Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘મહુઆ મોઈત્રાએ રાષ્ટ્રીય સ્તરે નામ બનાવવું હતું, PM મોદી-અદાણી હતા ટાર્ગેટ’: જે...

    ‘મહુઆ મોઈત્રાએ રાષ્ટ્રીય સ્તરે નામ બનાવવું હતું, PM મોદી-અદાણી હતા ટાર્ગેટ’: જે ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સવાલ પૂછવાનો TMC સાંસદ પર લાગ્યો છે આરોપ, તેઓ સામે આવ્યા, કર્યા સ્ફોટક ખુલાસા

    એફિડેવિટમાં હિરાનંદાનીએ કહ્યું કે, “વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મળ્યા બાદ મહુઆ મોઈત્રા બહુ મહત્વાકાંક્ષી બની ગયાં હતાં અને બહુ જલ્દી રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ કરવા માટે ઉત્સુક હતાં. તેમના અમુક મિત્રો અને સલાહકારોએ તેમને સલાહ આપી હતી કે આ માટેનો સૌથી ટૂંકો રસ્તો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાનો.

    - Advertisement -

    TMC સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધવા માંડી છે. જે ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો તેમની ઉપર આરોપ લાગ્યો છે અને જે બાબતની હાલ તપાસ ચાલી રહી છે તેઓ પોતે જ હવે સામે આવ્યા છે. હિરાનંદાની જૂથના CEO દર્શન હિરાનંદાનીએ એક જાહેર નિવેદન બહાર પાડીને મોઈત્રા સામે લાગેલા આરોપોની પુષ્ટિ કરી છે. 

    એફિડેવિટમાં હિરાનંદાનીએ સાંસદ મહુઆ મોઈત્રાને લોકસભામાં પ્રશ્નો પૂછવા બદલ રોકડા રૂપિયા અને ભેટો આપી હોવાનું સ્વીકાર્યું છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે, મોઈત્રાએ તેમની સાથે સંસદના આઇડી-પાસવર્ડ પણ શૅર કર્યા હતા, જેથી તેઓ પોતે જ મહુઆની જગ્યાએ સરકારને પ્રશ્નો પૂછી શકે. 

    ઉદ્યોગપતિએ કહ્યું કે, તેઓ મહુઆ મોઈત્રાને  વર્ષ 2017માં બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટમાં મળ્યા હતા. તે સમયે મહુઆ પશ્ચિમ બંગાળના MLA હતાં. ત્યારબાદ બંને નજીકનાં મિત્રો બન્યાં. પછીથી કોલકત્તા, દિલ્હી, મુંબઈમાં સામાજિક પ્રસંગોએ તેમની મુલાકાત થઈ હતી. ઉપરાંત, બંને વચ્ચે નિયમિત વાતચીત થતી હતી. જ્યારે તેઓ ભારત આવે ત્યારે અને મહુઆ દુબઈ જતાં ત્યારે પણ મુલાકાતો થતી રહેતી હતી. 

    - Advertisement -

    રાષ્ટ્રીય સ્તરે ઉપર આવવું હતું, PM મોદી અને અદાણી હતા ટાર્ગેટ: હિરાનંદાની 

    એફિડેવિટમાં હિરાનંદાનીએ કહ્યું કે, “વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મળ્યા બાદ મહુઆ મોઈત્રા બહુ મહત્વાકાંક્ષી બની ગયાં હતાં અને બહુ જલ્દી રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ કરવા માટે ઉત્સુક હતાં. તેમના અમુક મિત્રો અને સલાહકારોએ તેમને સલાહ આપી હતી કે આ માટેનો સૌથી ટૂંકો રસ્તો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાનો. પરંતુ સમસ્યા એ હતી કે નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા નિષ્કલંક છે અને તેઓ વ્યક્તિગત રીતે, નીતિગત રીતે કે સરકારી સ્તરે પણ કોઇને ક્યાંય ફરિયાદની તક આપતા નથી. જેથી મહુઆએ વિચાર્યું કે મોદીને ટાર્ગેટ કરવાનો એકમાત્ર માર્ગ ગૌતમ અદાણી છે.” 

    આગળ કહેવામાં આવ્યું કે, “ગૌતમ અદાણીના સતત થતા વિકાસના કારણે ઉદ્યોગ, મીડિયા અને રાજકારણ જેવાં ક્ષેત્રોમાં દેશમાં અને દેશબહાર તેમના અમુક વિરોધીઓ પણ ફૂટી નીકળ્યા હતા અને જેના કારણે મહુઆને પીએમ મોદીને બદનામ કરવા માટે અદાણીને ટાર્ગેટ કરવામાં આવા લોકો તરફથી પણ મદદ મળી.” આગળ જણાવ્યા અનુસાર, “મહુઆ મોઈત્રા જાણતાં હતાં કે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન અદાણી જૂથની કંપની ધર્મા LNG સાથે એક લાંબા ગાળાના કરાર કરવા જઈ રહી છે અને મારી કંપનીઓ સાથે નહીં. આ માહિતીના આધારે તેમણે અદાણી જૂથને ટાર્ગેટ કરતા અમુક પ્રશ્નો બનાવ્યા, જેને પોતે સંસદમાં ઉઠાવી શકે.” 

    દર્શન હિરાનંદાનીએ જણાવ્યું કે, મહુઆ મોઈત્રાએ તેમની સાથે પોતાના સંસદનું ઈમેઈલ આઈડી પણ શૅર કર્યું હતું, જેથી તેઓ (દર્શન) તેમને માહિતી મોકલી શકે અને મહુઆ સંસદમાં મુદ્દો ઉઠાવી શકે. ઉદ્યોગપતિએ કહ્યું કે, “આ પ્રશ્નોના જવાબમાં જે પ્રતિસાદ મળ્યો તેનાથી મહુઆનો ઉત્સાહ વધ્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓ અને મીડિયાના એક વર્ગ તરફથી તેમને જે સમર્થન મળ્યું છે તે બદલ તેઓ ખૂબ ખુશ છે. તેમણે મને વિનંતી કરી કે અદાણી જૂથ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં હું તેમનું સમર્થન કરું અને ત્યારબાદ સંસદના લૉગિન આઇડી અને પાસવર્ડ પણ આપ્યા હતા, જેથી જરૂર પડે ત્યારે હું સીધા જ પ્રશ્નો પોસ્ટ કરી શકું.”

    રાહુલ ગાંધી જેવા કોંગ્રેસીઓ નેતાઓ અને દેશ-વિદેશના પત્રકારો સાથે પણ સંપર્કમાં હતાં મોઈત્રા 

    દર્શન હિરાનંદાનીએ કહ્યું છે કે, આ કામમાં મોઈત્રાને સુચેતા દલાલ, શાર્દૂલ શ્રોફ, પલ્લવી શ્રોફ વગેરે લોકોની પણ મદદ મળી રહેતી હતી અને તેઓ સંપર્કમાં રહેતા હતા અને ગૌતમ અદાણી અને તેમની કંપનીઓ સંબંધિત ઘણી માહિતી પૂરી પાડતા હતા. આ ઉપરાંત તેઓ રાહુલ ગાંધી સહિતના ઘણા કોંગ્રેસી નેતાઓ તેમજ BBC, ન્યૂયોર્ક ટાઈમ્સ, ફાયનાન્શિયલ ટાઈમ્સ જેવાં મીડિયા આઉટલેટ્સના પત્રકારો અને ભારતીય પ્રકાશનો સાથે પણ સંપર્કમાં રહેતાં હતાં. આ સિવાય, અદાણી જૂથના પૂર્વ કર્મચારીઓ પાસેથી પણ તેમને ઘણી માહિતી મળી રહેતી હતી.  દર્શને કહ્યું કે, જેમાંથી અમુક માહિતી તેમને પણ પહોંચાડવામાં આવી હતી અને જેના આધારે તેઓ મહુઆના પાર્લામેન્ટ આઇડીનો ઉપયોગ કરીને પ્રશ્નો પોસ્ટ કરતા રહેતા હતા. 

    આગળ તેમણે કહ્યું, “સમય જતાં મહુઆ મોઈત્રા સાથેની મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ અને મને પણ લાગ્યું કે તેમના થકી મને વિપક્ષ શાસિત અન્ય રાજ્યોમાં મદદ મળી રહેશે, કારણ કે તેઓ રાહુલ ગાંધી, શશિ થરૂર, પિનાકી મિશ્રા જેવા અનેક વિપક્ષી નેતાઓ સાથે સારા સંબંધો ધરાવે છે. તેમણે મારી સમક્ષ અમુક માંગ કરી અને અમુક કામ કરાવ્યાં હતાં, જે મેં તેમની સાથે સંપર્કમાં રહેવા માટે કરી આપ્યાં હતાં.”

    આપી હતી મોંઘી ભેટો, મારી પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો” 

    લકઝરી આઇટમો અને કિંમતી ચીજવસ્તુઓની ભેટ આપવાને લઈને દર્શન હિરાનંદાનીએ કહ્યું કે, મહુઆ તરફથી મોંઘી વસ્તુઓ તેમજ બંગલાના રિનોવેશન દરમિયાન સપોર્ટ અને ટ્રાવેલ ખર્ચથી માંડીને ભારત અને વિદેશમાં મુસાફરી દરમિયાન અન્ય મદદની માંગ કરવામા આવી હતી. તેમણે સ્વીકાર્યું છે કે, ઘણી વખત તેમને લાગતું હતું કે મહુઆ તેમનો ફાયદો લઇ રહ્યા છે અને અમુક એવાં કામ કરવા માટે દબાણ કરી રહ્યાં છે જે તેમણે ખરેખર ન કરવાં જોઈએ. પરંતુ ઉપર જણાવ્યા અનુસારનાં કારણોના લીધે તેમની પાસે કોઇ વિકલ્પો ન હતા. 

    અંતે તેમણે કહ્યું કે, આ મામલો સીધી રીતે તેમની સાથે જોડાયેલો છે અને હવે જ્યારે તેમાં સંસદ અને ન્યાયતંત્રની પણ એન્ટ્રી થઈ છે તો તેમની ફરજ બને છે કે જાહેરહિતમાં તેઓ તથ્યો સૌની સામે મૂકે. 

    શું છે સમગ્ર મામલો? 

    ઉલ્લેખનીય છે કે ગત રવિવારે (15 ઓક્ટોબર) ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને પત્ર લખીને TMC સાંસદ મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો તેમણે દિલ્હીના વકીલ જય અનંત દેહદ્રાઈએ કરેલા ખુલાસાઓના આધારે લગાવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં અમુક પ્રશ્નો પૂછ્યા હતા અને તેમાં સરકાર પાસેથી મળતા જવાબો અને માહિતી પાસ કરી હતી. 

    પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મહુઆ મોઈત્રાએ સંસદમાં કુલ 61 સવાલો રજૂ કર્યા, જેમાંથી લગભગ 50 પ્રશ્નો ઉદ્યોગપતિ હિરાનંદાની અને તેમની કંપનીનાં હિતો સંબંધિત હતા. આમાંથી અમુક પ્રશ્નો અદાણી જૂથને લઈને પણ કરવામાં આવ્યા હતા, જે હિરાનંદાનીની કંપનીનું પ્રતિસ્પર્ધી જૂથ છે. ભાજપ સાંસદે મહુઆ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની અને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ લોકસભા સ્પીકરે મામલો એથિક્સ સમિતિને મોકલી આપ્યો હતો. સમિતિ હાલ તપાસ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં