળવાની હતી, ત્યારે સરકારને પૈસો ચાલ્યો ન જાય તે હેતુથી સંપત્તિને બચાવવા અને પોતાની માતા ઈન્દિરા ગાંધી પાસેથી મળતા પૈસા બચાવવા માટે તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ પહેલાં જે ‘ઇનહેરિટન્સ કાયદો’ હતો તે સમાપ્ત કરી દીધો હતો.”
તેમણે કહ્યું, “જ્યારે પોતાના પર આવ્યું તો કાયદો હટાવી દીધો. ત્યારે મામલો પૂરો થઈ ગયો તો હવે આ લોકો સત્તા મેળવીને આ જ કાયદો ફરીથી લાવવા માંગે છે.” PMએ ઉમેર્યું, “કોઇ પણ ટેક્સ વગર પોતાના પરિવારની ચાર-ચાર પેઢીની અખૂટ ધન-દોલત મેળવી લીધા બાદ હવે આ લોકો તમારી મહેનતની કમાણી પર ટેક્સ લગાવીને અડધી સંપત્તિ લૂંટવા માંગે છે.” ત્યારબાદ તેમણે ફરીથી કહ્યું કે, એટલે જ દેશ કહી રહ્યો છે કે ‘કોંગ્રેસની લૂંટ, જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી.’
ઉલ્લેખનીય છે કે આ વિશે ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કરીને હકીકતો સામે લાવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે 1951માં એસ્ટેટ ડ્યુટી એક્ટ લાગુ કરીને કોંગ્રેસ સરકારે સંપત્તિની વિષમતા દૂર કરવા અને આર્થિક સમાનતા લાવવાના વાયદા સાથે ‘ઇનહેરિટન્સ ટેક્સ’ લાગુ કર્યો હતો, પરંતુ 1985માં નાબૂદ કરી દેવામાં આવ્યો હતો. આ એવા સમયે નાબૂદ થયો, જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી અને ઈન્દિરા ગાંધીના નિધન બાદ તેમની સંપત્તિ વહેંચવાનો સમય આવ્યો હતો. નોંધનીય છે કે જો કાયદો લાગુ પડ્યો હોત તો ઇન્દિરાની સંપત્તિ પર પણ ટેક્સ લાગ્યો હોત.
ઈન્દિરા તેમની લગભગ 1 લાખ 75 હજાર ડૉલરની સંપત્તિ ત્રણ પૌત્રો રાહુલ, પ્રિયંકા અને વરુણ ગાંધી માટે મૂકી ગયાં હતાં. આ વસિયતનામાં પર હસ્તાક્ષર 1981માં થયા હતા અને તેનાં વહીવટની જવાબદારી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને સોંપવામાં આવી હતી.
આ વસિયતનામું 2 મે, 1985ના રોજ કોર્ટમાં રજૂ થયું અને રાજીવ ગાંધી સરકારે 1 એપ્રિલ, 1985ના રોજથી એસ્ટેટ ડ્યુટી નાબૂદ કરી દીધી હતી. 2 મે, 1985નો એક રિપોર્ટ કહે છે કે, આ ફાયનાન્સ બિલના કારણે ઇન્દિરા ગાંધીની સંપત્તિ પર કોઇ ઇનહેરિટન્સ ટેક્સ લાગુ ન પડ્યો. રસપ્રદ બાબત એ પણ છે કે રિપોર્ટમાં ‘ડેથ ડ્યુટી’ શબ્દ વાપરવામાં આવ્યો હતો, જે સૂચવે છે કે ઇનહેરિટન્સ ટેક્સ એક પ્રકારે મૃત્યુ-કર હતો, જે વ્યક્તિએ મરવા માટે ચૂકવવો પડતો.