મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રા પર પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં સવાલો પૂછવાના ગંભીર આરોપો લાગ્યા છે. તેની વચ્ચે હવે ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ આક્ષેપ કર્યા કે TMC સાંસદે અમુક પૈસા માટે દેશની સુરક્ષાને પણ દાવ પર લગાવી દીધી હતી અને તેઓ જ્યારે ભારતમાં હતાં ત્યારે તેમનું સંસદનું આઇડી દુબઈથી ઑપરેટ થતું હતું.
ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ કરીને આ ખુલાસા કર્યા છે. જોકે, તેમણે મહુઆ મોઈત્રાનું નામ લીધું નથી. તેમના અનુસાર, મહુઆ જ્યારે ભારતમાં જ હતાં ત્યારે તેમનું સંસદનું આઇડી દુબઈથી ચલાવવામાં આવતું હતું. તેમણે એમ પણ કહ્યું કે, આ ઘટસ્ફોટ NIC (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર) દ્વારા કરવામાં આવ્યા છે અને સંસ્થાએ એજન્સીઓને માહિતી પણ આપી છે.
कुछ पैसे के लिए एक सांसद ने देश की सुरक्षा को गिरवी रखा ।दुबई से संसद के id खोले गए,उस वक़्त कथित सांसद भारत में ही थे।इस NIC पर पूरी भारत सरकार है,देश के प्रधानमंत्री जी,वित्त विभाग,केन्द्रीय एजेंसी ।क्या अब भी @AITCofficial व विपक्षियों को राजनीति करना है,निर्णय जनता का ,NIC ने…
— Dr Nishikant Dubey (@nishikant_dubey) October 21, 2023
નિશિકાંત દૂબેએ પોસ્ટમાં લખ્યું કે, “થોડા પૈસા માટે એક સાંસદે દેશની સુરક્ષાને ગિરવી મૂકી. દુબઈથી સંસદના ID ખોલવામાં આવ્યાં અને તે સમયે કથિત સાંસદ ભારતમાં જ હતાં. આ NIC પર આખી દેશના વડાપ્રધાન, નાણા વિભાગ, કેન્દ્રીય એજન્સીઓ સહિત ભારત સરકાર છે.” તેમણે પ્રશ્ન કર્યો કે શું હજુ પણ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષીઓ રાજકારણ કરશે, જનતાએ નિર્ણય કરવાનો છે. તેમણે છેલ્લે ઉમેર્યું કે આ બધી જાણકારીઓ NICએ તપાસ એજન્સીઓને આપી દીધી છે.
નિશિકાંત દૂબેએ જ લોકસભા સ્પીકરને લખ્યો હતો પત્ર
ઉલ્લેખનીય છે કે નિશિકાંત દૂબેએ જ પત્ર લખીને મહુઆ મોઈત્રા સામે આરોપ લગાવ્યા હતા અને સ્પીકર સમક્ષ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે વિનંતી કરી હતી. ત્યારબાદ સ્પીકરે મામલો લોકસભાની એથિક્સ કમિટીને મોકલી આપ્યો હતો, જે હાલ આ મામલે તપાસ કરી રહી છે. એથિક્સ સમિતિએ નિશિકાંત દૂબે અને વકીલ જય અનંત દેહદ્રાઈને આ મામલે જવાબ લખાવવા માટે તેડું મોકલ્યું છે.
વકીલ જય અનંત મહુઆ મોઈત્રાના જૂના મિત્ર હોવાનું કહેવાય છે. તેમણે CBIને પત્ર લખીને આ સમગ્ર ભાંડો ફોડ્યો હતો અને નિશિકાંત દૂબેને પણ પત્ર લખ્યો હતો. ત્યારબાદ દૂબેએ તેને આધાર બનાવીને લોકસભા અધ્યક્ષ સમક્ષ ફરિયાદ કરી હતી.
ઉદ્યોગપતિએ પણ કરી આરોપોની પુષ્ટિ
આ બધાની વચ્ચે જે ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સવાલ પૂછવાનો મહુઆ મોઈત્રા પર આરોપ લાગ્યો છે તે દર્શન હિરાનંદાનીએ સ્વયં આરોપોની પુષ્ટિ કરી છે. એક નિવેદન જારી કરીને તેમણે જણાવ્યું હતું કે, તેઓ મહુઆને ઓળખે છે અને સાંસદે રાષ્ટ્રીય સ્તરે નામ બનાવવા માટે PM મોદી અને ઉદ્યોગપતિ અદાણીને ટાર્ગેટ કરવાના ઉદ્દેશ્યથી આ સવાલો પૂછ્યા અને જે બદલ તેમની પાસેથી મોંઘી ભેટો મેળવી હતી.
બીજી તરફ, મહુઆ મોઈત્રાએ આરોપો ફગાવી દીધા છે અને હિરાનંદાનીના એફિડેવિટને ‘મજાક’ ગણાવીને કહ્યું કે, તેમની પાસે આ બધું કરાવવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે ભેટ ન લીધી હોવાની વાતનો કોઇ ફોડ પાડ્યો ન હતો કે ન તેનું ખંડન કર્યું હતું. ઉપરાંત, તેમણે પૈસા લઈને સવાલ પૂછવાના આરોપો વિશે પણ કોઇ જવાબ આપ્યો ન હતો અને સંસદના આઇડી-પાસવર્ડ આપવાને લઈને પણ મગનું નામ મરી ન પાડ્યું.