મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા જીતેન્દ્ર આવ્હાડે ભગવાન રામ પર વાંધાજનક અને અભદ્ર ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. તેમણે ભગવાનને માંસાહારી ગણાવીને અન્ય પર ટિપ્પણીઓ કરી હતી. જેને લઈને ભાજપે હવે ફરિયાદ નોંધાવી છે અને NCP નેતાની ધરપકડની માંગ કરી છે.
જીતેન્દ્ર આવ્હાડે મહારાષ્ટ્રના શિરડીમાં પાર્ટીના એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, “રામ આપણા છે. તેઓ બહુજન સમુદાયના છે. તેઓ શિકાર કરતા હતા અને માંસ ખાતા હતા. તેઓ આપણને શાકાહારી બનવા માટે કહે છે, પરંતુ અમે તેમને (રામને) આપણા આદર્શ માનીએ છીએ અને માંસ ખાઈએ છીએ. તેઓ શાકાહારી નહીં પણ માંસાહારી હતા.”
કાર્યક્રમ બાદ મીડિયાએ આ વિશે તેમને સવાલ કરતાં ફરી તેમણે વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું, “ખાતે ક્યા થે રાજા રામ? રામ ક્ષત્રિય થા ઓર ક્ષત્રિય કા ખાના હી માંસાહાર હોતા હૈ.” ત્યારબાદ આગળ તેમણે કહ્યું, “આમાં વિવાદ શું છે? રામનું ભોજન શું હતું? કોઇ કહી દે કે રામ મેથીની ભાજી ખાતો હતો. હું મારા વલણને લઈને સ્પષ્ટ છું. શું તમે ભારતને શાકાહારી બનાવવા માંગો છો? આ દેશના 80 ટકા લોકો આજે પણ માંસાહારી છે, તેઓ પણ રામભક્ત જ છે ને!”
"Ram Nonveg Khata tha (Shri Ram used to eat meat) – NCP leader"
— Mr Sinha (@MrSinha_) January 3, 2024
Just look at the disrespectful language he is using for Prabhu Shri Ram & talking nonsense.. 😡 pic.twitter.com/kr96nBxf9e
આ વિવાદાસ્પદ શબ્દોને લઈને હવે ભાજપે ફરિયાદ નોંધાવી છે. ભાજપ નેતા રામ કદમે આ અંગે કહ્યું કે, “ઘમંડી ગઠબંધનના નેતાઓની એક માનસિકતા છે કે ભગવાન રામ પ્રત્યે અભદ્ર વાણીનો પ્રયોગ કરીને કરોડો રામભક્તોની શ્રદ્ધા, આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચાડે.” તેમણે કહ્યું કે આ નિવેદનથી રામભક્તો તેમજ સંતો-મહંતોની લાગણીને ઠેસ પહોંચી છે. સાથોસાથ તેમણે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા, જેઓ બંને INDI ગઠબંધનનો ભાગ છે.
Mumbai | BJP leader Ram Kadam files a complaint to register FIR against NCP -Sharad Pawar faction leader Jitendra Awhad for his statement about Lord Ram being a "non-vegetarian" pic.twitter.com/Vv78bfVHUI
— ANI (@ANI) January 4, 2024
જીતેન્દ્ર આવ્હાડને લઈને રામ કદમે કહ્યું કે, “આ તેમની મોડસ ઓપરેન્ડી છે. વારંવાર હિંદુ ધર્મ અને સમાજની મજાક ઉડાવો, તેમની ભાવનાઓને આહત કરો અને કોઇ એક સંપ્રદાયને ખુશ કરો. આ મતના રાજકારણમાં તમે હિંદુ ધર્મની મજાક ન ઉડાવી શકો.” તેમણે જણાવ્યું કે, તેમની વિરુદ્ધ FIR પણ દાખલ કરાવીશું અને માફી પણ મંગાવીશું. ત્યારબાદ તેમણે પોલીસને લેખિત ફરિયાદ આપી હતી.
વિવાદ વકરતો જોઈને માંગી લીધી માફી
વિવાદ વકરતાં પછીથી જીતેન્દ્ર આવ્હાડે માફી માંગી લીધી હતી. તેમણે કહ્યું કે, જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. જોકે, પછી પણ તેમણે પોતાને સાચા ઠેરવવાના પ્રયાસ કર્યા હતા. કહ્યું હતું કે, રામાયણના અયોધ્યા કાંડના શ્લોક નંબર 102માં આ બાબતનો ઉલ્લેખ છે. પછી કહ્યું કે, હું રિસર્ચ વગર કશું બોલતો નથી પરંતુ જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગું છું અને ખેદ વ્યક્ત કરું છું. ક્યારેક-ક્યારેક ભૂલ થઈ જાય છે.”
ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર આવ્હાડ આ પહેલાં પણ અનેક વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. તેઓ શરદ પવાર જૂથની NCP પાર્ટીના નેતા છે. જે જૂથ એ જ INDI ગઠબંધનનો ભાગ છે, જેના નેતાઓ ભૂતકાળમાં સનાતનથી માંડીને હિંદુ ધર્મ, હિંદુત્વ વિશે અનેક વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે.