Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણછેલ્લી ઓવરમાં પડી રહી છે AAPની વિકેટો: ચૂંટણીના 3 દિવસ પહેલા અબડાસાના...

    છેલ્લી ઓવરમાં પડી રહી છે AAPની વિકેટો: ચૂંટણીના 3 દિવસ પહેલા અબડાસાના AAP ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો

    હવે જ્યાં ગુજરાત વિધાનસભાના પહેલા ચરણના મતદાનને 3 જ દિવસ બાકી છે ત્યાં આમ આદમી પાર્ટીના અબડાસા વિધાનસભાના ઉમેદવારે ભાજપને સપોર્ટ જાહેર કરી દીધો છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે ત્યાં રાજકીય ઉથલપાથલનો ઘટનાક્રમ હજુ પણ ચાલુ જ જોવા મળી રહ્યો છે. વાત છે કચ્છની અબડાસા બેઠકની જ્યા ખુદ AAP ઉમેદવાર દ્વારા ભાજપને ટેકો જાહેર કરાયો છે. જેથી આમ આદમી પાર્ટી સુરત બાદ અહીંયાના ચૂંટણી મેદાનમાંથી પણ દૂર થઇ છે.

    અહેવાલો અનુસાર કચ્છની અબડાસા વિધાનસભા બેઠક સૌથી મોટો ઉલટફેર થયો હતો. અબડાસાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો. AAP ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. સાથે જ તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે “હું આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું અને અબડાસા હિતમાં હું ભાજપમાં જોડાઈ રહ્યો છું.” આમ મતદાનના થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે.

    વિડીયો જાહેર કરીને AAPને કહ્યું બાય-બાય

    રવિવારે (27 નવેમ્બર) અહેવાલો આવી રહ્યા હતા કે અબડાસાના AAP ઉમેદવાર ગાયબ થઇ ગયા છે અને કાર્યકર્તાઓ તેમને શોધવા મથી રહ્યા છે. આપના કચ્છમાં અબડાસાના પ્રભારી અને કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે કે, સવારથી જ વસંત ખેતાણી ગુમ હતા. તેમના ઘરે પણ તેઓ નહોતા. તથા ફોન પણ બંધ આવતો હતો. તેમણે આ અંગે ભાજપના લોકો પર અપહરણ કરાયાનો આક્ષેપ કર્યો હતો, અને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે ઉમેદવાર પર દબાણ કરાયું હોવાનું કહ્યું હતું. બીજી તરફ કચ્છ જિલ્લા પોલીસ વડાએ અપહરણની વાતને નકારી હતી અને તેઓ સ્વયંભૂ ગયા હોવાનું કહ્યું હતું.

    - Advertisement -

    સાંજ સુધીમાં આપ ઉમેદવાર વસંત ખેતાણીએ જાતે વિડીયો જાહેર કરીને આખી વાતનો ફોડ પાડ્યો હતો. વીડિયોમાં તેઓ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાને ટેકો જાહેર કરતા સંભળાઈ રહ્યા હતા.

    આ વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે, “મારુ નામ ખેતાણી વસંતભાઈ વાલજી છે. હું આજે આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું. રાષ્ટ્રહિતમાં અને અબડાસાના હિતમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.”

    સુરતના કંચન જરીવાલાએ પણ આમ જ કર્યું હતું

    જે રીતે અબડાસાના AAP ઉમેદવાર ગાયબ થયા અને બાદમાં વિડીયો જાહેર કરીને ભાજપને સપોર્ટ જાહેર કર્યો, બિલકુલ તેવી જ ઘટના સુરતમાં પણ બની હતી. થોડા દિવસ પહેલા સુરત પૂર્વ બેઠકના AAP ઉમેદવાર કંચન જરીવાલા પણ આ જ રીતે ગાયબ થયા હતા અને બીજા દિવસે સીધા નોડલ અધિકારી સમક્ષ હાજર થઈને પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું.

    કંચન જરીવાલાએ પણ એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે “હું જયારે મારા મતવિસ્તારમાં લોકો સામે જતો હતો ત્યારે લોકો કહેતા કે તમે રાષ્ટ્રવિરોધી અને દેશ વિરોધી પાર્ટીમાંથી ચુંટણી લડો છો માટે તમને સમર્થન આપીશું નહિ આ વાત આવતા મારા અંતરઆત્માનો અવાજ સંભાળીને ઇલેકશન ન લડવાનું નક્કી કર્યું છે. મારા પર કોઈ જાતનું દબાણ નથી.”

    આમ હવે જ્યાં મતદાન માટે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટી માટે તકલીફો વધી રહી છે. જોવાનું એ રહેશે કે ચૂંટણીના દિવસ સુધી તેઓના કેટલા ઉમેદવાર ટકી રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં