આખરે આજે ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધી સામે થયેલ મોદી સરનેમ બાબતે બદનક્ષીના કેસમાં તેમને દોષિત ઠેરવવા બાબતે અને મળેલ સજા સામે કરાયેલ સ્ટે ની અરજી નકારી કાઢી છે. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના આદેશને અનુમોદન આપ્યું છે. આ પહેલા રાહુલ ગાંધીએ મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
Gujarat High Court upholds Sessions Court's order denying stay on conviction of Rahul Gandhi in the defamation case against 'Modi surname' remark. pic.twitter.com/Qzw15PE0Ij
— ANI (@ANI) July 7, 2023
અહેવાલો અનુસાર સજા પર સ્ટે માટે યોગ્ય કારણ ન હોવાથી રાહુલ ગાંધીની અરજી નકારી દેવાઈ છે. હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી આમ, હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને હાલ કોઈ રાહત મળી નથી. નોંધનીય છે કે આ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા મળી છે. શક્યતા છે કે તેઓ હવે આ બાબતે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે.
માનહાની કેસમાં રાહુલ ગાંધીને મળી છે 2 વર્ષની સજા
રાહુલ ગાંધીને 23 માર્ચ, 2023ના રોજ સુરતની કોર્ટે માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. વર્ષ 2019માં કર્ણાટકમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?”. ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીના નામ લીધા હતા.
તેમની આ ટિપ્પણી બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ IPC કલમ 499 અને 500 હેઠળ રાહુલ ગાંધી સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેનો ચુકાદો ચાર વર્ષ બાદ આવ્યો હતો અને રાહુલને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં સજા પામ્યા બાદ રાહુલ ગાંધી લોકસભાનું સભ્યપદ પણ ગુમાવી બેઠા હતા.
‘મોદી સરનેમ’ મામલે 2 વર્ષની સજા મળ્યા બાદ જ્યારથી રાહુલ ગાંધીએ લોકસભાનું સાંસદપદ ગુમાવ્યું હતું ત્યારથી તેઓ ખુન્નસમાં હતા. પત્રકાર પરિષદમાં ‘હું માફી નહીં માગું’ એમ કહીને કેન્દ્ર સરકારને ખુલ્લેઆમ પડકારનારા રાહુલ ગાંધી સાથે હવે આગળ શું થશે તેના પર સૌની નજર હતી. એટલું જ નહીં, પૂર્વ સાંસદે નમતું ન જોખતાં પોતાનો ટ્વિટર બાયો પણ બદલાવી નાખ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટર બાયોમાં ‘Dis’Qualified એમપી’ એવું લખી નાખ્યું હતું. આ સિવાય તેમણે પોતાની ફક્ત કોંગ્રેસના એક સભ્ય તરીકે ઓળખ આપી હતી.
આમ, માર્ચ 2023માં સુરતની કોર્ટે મોદી અટક બાબતે થયેલ બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી, જેમાં આજે હાઇકોર્ટે રાહત ન આપી. જેથી હવે તેઓ સજા પર સ્ટે મેળવવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.