Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનતમે સેલિબ્રિટી હશો જયા અમિતાભ બચ્ચન, પણ સભાપતિ પેપરાઝી નથી….વારંવાર અકળાઈ જવું...

    તમે સેલિબ્રિટી હશો જયા અમિતાભ બચ્ચન, પણ સભાપતિ પેપરાઝી નથી….વારંવાર અકળાઈ જવું ફિલ્મોમાં સારું લાગતું હશે, સંસદમાં નહીં

    તેઓ પોતે કહે છે કે તેમને અમિતાભ બચ્ચન પર ગર્વ છે, તો પછી લોકો તેમના નામની સાથે તેમના પતિનું નામ લે તે કેમ પસંદ નથી? આમાં મહિલાઓને વાંધાજનક અથવા અપમાનિત કરવાની કોઈ બાબત આવતી નથી.

    - Advertisement -

    બૉલીવુડનાં જાણીતાં અભિનેત્રી જયા બચ્ચન સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ છે અને હાલ પોતાના આખા નામને કારણે ઘણાં ચર્ચામાં રહે છે. શુક્રવારે (9 ઑગસ્ટ) રાજ્યસભામાં જ્યારે સભાપતિ જગદીપ ધનખડે જયા બચ્ચનને સંબોધિત કરતાં આખું નામ કહ્યું તો સાંભળીને તેઓ ગુસ્સે થઈ ગયાં અને કહ્યું કે પોતે એક કલાકાર છે, ચહેરાના હાવભાવ સમજે છે. સભાપતિનો ‘ટોન’ તેમને ગમ્યો નહીં. ત્યારબાદ સભાપતિએ કડક થઈને જયા બચ્ચનને બેસવા માટે કહ્યું અને સમજાવ્યું – “તમે સેલિબ્રિટી હશો પરંતુ તમારે ગૃહની ગરિમાનું ધ્યાન રાખવું પડશે.”

    જાણવું જોઈએ કે જયા બચ્ચને રાજ્યસભામાં પોતાને ‘જયા અમિતાભ બચ્ચન’ કહેવા પર પહેલીવાર નારાજગી વ્યક્ત કરી હોય એવું નથી. આ અગાઉ પણ થોડા દિવસો પહેલાં જ્યારે ઉપ સભાપતિ હરિવંશ નારાયણ સિંહે તેમને તેમના આખા નામ ‘જયા અમિતાભ બચ્ચન’થી સંબોધ્યાં ત્યારે તેઓ આ બાબતે ગુસ્સે થઈ ગયાં હતાં અને મામલાને નારીવાદનો મુદ્દો બનાવી દીધો હતો.

    જયા બચ્ચને ગુસ્સામાં કહ્યું હતું કે, ઉપસભાપતિ જો જયા બચ્ચન બોલ્યા હોત તો પણ પૂરતું જ હતું. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમના ડૉક્યુમેન્ટ્સમાં આ જ નામ લખવામાં આવ્યું છે, ત્યારે તેમણે કહ્યું, “આ કંઈક નવું શરૂ થયું છે જેથી મહિલાઓ તેમના પતિના નામથી ઓળખાય. તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. તેમની પોતાની કોઈ ઉપલબ્ધિ જ નથી.”

    - Advertisement -

    થોડા દિવસો બાદ જ્યારે ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના સભાપતિ જગદીપ ધનખડે તેમને આ નામથી બોલાવ્યા ત્યારે ફરીથી તેમને વાંધો પડ્યો. જોકે, જગદીપ ધનખડે તેમને સલાહ આપી હતી કે જો તેમને તે નામ પસંદ ન હોય તો તેઓ બદલી શકે છે, પરંતુ જયા બચ્ચને કહ્યું કે તેમને પોતાના પર અને પોતાના પતિ પર ગર્વ છે. તે દિવસે આખો મામલો હસી મજાકમાં શાંત પડી ગયો હતો.

    હવે આજે (9 ઓગસ્ટ) ફરીથી આવું બન્યું હતું. જ્યારે સભાપતિએ ગૃહમાં જયા બચ્ચનને તેમના આખા નામથી બોલાવ્યા ત્યારે તેઓ ફરીથી ગુસ્સે થઈ ગયાં અને ઊભા થઈને કહેવા લાગ્યાં કે, “હું એક કલાકાર છું. હું બોડી લેંગ્વેજ અને ચહેરાના હાવભાવ સમજું છું. સર! માફ કરશો, તમારો ટોન સ્વીકાર્ય નથી. ભલે તમે આસન પર બેઠા છો, પરંતુ અમે તમારા સાથી છીએ.” આ સાંભળીને જગદીપ ધનખડે તેમને ફટકાર લગાવી હતી.

    સભાપતિએ જયા બચ્ચનને કડક સ્વરમાં કહ્યું, “જયાજી, તમારી જગ્યાએ બેસી જાઓ. તમે તમારી એક પ્રતિષ્ઠા ઊભી કરી છે. તમે જાણો છો કે અભિનેતા નિર્દેશકના હિસાબે કામ કરે છે. મેં અહીં આ આસન પર બેસીને જે જોયું છે તે તમે નથી જોયું. તમે મારા ટોન વિશે વાત કરો છો? બસ હવે બહુ થયું. તમે સેલિબ્રિટી હશો, પરંતુ તમારે અહીં ગૃહની ગરિમાનું ધ્યાન રાખવું પડશે.” સભાપતિ તરફથી ઠપકો મળ્યા બાદ જયા બચ્ચને મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે તેમને અધ્યક્ષની વાત કરવાની રીત પસંદ આવી નથી, કોઈ તેમને ઠપકો આપી શકે નહીં, અધ્યક્ષે તેમની માફી માંગવી જોઈએ.

    નોંધનીય છે કે જયા બચ્ચન દ્વારા રાજ્યસભામાં કોઈ વાત પર ગુસ્સે થવું કે નારાજ થવું કોઈ નવી વાત નથી. તેઓ ઘણી વખત જાહેર સ્થળોએ તેમના ચાહકોના વર્તન, પરવાનગી વિના ફોટોગ્રાફ લેવાની પેપરાઝીની રીત, અને તેમના ફેમિલી ટાઈમમાં દખલગીરી પર ગુસ્સે થતાં જોવા મળ્યાં છે. વર્ષ 2021માં બંગાળની ચૂંટણી દરમિયાન જ્યારે તેઓ રેલી કરવા બંગાળ પહોંચ્યાં અને રોડ શો દરમિયાન જ્યારે એક ચાહક તેમની સાથે સેલ્ફી લેવા આવ્યો ત્યારે તેમણે તેને લાફો મારી દીધો હતો.

    આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એવા સવાલો ઉઠ્યા હતા કે જયા બચ્ચનને આટલો ગુસ્સો કેમ આવે છે? આ સવાલના જવાબમાં લોકો ઘણીવાર અભિનેત્રીને અપશબ્દો બોલવા સુધી પહોંચી જતા હતા. તેમને ‘અસભ્ય’ અને ‘ગુસ્સાવાળાં’ કહેવામાં આવતાં હતાં. સોશિયલ મીડિયા પર લખવામાં આવ્યું હતું કે ખબર નહીં અમિતાભ બચ્ચને જયાને કેવી રીતે સહન કર્યાં હશે. આજે ગૃહમાં બનેલી ઘટના બાદ સોશિયલ મીડિયા પર ફરીથી આવી જ ટિપ્પણીઓ થવા માંડી છે. લોકો જયાને નાની-નાની બાબતો પર ગુસ્સે થનાર મહિલા ગણાવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે તેમને તેમના પતિના નામ પર ગર્વ છે તો તે આટલો બધો ગુસ્સો કેમ આવે છે?

    શું ગુસ્સાનું કારણ ક્લોસ્ટ્રોફોબિયા છે?

    ઉલ્લેખનીય છે કે જયા બચ્ચનના ગુસ્સાની ચર્ચા માત્ર મીડિયા અને સોશિયલ મીડિયા યુઝર્સમાં જ નથી થતી. તેમના સંતાનો પોતે પણ સ્વીકારે છે કે તેમનાં માતા ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે. એકવાર કોફી વિથ કરણમાં જયાનાં બંને સંતાન એટલે કે શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચને કહ્યું હતું કે, તેમનાં માતાને ક્લોસ્ટ્રોફોબિયા નામની બીમારી છે. આ એક એવી માનસિક બીમારી છે જેમાં ભીડ જોઈને વ્યક્તિ અચાનક પરેશાન થવા માંડે છે અને ગુસ્સે થઈ જાય છે.

    હવે તે સ્પષ્ટ છે કે કરણના શોમાં પુત્રી શ્વેતાએ જે કહ્યું તે જયા માટે ગુસ્સે થવાનું કારણ હોઈ શકે છે… પરંતુ તેનો અર્થ એવો નથી કે બીમારીના કારણે તેઓએ 70ના દાયકામાં જે છબી બનાવી હતી તેને નષ્ટ કરી દે. આ દાયકામાં તેમણે અભિનેત્રી તરીકે દર્શકોના હૃદયમાં એક સ્થાન બનાવ્યું હતું. આજે પણ લોકો જૂની ફિલ્મો જોઈને તેમના અભિનયની પ્રશંસા કરવામાં કોઈ કસર છોડતા નથી, અને જ્યારે લોકો તેમની રાજકીય સફર વિશે સાંભળે ત્યારે પણ તેમનાં વખાણ કરે છે… તેમને આ બધું તેમની જૂની છબીના કારણે જ મળ્યું છે. તેઓ પોતે કહે છે કે તેમને અમિતાભ બચ્ચન પર ગર્વ છે, તો પછી લોકો તેમના નામની સાથે તેમના પતિનું નામ લે તે કેમ પસંદ નથી? આમાં મહિલાઓને વાંધાજનક અથવા અપમાનિત કરવાની કોઈ બાબત આવતી નથી… તેનાથી વિપરિત, પતિ સાથેનું નામ દર્શાવે છે કે જ્યારે અમિતાભ બચ્ચન અભિનય સુધી મર્યાદિત રહ્યા, ત્યારે તેમની પત્ની જયા બચ્ચને આગળ વધીને પોતાની ઓળખ બનાવી છે.

    ફિલ્મ જગતમાં કોઈ મુદ્દે હંગામો મચાવવો અને ગુસ્સે થવું એ ક્રાંતિકારી ગણાય છે, પણ એ પડદા પરની દુનિયા છે. સામાન્ય જીવનમાં પણ નાની-નાની બાબતો પર ગુસ્સે થનાર વ્યક્તિને તેનું વર્તન સુધારવાની સલાહ આપવામાં આવે છે. બોલતી વખતે અને કોઈપણ બાબતની પ્રતિક્રિયા આપતી વખતે તેને નિયંત્રિત રહેવાનું કહેવામાં આવે છે. ત્યારે જયા બચ્ચન એક આદરણીય અભિનેત્રી અને વર્તમાન સાંસદ બંને છે. જયા બચ્ચને પોતે વિચારવું જોઈએ કે સાર્વજનિક જીવનમાં જીવતી વખતે ગુસ્સાને પોતાના પર કેટલો હાવી થવા દેવો જોઈએ. પાપારાઝીથી લઈને સ્પીકર સુધીના દરેકને સમાન રીતે જોવા તે કેટલી હદે યોગ્ય છે તે જયા બચ્ચને જાતે વિચારવું જોઈએ. તેમણે એ પણ વિચારવું જોઈએ કે આટલું બધું પ્રાપ્ત કર્યા પછી જો કોઈ અન્ય તેમને તેમના આખા નામથી બોલાવે છે, તો શું તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ સમાપ્ત થઈ જશે?

    (લેખ મૂળ રીતે હિન્દીમાં જયંતી મિશ્રા દ્વારા લખવામાં આવ્યો છે, જે અહીંથી ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં