Friday, July 19, 2024
More
  હોમપેજરાજકારણ‘ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં પૂછ્યા સવાલ, રચ્યું ગુનાહિત ષડયંત્ર’: TMC સાંસદ...

  ‘ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં પૂછ્યા સવાલ, રચ્યું ગુનાહિત ષડયંત્ર’: TMC સાંસદ મહુઆ મોઈત્રા પર આરોપ, તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ

  ભાજપ સાંસદે કહ્યું કે, તમામ પત્રો અને દસ્તાવેજોના અભ્યાસ બાદ તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીનાં ઔદ્યોગિક હિતો સાધવા માટે અને તેનાં રક્ષણ માટે એક ગુનાહિત કાવતરું રચ્યું હતું.

  - Advertisement -

  ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા વિરૂદ્ધ ઉદ્યોગપતિ પાસેથી પૈસા અને કિંમતી ભેટો લઈને તેના બદલામાં સંસદમાં અમુક ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપો ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લગાવ્યા છે. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આ મામલે તપાસ કરાવવાની અને મહુઆ મોઈત્રાને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવાની માંગ કરી. 

  જે પત્ર સામે આવ્યો છે તેમાં નિશિકાંત દૂબેએ આરોપ લગાવતાં કહ્યું કે, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા અને જાણીતા ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની વચ્ચે રોકડા રૂપિયા અને ભેટોનું આદાનપ્રદાન થયું હતું. આ પૈસા અને ગિફ્ટ મહુઆ મોઈત્રાને સંસદમાં અમુક પ્રકારના સવાલો પૂછવા અને તેની માહિતી ઉદ્યોગપતિ સુધી પહોંચાડવા માટે આપવામાં આવ્યાં હોવાનો આરોપ લાગ્યો છે. 

  ભાજપ સાંસદ અનુસાર, તેમને એક વકીલે પત્ર લખીને આ બાબતોનો ઘટસ્ફોટ કર્યો છે, જેમણે આ અંગે ઊંડું રિસર્ચ કર્યું હતું અને જેના પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. જેમાં જણાવવામાં આવ્યું કે, મહુઆ મોઈત્રાએ સંસદમાં કુલ 61 સવાલો રજૂ કર્યા, જેમાંથી લગભગ 50 પ્રશ્નો ઉદ્યોગપતિ હિરાનંદાની અને તેમની કંપનીનાં હિતો સંબંધિત હતા. આમાંથી અમુક પ્રશ્નો અદાણી જૂથને લઈને પણ કરવામાં આવ્યા હતા, જે હિરાનંદાનીની કંપનીનું પ્રતિસ્પર્ધી જૂથ છે. 

  - Advertisement -

  નિશિકાંત દૂબેએ આ સમગ્ર બાબતને એક સુનિયોજિત ષડ્યંત્ર ગણાવ્યું અને કહ્યું કે, મહુઆ મોઈત્રાએ છેલ્લા ઘણા સમયથી એક વિપક્ષ નેતા તરીકે અદાણી જૂથ મુદ્દે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટાર્ગેટ કરવાનું ચાલુ રાખ્યું હતું અને એવી છાપ ઉભી કરી હતી કે તેઓ મુખરતાથી સરકારનો વિરોધ કરે છે. સંભવતઃ આ એટલા માટે કરવામાં આવ્યું હોય જેથી તેઓ આ ગુનાહિત કાવતરાં કરવા માટે એક કવર લઇ શકે. 

  ભાજપ સાંસદે આગળ કહ્યું કે, તમામ પત્રો અને દસ્તાવેજોના અભ્યાસ બાદ તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીનાં ઔદ્યોગિક હિતો સાધવા માટે અને તેનાં રક્ષણ માટે એક ગુનાહિત કાવતરું રચ્યું હતું, જે સંસદના નિયમોનું તો ઉલ્લંઘન છે જ પરંતુ IPCની કલમ 120-A હેઠળ પણ ગુનો બને છે. 

  પત્રમાં આગળ જણાવવામાં આવ્યું કે, જ્યારે-જ્યારે સંસદનું સત્ર યોજાય ત્યારે મહુઆ મોઈત્રા અને સૌગત રોયની આગેવાનીમાં તૃણમૂલ કોંગ્રેસની એક ટોળકી અન્ય સભ્યો પર શાબ્દિક પ્રહારો કરીને કે અપશબ્દો બોલીને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાના પ્રયાસ કરતી રહે છે. હવે સમજાય છે કે આવું શા માટે કરવામાં આવી રહ્યું હતું. તેમનો આરોપ છે કે આમ કરવા પાછળનો ઉદ્દેશ્ય ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને પ્રશ્ન પૂછવાના ઉદ્દેશ્યને ઢાંકવાનો હતો. તેમણે કહ્યું કે, એક તરફ મહુઆ મોઈત્રાને ‘ફાયરબ્રાન્ડ સાંસદ’નું બિરૂદ મળતું રહ્યું અને બીજી તરફ તેની આડમાં તેઓ આ ગુનાહિત ષડયંત્ર હેઠળ કામ કરતાં રહ્યાં. જે શરમજનક બાબત છે. 

  ભાજપ સાંસદે માંગ કરી છે કે આ મામલે એક તપાસ સમિતિ બનાવવામાં આવે અને ત્યાં સુધી મહુઆ મોઈત્રાને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરી દેવામાં આવે જેથી તેઓ ફરીથી ગૃહમાં પ્રવેશીને આ પ્રકારનાં કામો ન કરે જેનાથી ગૃહની પવિત્રતાને અસર પડે. પત્ર પર તારીખ 15 ઓક્ટોબર, 2023ની લખવામાં આવી છે. 

  ઉલ્લેખનીય છે કે સંસદની કાર્યવાહી દરમિયાન સાંસદો જે-તે વિભાગના મંત્રીઓને લેખિત કે મૌખિક પ્રશ્નો પૂછે છે અને જેનો મંત્રીએ જવાબ આપવો પડે છે. આરોપ છે કે મહુઆ મોઈત્રાએ પૈસા લઈને ઔદ્યોગિક જૂથ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા અને તેના જવાબ સ્વરૂપે મળેલી માહિતી નજીકના ઉદ્યોગપતિને (જેની પાસેથી પૈસા લીધા હતા તેઓ) પહોંચાડી હતી. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં