લોકસભા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે. તમામ રાજકીય દળો તેની પૂર્વ તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. તેવામાં કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને ભાવનગર અને ભરૂચ ખાતે પોતાના ઉમેદવારોને ઉતારવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બળથી જ કોંગ્રેસી નેતાઓના પેટમાં ચૂંક આવી છે. નાના નાના છમકલાઓ બાદ આજે તણખલું ભડકો બની જ ગયું. ભરૂચ કોંગ્રેસના નેતાઓએ ગઠબંધન સામે નારાજ જણાઈ રહ્યા છે, તેમણે કહ્યું છે કે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવી હશે તો કોંગ્રેસના ચિહ્ન પરથી જ લડવી પડશે.
મળતી માહિતી અનુસાર કોંગ્રેસ હાઈકમાંડ દ્વારા ભરૂચ અને ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો નિર્ણય સામે આવ્યા બાદ ભરૂચ કોંગ્રેસના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. પાર્ટીના નેતાઓની માંગ છે કે હાઈકમાંડ પોતાનો આ નિર્ણય બદલે. આ બાબતે પાર્ટી પર દબાણ લાવવા તેમણે કીમિયો પણ અજમાવ્યો છે. ભરૂચના કોંગ્રેસી નેતાઓએ માંગ કરી છે કે ત્યાંથી જે પણ ઉમેદવાર લડે તે કોંગ્રેસના પંજાના નિશાન પરથી લડે.
આ મામલે ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ અને સુલેમાન પટેલ સહિતના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી મોવડી મંડળના નિર્ણય સામે વિરોધ નોધાવ્યો હતો. આ દરમિયાન સંદીપ માંગરોલાએ મીડિયાને કહ્યું હતું કે, ગઠબંધનના આ નિર્ણયથી કોંગ્રેસના જૂના નેતાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે, “ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશાં કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે આ બેઠક આપને ફાળવી દીધી છે તે ગેરસમજ છે. આ બેઠક અંગે આપને ફાળવવા આવેલી બેઠક અંગે મોવડી મંડળે ફરી વિચારણા કરવાની જરૂર છે.”
કોંગ્રેસ-AAPની મડાગાંઠ યથાવત; ભરૂચ લોકસભા બેઠક માટે ગઠબંધન પર ફેરવિચારણા કરવા કોંગ્રેસના નેતાઓની માગ #Gujarat #AAP #Congress #LokSabhaElection2024 pic.twitter.com/Ht0zywAzTV
— Zee 24 Kalak (@Zee24Kalak) February 27, 2024
આ દરમિયાન તેમ પણ કહેવામાં આવ્યું હતું કે પાર્ટીએ ભલે ગઠબંધન કર્યું હતો અને કોઈ પણ ઉમેદવાર ભલે ચૂંટણી લડે, પરંતુ જે પણ ઉમેદવાર ચૂંટણી લડે તેણે કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટણી લડવી પડશે.
મારું હાઈ કમાંડ કહેશે હું એમ જ કરીશ- ચૈતર વસાવા
ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈતર વસાવાને લડાવવાની જાહેરાત થયા બાદથી જ ચકમક જરી રહ્યા છે. તેવામાં પંજાના નિશાન પર ચૂંટણી લડવાની વાતને લઈને તેમણે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “હું આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છું અને તેના ચિહ્ન પર જ ચૂંટણી લડીને જીત્યો છું. તેમના સિમ્બોલ પરથી ચૂંટણી લડવાને લઈને હું નિર્ણય ન લઈ શકું. મેં અમારા હાઈકમાંડ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુધી આ વાત પહોંચાડી છે અને હાઈકમાંડ જે કહેશે તે મુજબ જ આમે આવનારા સમયમાં નિર્ણય લઈને કામગીરી કરીશું.”
આ પહેલા અહેમદ પટેલના દીકરાએ પણ નોંધાવ્યો હતો વિરોધ
ઉલેખનીય છે કે ગઠબંધનના આ નિર્ણય બાદ કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક ટ્વિટ કરીને વિવાદ સર્જ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા બેઠક AAPને ફાળવવામાં આવે તો તેઓ કે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ AAP ઉમેદવારનું સમર્થન નહીં કરે.
ફૈઝલ પટેલના બહેન અને અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે પણ આ જ પ્રકારની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકર્તા તરીકે પાર્ટીનો નિર્ણય માન્ય રાખશે પરંતુ તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે ભરૂચ બેઠક પર પ્રચાર નહીં કરે. અહીં તે નોંધવું જરૂરી છે કે, મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બંનેને ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં હતાં, પરંતુ હાઈકમાન્ડ દ્વારા ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને લડાવવાનો નિર્ણય લીધો છે.
Congressના કાર્યકર તરીકે હું AAPનો પ્રચાર નહીં કરું : મુમતાઝ પટેલ#LokSabhaElections #Bharuch #Gujarat #TV9News pic.twitter.com/FRAwtowKdq
— Tv9 Gujarati (@tv9gujarati) February 22, 2024
એક તરફ કોંગ્રેસના નેતા મોટા નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે. તેવામાં ભરૂચની બેઠક પર ફૂટેલો આ ફણગો પાર્ટી માટે ચિંતાનો વિષય બનવા જઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી પંજાની માંગ નીચે નમતું જોખીને ચૈતર વસાવાને લડવા માટે કહે છે કે કેમ તે હવે જોવું રહ્યું.