મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળના જૂથને ‘સાચી’ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તરીકે જાહેર કરીને, ચૂંટણી પંચે બુધવારે (6 ફેબ્રુઆરી 2024) શરદ પવાર કેમ્પને મહારાષ્ટ્રમાંથી આગામી રાજ્યસભાની ચૂંટણીઓ માટે નવું નામ શોધવાનો નિર્દેશ આપ્યો છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ‘વિધાનસભ્ય બહુમતીની કસોટી’ એ અજિત પવાર જૂથને વિવાદિત આંતરિક સંગઠનાત્મક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એનસીપી પ્રતીક મેળવવામાં મદદ કરી છે. નોંધનીય છે કે છેલ્લા 6 મહિનાઓમાં આ કેસમાં 10 વાર સુનવણી કરાઈ હતી.
ચુકાદા પર પ્રતિક્રિયા આપતા અજિત પવારે કહ્યું, “અમે ભારતના ચૂંટણી પંચના આદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. ECI એ અમારા સલાહકારો દ્વારા કરાયેલી રજૂઆતોને સ્વીકારી છે અને અમે ECIનો આભાર માનીએ છીએ.”
મૂળ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (એમવીએ)ને ફટકો આપતા, અજિત પવારે ગયા વર્ષે જુલાઈમાં એનસીપીના તમામ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની ભાજપ-સેના સરકારમાં જોડાયા અને પાંચમી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે પહેલા અજિત પવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.
ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા પછી, અજિત પવારે તેમના કાકા, શરદ પવારને પાર્ટીના અધ્યક્ષ પદ પરથી હટાવ્યા, અને ચૂંટણી પંચને પત્ર લખીને તેમના જૂથને સાચી NCP તરીકે માન્યતા આપવા માટે પત્ર લખ્યો.