Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીએ કહ્યું- ‘મેરા નામ ગાંધી હૈ, ગાંધી કિસી સે માફી નહીં...

    રાહુલ ગાંધીએ કહ્યું- ‘મેરા નામ ગાંધી હૈ, ગાંધી કિસી સે માફી નહીં માંગતા’: જાણીએ ભૂતકાળમાં કઈ રીતે તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગી હતી બિનશરતી માફી

    2019ની લોકસભા ચૂંટણી વખતે રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો લગાવવા માટે ‘ચોકીદાર ચોર હૈ’ના નારાને ખૂબ વેગ આપ્યો હતો. પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં તેમણે માફી માંગી લેવી પડી હતી. 

    - Advertisement -

    બદનક્ષીના કેસમાં સજા થયા બાદ અને લોકસભાનું સભ્યપદ ગુમાવ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. દર વખતની જેમ આ વખતે પણ તેઓ ‘મોદી-અદાણી’નો મુદ્દો વચ્ચે લઇ આવ્યા તો એમ પણ કહ્યું કે મોદી તેમનાથી ડરી ગયા છે. સાથોસાથ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધી છે અને સાવરકર નહીં અને પોતે માફી માંગશે નહીં. 

    રાહુલ ગાંધીને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે ઘણા લોકો એ પણ વિચારી રહ્યા છે કે તેઓ માફી પણ માંગી શક્યા હોત, જેની ઉપર તેઓ શું વિચારે છે. જેના જવાબમાં રાહુલે કહ્યું કે, “હું એ વિચારું છું મારું નામ સાવરકર નથી. મારું નામ ગાંધી છે. ગાંધી કોઈની માફી નથી માંગતા.”

    રાહુલ ગાંધી ભલે કહેતા હોય કે તેઓ કોઈની માફી નથી માંગતા પરંતુ વાસ્તવિકતા એ છે કે ભૂતકાળમાં તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી ચૂક્યા છે, અને એ પણ બિનશરતી. 2019ની લોકસભા ચૂંટણી વખતે રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો લગાવવા માટે ‘ચોકીદાર ચોર હૈ’ના નારાને ખૂબ વેગ આપ્યો હતો. પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં તેમણે માફી માંગી લેવી પડી હતી. 

    - Advertisement -

    2019 લોકસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધી ‘રાફેલ ડીલ’ના મુદ્દે મોદી સરકારને ઘેરવામાં પડ્યા હતા. અનેક સભાઓ અને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મોદી સરકાર પર ફ્રાન્સ સાથે કરેલી આ ડીલમાં ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ માટે તેમણે એક સૂત્ર પણ શોધી કાઢ્યું હતું- ‘ચોકીદાર ચોર હૈ.’ જેના દ્વારા તેમણે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા હતા. 

    ‘ચોકીદાર ચોર હૈ’ના આરોપો લગાવવા માટે સુપ્રીમ કોર્ટને વચ્ચે લાવવા બદલ માંગવી પડી હતી માફી

    ચૂંટણી પહેલાં 10 એપ્રિલ, 2019ના રોજ મીડિયા સાથેની વાતચીત દરમિયાન તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે ચોકીદાર ચોર છે. રાહુલે કહ્યું હતું, “થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રીજીનો એક ઇન્ટરવ્યૂ આવ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે મને ક્લીન ચીટ આપી છે. પણ આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ચોકીદારજીએ ચોરી કરાવી છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે રાફેલ મામલામાં કોઈને કોઈ ભ્રષ્ટાચાર થયો છે… હું પહેલેથી કહી રહ્યો છું, જો રાફેલ મામલે તપાસ થશે, તો બે નામ છે- નરેન્દ્ર મોદીજી અને અનિલ અંબાણીજી….મને ખુશી થઇ રહી છે કે હિંદુસ્તાનના પ્રધાનમંત્રીએ એરફોર્સના રૂપિયા ચોરી કરીને અનિલ અંબાણીજીને આપ્યા છે, 30 હજાર કરોડ આપ્યા છે, તે વાતને સુપ્રીમ કોર્ટે માની લીધી છે અને સુપ્રીમ કોર્ટ તપાસ કરવા જઈ રહી છે.”

    રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ પ્રવક્તા મીનાક્ષી લેખીએ તેમની સામે કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી હતી. જે મામલો સુપ્રીમ કોર્ટે ધ્યાને લઈને રાહુલને એક નોટિસ પાઠવી હતી અને ખુલાસો માંગ્યો હતો તેમજ એમ પણ કહ્યું હતું કે તેમણે ક્યારેય એવું કહ્યું નથી. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર પુનર્વિચાર અરજી પર સુનાવણી માટે ત્રણ દસ્તાવેજો સ્વીકારવાની પરવાનગી આપી હતી. જેને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઇકોસિસ્ટમે મોદી સરકાર સામેની મોટી જીત તરીકે પ્રોજેક્ટ કરી હતી. 

    સુપ્રીમ કોર્ટની નોટિસ બાદ 22 એપ્રિલ, 2019ના દિવસે રાહુલ ગાંધીએ જવાબ દાખલ કર્યો હતો અને પોતે આપેલા નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે રાજકીય પ્રચાર દરમિયાન તેમનાથી આ શબ્દો નીકળી ગયા હતા. જોકે, પ્રથમ વખતે રાહુલ ગાંધીએ માફી ન માંગતાં સુપ્રીમ કોર્ટે તેમને અવમાનનાની નોટિસ પાઠવી હતી અને નોંધ્યું હતું કે તેઓ કહે છે કે તેમણે ખોટી રીતે ટિપ્પણી ટાંકી હતી પરંતુ હજુ પણ તેઓ પોતાના સ્ટેન્ડ પર મક્કમ છે. કોર્ટે કહ્યું હતું કે, ખેદ વ્યક્ત કરવો તેને માફી માંગેલી ન કહી શકાય અને રાહુલને બિનશરતી માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. 

    સુપ્રીમ કોર્ટ તરફથી ફટકાર લગાવવામાં આવ્યા બાદ 8 મે, 2019ના રોજ રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ એક સોગંદનામુ દાખલ કરીને પોતાની આ ટિપ્પણી પર બિનશરતી માફી માંગી લીધી હતી. 

    રાહુલ ગાંધીએ પોતાનાં સોગંદનામામાં લખ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ‘ચોકીદાર ચોર હૈ’ જેવી રાજનીતિક ટિપ્પણી કરવા માટે સુપ્રીમ કોર્ટના રાફેલ ડીલ રિવ્યૂ પિટિશનના આદેશને અજાણતાં અને ખોટી રીતે જોડવા બદલ કોર્ટની બિનશરતી માફી માંગવામાં આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં