ઇસ્લામમાં પોતાના મહિલાઓને ઘરમાંથી બહાર નીકળવાની આમ ફરવાની મનાઈ છે, એવું કહેવું છે અમદાવાદની જામા મસ્જિદના ઇમામ શબ્બીર અહેમદ સિદ્દીકીનું. આ પહેલા તેઓએ બે દિવસ અગાઉ નિવેદન આપતા કહ્યું હતું કે મુસ્લિમોએ પોતાના મતનું વિભાજન થવા દીધા વગર કોંગ્રેસને મત આપવો જોઈએ.
અમદાવાદમાં આવેલ જામા મસ્જિદના શાહી ઇમામ હમેશા પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે પણ એવું જ કાંઈ થયું છે. આ વખતે તેમણે ચૂંટણીઓમાં મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપનારાઓ પર નિશાન તાક્યું છે.
#WATCH | Those who give election tickets to Muslim women are against Islam, weakening the religion. Are there no men left?: Shabbir Ahmed Siddiqui, Shahi Imam of Jama Masjid in Ahmedabad#Gujarat pic.twitter.com/5RpYLG7gqW
— ANI (@ANI) December 4, 2022
ANI સાથે વાત કરતા તેઓએ કહ્યું કે, “મહિલાઓનું ઇસ્લામમાં એક ચોક્કસ સ્થાન છે. જે કોઈ પણ મુસ્લિમ મહિલાને ચૂંટણીની ટિકિટ આપે છે તેઓ ઇસ્લામ સાથે બગાવત કરી રહ્યા છે. તેઓ ઇસ્લામ વિરુદ્ધ આ કામ કરી રહ્યા છે.”
તેઓ આગળ કહે છે, “આપને શું કોઈ પુરુષ નથી મળી રહ્યા કે તમે મહિલાઓને ટિકિટ આપો છો? આનાથી આપણો ધર્મ (ઇસ્લામ) નબળો પડે છે.”
મસ્જિદમાં મહિલાઓના વર્જિત પ્રવેશ પર ઇમામે વ્યક્ત કર્યો ગર્વ
રિપોર્ટર સાથે વાત કરતા ઇમામ શબ્બીર અહેમદ સિદ્દીકી ઈશારો કરીને પૂછે છે કે, “અહીંયા નમાજ થઇ રહી હતી, તો શું તમને કોઈ મહિલા દેખાઈ? ઇસ્લામમાં નમાઝને ખુબ પવિત્ર માનવામાં આવે છે. જો મહિલાઓને બધા સામે ખુલ્લામાં આવવાની પરવાનગી હોત તો તેમને મસ્જિદમાં પ્રવેશવાથી ના રોકવામાં આવતી.”
તેઓ આગળ કહે છે કે, “ઇસ્લામ દ્વારા તેમને મસ્જિદમાં આવતા રોકવામાં આવે છે કેમ કે ઇસ્લામમાં મહિલાઓને એક નિશ્ચિત સ્થાન છે.” આમ જામા મસ્જિદના ઇમામ મસ્જિદોમાં મહિલાઓને પ્રવેશ નથી અપાતો એ બાબતે ગર્વ લેતા જોવા મળ્યા હતા.
ઇમામે હિજાબ વિવાદ પર પણ વાત કરી
ઇમામે મીડિયા સાથે વાત કરતા કર્ણાટકમાં થયેલ હિજાબ વિવાદને યાદ કરતા કહ્યું કે, “જો આપણે મુસ્લિમ મહિલાઓને MLA કોર્પોરેટર બનાવીશું તો આપણે હિજાબને સુરક્ષિત નહીં રાખી શકીએ અને આપણે આ મુદ્દાને નહિ ઉઠાવી શકીએ.”
ઇમામ આગળ ઉદાહરણ આપતા કહે છે, “કે પછી જો આપણે આ મુદ્દો (હિજાબ મુદ્દો) ઉઠાવીશું તો સરકાર કહેશે કે તમારી મહિલાઓ તો પાર્લામેન્ટમાં, એસેમ્બલી હોલમાં આવે છે હવે તો. તેઓ તો હિજાબ નથી પહેરતી. સ્ટેજ પર લોકો સાથે વાત કરે છે. એટલે હું મહિલાઓને ટિકિટ આપવાનો વિરોધી છું. પુરુષો છે એમને આપોને ટિકિટ.”
મહિલાઓ દ્વારા મત આકર્ષવા જ તેમને ટિકિટ અપાય છે
ઇમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ આગળ જણાવ્યું કે, “મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મહિલાઓને એટલે જ ટિકિટ અપાય છે કેમ કે તેઓ બીજા વોટને આકર્ષી શકે છે. મહિલાઓની જ આજકાલ બધે ચાલતી હોય છે. એટલે જો મહિલાને ટિકિટ આપવામાં આવે તો તે આખા પરિવારના વોટ લઇ આવી શકે છે. આ સિવાય મહિલાઓને ટિકિટ આપવાનું મને તો બીજું કોઈ કારણ નથી દેખાઈ રહ્યું.”
આમ, અમદાવાદની જામા મસ્જિદના ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકી દ્વારા થયેલ આ ટિપ્પણી તેમના અનુસાર તો ઇસ્લામ સુસંગત છે. તો શું કથિત ફેમિનિસ્ટો અને ઉદારવાદીઓને આ ગળે ઉતરશે? જોવાનું રહેશે કે ઈમામની આ ટિપ્પણી પર વિરોધ દર્શાવવા કોઈ મહિલા અધિકારો માટે લડતા એક્ટિવિસ્ટ સામે આવે છે કે નહીં.