મહારાષ્ટ્રમાં શિવસેનાનાં બે જૂથો વચ્ચે ચાલતા વિવાદમાં બુધવારે (10 જાન્યુઆરી, 2024) વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો છે. તેમણે ઠેરવ્યું કે એકનાથ શિંદે જૂથ જ સાચી શિવસેના છે અને એકનાથ શિંદેને વિધાનસભામાં પાર્ટીના નેતાના પદ પરથી હટાવવાનો ઉદ્ધવ ઠાકરેને કોઇ અધિકાર ન હતો. આ સાથે શિંદે જૂથના ધારાસભ્યોને ડિસ્કવોલિફાય કરવાની માંગ કરતી અરજી પણ ફગાવી દેવામાં આવી છે.
વાસ્તવમાં આ મામલો મહારાષ્ટ્ર વિધાનસભાના 54 ધારાસભ્યોના સભ્યપદ અંગેનો છે. જેમાં શિંદે જૂથના 40 અને ઉદ્ધવ જૂથના 14 MLAનો સમાવેશ થાય છે. બંને પક્ષેથી કુલ 34 અરજીઓ સ્પીકર સમક્ષ કરવામાં આવી હતી અને એકબીજા જૂથના ધારાસભ્યોને ડિસ્કવોલિફાય કરવાની માંગ કરવામાં આવી હતી. જેની ઉપર સ્પીકરે બંને પક્ષે સુનાવણી કર્યા બાદ બુધવારે (10 જાન્યુઆરી) ચુકાદો આપ્યો હતો.
સ્પીકરે કહ્યું કે, મૂળ વિષય એ છે કે બંને જૂથમાંથી કયું જૂથ સાચી શિવસેના છે? જ્યારે બીજો વિષય એ છે કે જેમને ડિસ્કવોલિફાય કરવાની માંગ કરવામાં આવી છે તેઓ ખરેખર ડિસ્કવોલિફાય થઈ શકે કે કેમ? સ્પીકરે કહ્યું કે આ બંને બાબતોના નિર્ણય પાર્ટીના બંધારણ, પાર્ટીના નેતૃત્વ અને વિધાનસભામાં બહુમતી- આ ત્રણ બાબતોથી કરવાના રહે છે.
પાર્ટીના બંધારણને લઈને શું કહ્યું?
પાર્ટીના બંધારણને લઈને સ્પીકરે કહ્યું કે, “બંને જૂથો દ્વારા જુદાં-જુદાં સંસ્કરણ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે, જેથી જે બંધારણ પર બંને પક્ષો સહમત હોય તેને ધ્યાને લેવાનું રહે અને બંને જૂથો અસ્તિત્વમાં આવ્યાં તે પહેલાં ચૂંટણી પંચ (ECI) સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોય તેવું એક જ બંધારણ છે, જે વર્ષ 1999માં ECIને અપાયું હતું. જ્યારે ઉદ્ધવ જૂથ દ્વારા જે 2018નું બંધારણ રજૂ કરવામાં આવ્યું છે તેને ધ્યાને લઇ શકાય નહીં. (કારણ કે તે ચૂંટણી પંચના રેકોર્ડ પર નથી.)”
સ્પીકરે ઉમેર્યું કે, જૂન, 2022માં પાર્ટીનાં 2 જૂથો અસ્તિત્વમાં આવ્યાં હોવાનું ધ્યાને લઇ શકાય અને 22 જૂન, 2022ના સ્પીકરના રેકોર્ડમાં આ બાબત નોંધવામાં આવી છે. આ સંજોગોમાં શિવસેનાના બંધારણના આધારે જ નેતૃત્વ માળખા અંગે નિર્ણય થઈ શકે. સ્પીકર અનુસાર, અહીં બે પ્રશ્નો ઉભા થાય છે- 1) શું 2018નું પાર્ટીનું માળખું 1999ના બંધારણ સાથે મેળ ખાય છે? 2) શું પક્ષપ્રમુખની વિચારસરણી પાર્ટીની વિચારસરણી પ્રદર્શિત કરી શકે?
Speaker: 2018 leadership structure is not in conformity with the SS constitution and cannot be taken as the yardstick to determine which was the relevant political party. It does not provide a reliable outcome. It cannot be used to determine the question.
— Bar & Bench (@barandbench) January 10, 2024
UBT faction has…
પહેલા પ્રશ્નના જવાબ તરીકે તેમણે કહ્યું કે, 2018નું માળખું પાર્ટીના બંધારણ સાથે મેળ ખાતું નથી અને જેથી કઈ પાર્ટી સાચી શિવસેના છે તે નક્કી કરવા માટે તેનો આધાર રાખી શકાય નહીં. UBT જૂથે રજુઆત કરી છે કે પ્રમુખનો નિર્ણય પાર્ટીનો નિર્ણય છે, અને વિવાદ વખતે પ્રમુખનો જ નિર્ણય માન્ય ગણાય છે. પરંતુ આ બાબત માન્ય રાખી શકાય તેમ નથી. કારણ કે શિવસેનાના બંધારણમાં પક્ષ પ્રમુખનું પદ પણ નથી.
સ્પીકરે અગત્યનો ચુકાદો આપતાં કહ્યું કે, શિવસેના પ્રમુખ પાસે (વિધાનસભામાં) પાર્ટીના નેતાને બરતરફ કરવાની કોઇ સત્તા નથી. જેથી ઉદ્ધવ ઠાકરેએ શિંદેને શિવસેનાના નેતાના પદેથી હટાવ્યા હોવાની રજૂઆત માન્ય રાખી શકાય નહીં. જ્યારે બળવો થયો UBT જૂથના નેતા પાસે તમામ સભ્યોનું સમર્થન ન હતું અને પછીથી બંને જૂથ પોતપોતાનો નિર્ણય પાર્ટીનો હોવાનો દાવો કરી જ શકે તે વાત દેખીતી છે.
શિંદે જૂથ સાચી પાર્ટી: સ્પીકર
સ્પીકરે આખરે ઠેરવ્યું હતું કે જ્યારે બળવો થયો અને બે ભાગ પડ્યા ત્યારે એકનાથ શિંદે જૂથ સાચી શિવસેના હતું. તેમણે કહ્યું કે, તેમની પાસે 55માંથી 37 ધારાસભ્યોની સ્પષ્ટ બહુમતી હતી. જેથી ભારત ગોગાવાલેને શિવસેનાના વ્હીપ બનાવવામાં આવ્યા તે યોગ્ય હતું અને એકનાથ શિંદેની પાર્ટીના નેતા તરીકે નિમણૂક પણ કાયદેસર રીતે વ્યાજબી હતી.
Speaker: I HOLD THAT SHINDE FACTION WAS THE REAL POLITICAL PARTY WHEN RIVAL FACTION EMERGED.#MaharashtraPolitics #UddhavThackeray #EknathShinde
— Bar & Bench (@barandbench) January 10, 2024
વિધાનસભા અધ્યક્ષે ઉદ્ધવ જૂથના વ્હીપની માન્યતા પણ ફગાવી દીધી હતી અને કહ્યું કે, સુનિલ પ્રભુ (ઉદ્ધવ જૂથ દ્વારા નીમવામાં આવેલ વ્હીપ) પાસે પાર્ટીના MLAની બેઠક બોલાવવાની સત્તા હતી તેવું ઠેરવી શકાય નહીં. જેથી શિંદે જૂથના ધારાસભ્યોને ડિસ્કવોલિફાય કરવા જોઈએ તેવી દલીલ પણ ફગાવી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઠાકરે જૂથે દલીલ કરી હતી કે તેમના વ્હીપ સુનિલ પ્રભુ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં શિંદે જૂથના MLA હાજર ન રહેતાં તેમને બરતરફ કરવામાં આવે. બીજી તરફ, શિંદે જૂથે ભારત ગોગાવાલેને ચીફ વ્હીપ નીમ્યા હતા.
અધ્યક્ષે એમ પણ કહ્યું કે, પાર્ટીની બેઠકોમાં ન જવું કે ગૃહની બહાર જુદો અભિપ્રાય આપવો તે પાર્ટીનો અંગત મામલો છે. માત્ર પાર્ટીની બેઠકમાં હાજરી ન આપી હોય એટલે તેઓ બરતરફ થવા માટે લાયક છે તેમ ન માની શકાય. તેને શિસ્તતા સાથે જરૂર જોડી શકાય, પરંતુ સાથોસાથ અભિયક્તિની સ્વતંત્રતા પણ સચવાય તે જરૂરી છે.
સ્પીકરે ઉદ્ધવ જૂથની દલીલો ફગાવતાં કહ્યું કે, વિરોધી જૂથના સભ્યોએ ભાજપ સાથે મળીને કામ કર્યું હતું તે માત્ર એક દલીલ જ છે અને સાબિત કરવા માટે કોઇ ઠોસ પુરાવા આપવામાં આવ્યા નથી, જેથી ડિસ્કવોલિફાય કરવા માટે તે કોઇ આધાર ન હોય શકે. સાથોસાથ શિંદે જૂથના સભ્યો પાર્ટીવિરોધી અને ગઠબંધનવિરોધી નિવેદનો આપ્યાં હોવાની દલીલ પણ ડિસ્કવોલિફિકેશન માટે ધ્યાને લઇ શકાય નહીં.
Speaker: The petitions filed by UBT members seeking disqualification of the Shinde members for defiance of the party Whip are also rejected. #MaharashtraPolitics #UddhavThackeray #EknathShinde
— Bar & Bench (@barandbench) January 10, 2024
જોકે, સ્પીકરે ઉદ્ધવ સેનાના ધારાસભ્યોને ડિસ્કવોલિફાય કરવાની માંગ કરતી શિંદે જૂથની અરજી પણ ફગાવી દીધી છે. જેથી હાલના તબક્કે ગૃહના કોઇ પણ ધારાસભ્ય ડિસ્કવોલિફાય થશે નહીં.
ઉલ્લેખનીય છે કે જૂન, 2022માં શિવસેનામાં મોટાપાયે બળવો થયો હતો અને એકનાથ શિંદે પોતાની સાથે અમુક ધારાસભ્યોને લઈને આસામ પહોંચી ગયા હતા. ત્યારબાદ શિંદે જૂથ મજબૂત થતું ગયું અને ઉદ્ધવ જૂથ નબળું પડતું ગયું. આખરે સ્પષ્ટ બહુમતી મળતાં શિંદે જૂથે મહારાષ્ટ્ર આવીને ભાજપના સમર્થનથી સરકાર બનાવી દીધી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યો હતો.
2023માં ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને સાચી શિવસેના ઠેરવી હતી અને પાર્ટીનાં નામ અને નિશાન આપી દીધાં હતાં, જ્યારે ઉદ્ધવ જૂથને ‘શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નામ આપવામાં આવ્યું હતું. પછીથી સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોના ડિસ્કવોલિફિકેશન મામલે નિર્ણય સ્પીકર પર છોડ્યો હતો. સ્પીકરે આખરે એકનાથ શિંદે જૂથ પર જ મહોર મારી છે.