લોકસભા ચૂંટણી 2024ને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 12 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. પરષોત્તમ રૂપાલા સહિતના અનેક ઉમેદવારોએ નામાંકન ભરીને ચૂંટણીના બ્યૂગલો ફૂંકી દીધા છે. તે જ અનુક્રમે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવા માટે ગુજરાત આવી ચૂક્યા છે. શાહે ગાંધીનગર ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં હજારો લોકો જોડાયા હતા. આ સાથે જ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ નવસારીમાં રોડ શોનું આયોજન કર્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે છે. તે પહેલાં તેમણે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા બેઠકના સાણંદમાં રોડ શો યોજ્યો હતો. જેમાં ‘જય શ્રીરામ’ના નારા સાથે માનવ મેદની ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. ફૂલોથી શણગારવામાં આવેલા ટ્રકમાં અમિત શાહ સવાર થયા હતા અને રેલીની શરૂઆત કરાવી હતી. રેલીના આખા રુટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. રેલીમાં ‘જય શ્રીરામ’, ‘ભારત માતા કી જય’ના નારા પણ લાગ્યા હતા. ગૃહમંત્રીએ રેલીમાં જોડાયેલા લોકો પર પુષ્પવર્ષા પણ કરી હતી.
LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના જનપ્રિય ઉમેદવાર શ્રી @AmitShah જીનો ભવ્ય રોડ શો સ્થળ: સાણંદ https://t.co/vfmNkjlQwn
— BJP Gujarat (@BJP4Gujarat) April 18, 2024
અમિત શાહની રેલીમાં તેમના પુત્ર જય શાહ પણ હાજર રહ્યા હતા. તેઓ સાણંદ પહોંચ્યા હતા અને રેલીમાં 500 મીટર જેટલા રુટ પર ફરીને નિરીક્ષણ કર્યું હતું. રેલીમાં જય શાહ પગપાળા ચાલતા જોવા મળ્યા હતા. કમળના અને PM મોદીના મોટા કટ-આઉટ પણ જોવા મળ્યાં હતાં.
ગૃહમંત્રી શાહ દિવસભર પોતાની ગાંધીનગર લોકસભામાં આવતી તમામ વિધાનસભાઓમાં રોડ શો કરશે અને ત્યારબાદ રાત્રે વેજલપુર ખાતે એક સભાને સંબોધિત કરશે. ત્યારબાદ 19 એપ્રિલના રોજ તેઓ ઉમેદવારીપત્ર દાખલ કરશે.
સીઆર પાટીલે પણ કર્યો રોડ શો
આ સાથે જ નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ રોડ શોનું આયોજન કર્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા હતા. નવસારીના મધ્યસ્થ કાર્યાલય પરથી આ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં લગભગ 20 હજાર મહિલાઓ માથે કેસરીયો સાફો પહેરેલી જોવા મળી હતી. આ સાથે કહેવાય રહ્યું છે કે, 1 લાખથી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. રેલી પહેલાં સીઆર પાટીલ તેમના માતાનો આશીર્વાદ લેવા માટે પણ પહોંચ્યા હતા. માતાના આશીર્વાદ બાદ તેમણે રેલીમાં ભાગ લીધો હતો.
Watch | Gujarat BJP Chief Patil holds road show in Navsari; To file nomination for Lok Sabha Pollshttps://t.co/R9iQ6cKpbD pic.twitter.com/RWm0XYZzO6
— DeshGujarat (@DeshGujarat) April 18, 2024
સીઆર પાટીલની રેલી દરમિયાન લાખોની સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. ડીજે અને ઢોલ-નગારા સાથે સીઆર પાટીલની રેલી યોજાઇ હતી. નોંધવા જેવુ છે કે, સીઆર પાટીલ 18 એપ્રિલે જ ઉમેદવારી ફોર્મ ભરવાના હતા, પરંતુ વિજય મુહૂર્ત ચૂકી જવાતા હવે 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે તેવું જાણવા મળ્યું છે.