ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવી રહ્યાં છે. હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. MP, રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપે જીતી લીધાં છે, જ્યારે તેલંગાણા કોંગ્રેસને ફાળે ગયું છે. તેલંગાણામાં ભાજપે 1 બેઠકથી આગળ વધીને 8 બેઠકો પર પહોંચી છે. અહીં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને હિંદુત્વનો ચહેરો ટાઈગર રાજા સિંઘ પ્રચંડ વિજય પામ્યા છે.
ટી રાજા સિંઘ તેલંગાણા વિધાનસભાની ગોશમહલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. ગત વર્ષે પયગંબર મોહમ્મદ પરના તેમના નિવેદનના કારણે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ ચૂંટણી પહેલાં જ તેમનું સસ્પેન્શન પરત ખેંચી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ પાર્ટીએ તેમને એ જ બેઠક પરથી ટીકીટ આપી હતી, જ્યાંથી તેઓ 2 ટર્મથી જીતતા આવ્યા હતા.
જીત બાદ ટી રાજા સિંઘે X પર લખ્યું, ‘સતત ત્રીજી વખત ભગવો ધ્વજ લહેરાવીને ભારતના સમગ્ર હિંદુ સમાજને એકતાનો સંદેશ આપવા બદલ ગોશમહલ વિધાનસભાની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તમારા સમર્થન બદલ હું આભારી છું અને અંતિમ શ્વાસ સુધી ગોશમહલના વિકાસ માટે નિરંતર કાર્ય કરવાનું વચન આપું છું.’ આગળ તેમણે PM મોદી, ગૃહમંત્રી શાહ, ભાજપ અધ્યક્ષ નડ્ડા અને અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કરીને કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ‘જય શ્રીરામ’ સાથે તેમણે પોસ્ટનો અંત કર્યો.
I extend my heartfelt thanks to the people of #Goshamahal for sending a message of unity to the entire Hindu community in India by proudly hoisting the saffron flag for the third time.
— Raja Singh (@TigerRajaSingh) December 3, 2023
I am grateful for your unwavering support, and I pledge to tirelessly work for the ongoing… pic.twitter.com/hZlxgzJjvg
ગોશમહલ વિધાનસભા બેઠક પર ટી રાજા સિંઘને 80 હજારથી વધુ મત મળ્યા. જ્યારે બીજા ક્રમે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નંદકિશોર વ્યાસ રહ્યા, જેમને 58 હજાર મત મળ્યા. આમ ટી રાજા સિંઘની 21 હજારથી વધુ મતોથી વિજયી બન્યા છે. આ બેઠક પર કોંગ્રેસે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યાં હતાં, પણ તેમને માત્ર 6 હજાર મતો જ મળ્યા. AIMIMએ અહીં ઉમેદવાર ઉતાર્યા ન હતા.
2018ની ચૂંટણીમાં ટી રાજા સિંઘને 61 હજાર વોટ મળ્યા હતા. જ્યારે BRS ઉમેદવારને 44 હજાર મતો મળ્યા હતા. તે સમયે ભાજપ એકમાત્ર બેઠક જીતી હતી, જે ગોશમહલ હતી. વધુમાં હૈદરાબાદ લોકસભામાં આવતી આ એકમાત્ર એવી બેઠક હતી, જ્યાં AIMIM સિવાયના ઉમેદવારની જીત થઈ હતી. હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી છે, જેઓ AIMIMના પ્રમુખ છે.
ટી રાજા સિંઘ પોતાના ક્ષેત્રમાં પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા નેતા છે અને ખાસ કરીને પોતાના દ્રઢ હિંદુવાદી વલણ માટે દેશભરમાં જાણીતા છે. તેલંગાણા જ નહીં પરંતુ ભારતભરમાં તેઓ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. આ ચૂંટણીમાં તેમની સીટ પર દેશની નજર હતી, આખરે ફરી એક વખત રાજા સિંઘ વિજયી બન્યા છે.