લોકસભાની ચૂંટણીને આડે હવે ઝાઝો વખત રહ્યો નથી, પરંતુ મોદી-ભાજપને હરાવવા ભેગી થયેલી પાર્ટીઓના INDI ગઠબંધનની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. ભાજપના વિજયરથને રોકવા ભેગી થયેલી વિપક્ષની પાર્ટીઓ હવે એક પછી એક સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત કરી રહી છે. પંજાબમાં AAP અને પશ્ચિમ બંગાળ TMC બાદ હવે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ INDI ગઠબંધનને ઝટકો આપ્યો છે. ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે (15 ફેબ્રુઆરી, 2024) જાહેરાત કરી કે, તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે. જોકે, પછીથી તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ પણ કરી જોયો અને કહ્યું કે તેઓ હજુ પણ INDI ગઠબંધનના જ ભાગ છે.
નેશનલ કોન્ફરન્સના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની તમામ 5 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરવાના સંકેત આપ્યા. મીડિયા સાથેની વાતચીતમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, “મને લાગે છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે થશે. જ્યાં સુધી બેઠકોની વહેંચણીનો સવાલ છે, તેમાં કોઈ શંકા નથી કે નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે.”
જોકે, પછીથી ફારૂક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ ‘સ્પષ્ટતા’ કરતાં કહ્યું કે તેઓ હજુ પણ INDI ગઠબંધનનો ભાગ છે. અબ્દુલ્લાએ કહ્યું કે, “અમે INDI ગઠબંધનનો ભાગ હતા અને હજુ પણ છીએ. જે વાતો કહેવાઈ તેને સંદર્ભો વગર જોવામાં આવી રહી છે. જૂથ બનાવવા પાછળનો મૂળ વિચાર જ ભાજપને હરાવવાનો હતો, કારણ કે એકસાથે બે બોટમાં સવાર થવાનો કોઇ અર્થ નથી.” ફારૂક અબ્દુલ્લાના નિવેદન વિશે તેમણે એમ કહી દીધું કે તેઓ પાર્ટી કાર્યકરોની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા અને સાથે કહ્યું કે, કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીને લઈને તેમની વાતચીત ચાલી રહી છે. સાથે કહ્યું કે, મોટી ઉપલબ્ધિઓ મેળવવા માટે અમુક બલિદાનો આપવાં પડે છે.
નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાને ગઠબંધનના ‘વિશ્વાસુ સભ્ય’ માનવામાં આવી રહ્યા હતા, ત્યારે જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત સાથે તેમણે INDI ગઠબંધનને મોટો ઝાટકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં INDI ગઠબંધનનો જ ભાગ એવી પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીએ પણ બંગાળમાં તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. TMC સુપ્રીમો મમતા બેનર્જીએ સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર પણ ટિપ્પણી કરી હતી.
મમતા-કેજરીવાલ કરી ચૂક્યાં છે ‘એકલા ચાલો’ની ઘોષણા
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીએ પણ પંજાબની બધી બેઠકો પર ગઠબંધનથી અલગ સ્વતંત્ર ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી. પંજાબના CM અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોના સવાલોના જવાબ આપતાં જાહેર કર્યું હતું કે, પંજાબમાં AAP પાર્ટી 13 સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. પછીથી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એક સભામાં આ વિષય પર વાત કરીને તેની ઉપર અંતિમ મહોર મારી. કેજરીવાલે કહ્યું હતું કે AAP પંજાબની તમામ 13 અને ચંદીગઢની એક બેઠક પર ઉમેદવારો ઉતારશે.
ઉલ્લેખનીય છે કે એકલા ચૂંટણી લડવાની જાહેરાતો કરતી આજ રાજકીય પાર્ટીઓએ ભેગી થઈને I.N.D.I ગઠબંધનની રચના કરી હતી. પરંતુ ગઠબંધનની મોટી પાર્ટીઓની સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત બાદ લાગી રહ્યું છે કે I.N.D.I ગઠબંધન ફક્ત નામ પૂરતું જ રહેવા પામ્યું છે.