અયોધ્યામાં પછાત વર્ગની બાળકી સાથે થયેલા ગેંગરેપ કેસનો મુદ્દો તાજેતરમાં ચર્ચામાં છે. જોકે, વારંવાર સ્ત્રી સશક્તિકરણ અને મહિલા હિતની વાતો કરીને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી વિપક્ષી ટોળકી આ વખતે મૌન ધારણ કરીને બેઠી છે. કારણ કે, ગેંગરેપનો મુખ્ય આરોપી સમાજવાદી પાર્ટીનો નેતા છે અને અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો માણસ છે. વધુમાં સમુદાય વિશેષમાંથી આવે છે. સપા નેતાઓ પણ આ ઘટના વિશે મૌન છે. ઘટનાની ટીકા કરવી તો દૂર પણ તેમની વાતો પરથી લાગી રહ્યું છે કે આરોપીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવ અને અવધેશ પ્રસાદે આવી દુઃખદ અને સંવેદનશીલ ઘટનામાં પણ રાજકારણ રમવાનું બંધ ન કર્યું. તેઓ આ ઘટનામાં પણ હિંદુ-મુસ્લિમ મુદ્દાને લઈ આવ્યા છે. અખિલેશ યાદવે DNA ટેસ્ટ કરવાની માંગણી કરી છે તો અવધેશે CM યોગીને મુસ્લિમ અને યાદવોના દુશ્મન ગણાવી દીધા છે.
અયોધ્યાની ઘટના બાદ હમણાં સુધી મૌન રહેલા અખિલેશ યાદવે આખરે મૌન તોડ્યું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખે પોસ્ટ કરતાં કહ્યું છે કે, આરોપીઓના DNA ટેસ્ટ કરવામાં આવવા જોઈએ. જોકે, આડકતરી રીતે તેઓ મુખ્ય આરોપીને બચાવવા મથતા હોય તેવું જણાઈ આવે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “કુકૃત્યના મામલામાં જેના પર પણ આરોપ લાગ્યો છે, જેનો DNA ટેસ્ટ કરીને ન્યાયનો માર્ગ કાઢવામાં આવે, ન કે માત્ર આરોપ લગાવીને રાજકારણ કરવામાં આવે. જે પણ દોષી છે, તેને કાયદા અનુસાર, સંપૂર્ણ સજા આપવામાં આવે, પરંતુ DNA ટેસ્ટ બાદ આરોપો જુઠ્ઠા સાબિત થાય તો સરકારના સંલિપ્ત અધિકારીઓને પણ છોડવામાં ન આવે. આ જ ન્યાયની માંગ છે.”
कुकृत्य के मामले में जिन पर भी आरोप लगा है उनका DNA TEST कराकर इंसाफ़ का रास्ता निकाला जाए न कि केवल आरोप लगाकर सियासत की जाए। जो भी दोषी हो उसे क़ानून के हिसाब से पूरी सज़ा दी जाए, लेकिन अगर DNA TEST के बाद आरोप झूठे साबित हों तो सरकार के संलिप्त अधिकारियों को भी न बख्शा जाए।…
— Akhilesh Yadav (@yadavakhilesh) August 3, 2024
અહીં ઘટના પર રાજકારણ ન રમવાનું કહીને પણ અખિલેશ યાદવ પોતે રાજકારણ રમી રહ્યા છે. જો આરોપી સપા નેતાનો નજીકનો માણસ કે, સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલો અને ખાસ તો ‘મુસ્લિમ’ ન હોત, તો આ જ સપા પ્રમુખે કેવું સ્ટેન્ડ લીધું હોત? અત્યારે મૌન વિપક્ષ શું આમ જ મૌન રહ્યો હોત? પરંતુ આ વખતે આખી ઇકોસિસ્ટમ ચૂપ છે, કારણ કે, આરોપી મુસ્લિમ છે અને સપા સાંસદનો નજીકનો માણસ છે. તેથી જ હવે DNA ટેસ્ટ કરીને આરોપ સાબિત કરવાની સલાહો આપવામાં આવી રહી છે.
બીજી તરફ અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદને પણ આવી સંવેદનશીલ ઘટનાને વખોડવાને બદલે તેમાં હિંદુ-મુસ્લિમ મુદ્દાને ઢસડી લાવવાનું વધુ યોગ્ય લાગ્યું. એકવાર પણ સપા નેતાઓએ આ ઘટનાને વખોડી નથી કે, તેની ટીકા સુદ્ધાં કરી નથી અને હવે દોડી આવ્યા છે મુખ્ય આરોપીને બચાવવા માટે. સપા સાંસદ અવધેશે મીડિયા સાથે વાત કરતી વખતે આ ઘટનામાં હિંદુ-મુસ્લિમ મુદ્દાને ઘૂસાડ્યો હતો. મુખ્ય આરોપી મોઈદ ખાનની બેકરી પર સરકારે બુલડોઝર ફેરવી દેતા સપા સાંસદે CM યોગીને ટાર્ગેટ કર્યા છે. તેમણે CM યોગીને મુસ્લિમોના દુશ્મન ગણાવી દીધા છે. જોકે, સરકારી જમીન પર તાણી બાંધેલા કોઈપણ બાંધકામને ‘જાતપાત’ જોયા વગર તોડી જ પાડવાનાં હોય. કોઈને પણ ગેરકાયદેસર દબાણ ઊભું કરવાનું લાયસન્સ નથી મળી જતું. જોકે, મોઈદ ખાન સંવેદનશીલ કેસમાં મુખ્ય આરોપી પણ છે.
સપા સાંસદે બુલડોઝર કાર્યવાહીની ઘટના પર કહ્યું કે, “મુખ્યમંત્રીજીની ખૂબ જૂની વિચારધારા છે. મુસ્લિમ અને યાદવ સાથે તેમની કઈ દુશ્મની છે, તે તો હું જણાવી પણ નથી શકતો. સમાજવાદી પાર્ટી તો હંમેશા અન્યાય વિરુદ્ધ લડાઈ લડી છે. મુલાયમ સિંઘની સાથે એક વિચારધારા હતી, અમે લોકો તો સંઘર્ષ માટે નીકળ્યા છીએ.” તેમણે મીડિયા સામે આવીને મોટી-મોટી વાતો કરી નાખી, પરંતુ બાળકી પ્રત્યે સંવેદના અને આરોપીઓની ટીકા કરવાનું ભૂલી ગયા. કારણ કે, આરોપી તેમનો નજીકનો માણસ છે અને સમાજવાદી પાર્ટીનો નેતા પણ. બીજી તરફ તેમણે મુલાયમ સિંઘ યાદવના ભારે ગુણગાન પણ ગાયા છે.
#WATCH | On the demolition drive at the bakery of SP leader Moeed Khan, the main accused in the gang rape of a minor girl, Faizabad (Ayodhya) MP Awadhesh Prasad says, "This is a very old ideology of Chief Minister (Yogi Adityanath) and we cannot tell what enmity he has with… https://t.co/g3fvOl0jkN pic.twitter.com/X90BDwJbAQ
— ANI (@ANI) August 3, 2024
તેમણે કહ્યું કે, મુલાયમ સિંઘ યાદવની વિચારધારા સાથે તેઓ સંઘર્ષ પર નીકળ્યા છે. પરંતુ અખિલેશ યાદવના પિતાની વિચારધારા જાણવી પણ ખૂબ જરૂરી છે. મુલાયમ યાદવે એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે વર્ષો સુધી તેમની સાથે જોડાયેલું રહ્યું. તેમણે 2014માં મોરાદાબાદમાં એક રેલી સંબોધતાં રેપ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “લડકે, લડકે હૈ, ગલતી હો જાતી હૈ.’ તેમણે કહ્યું હતું કે, “યુવતીઓ પહેલાં મિત્રતા કરે છે. યુવક-યુવતી વચ્ચે મતભેદ થઈ જાય છે. મતભેદ થયા બાદ તેને રેપનું નામ આપી દે છે. છોકરાઓથી ભૂલ થઈ જાય છે તો શું રેપ કેસમાં ફાંસી આપી દેશો?” આ નિવેદનનો ત્યારે ખૂબ વિરોધ થયો હતો. હવે આ જ વિચારધારા સાથે જોડાયેલા તેમના શિષ્યો પાસેથી અપેક્ષા પણ શું હોય શકે?
વિપક્ષો ઘટનાઓ પર ટિપ્પણીઓ અને ન્યાયની માંગ પણ પાર્ટી, ધર્મ-મઝહબ અને અન્ય ઘણી બાબતો જોઈને કરે છે. પ્રશ્ન એ છે કે આરોપી સમાજવાદી પાર્ટીનો હોવાના કારણે સીધી તેના DNA ટેસ્ટની માંગ કરી દેવી? શું રેપ જેવા સંવેદનશીલ મામલામાં DNA ટેસ્ટ કરીને નક્કી કરવામાં આવશે કે આખરે કેસ સાચો છે કે નહીં? આ બાબતની ગંભીરતા એટલા માટે દેખાઈ નથી રહી, કારણ કે આપણું તથાકથિત તટસ્થ મેઈનસ્ટ્રીમ મીડિયા મુખરતાથી રિપોર્ટિંગ કરવાથી બચી રહ્યું છે. એક ઇકોસિસ્ટમના કથિત પત્રકારોએ તો મોઢામાં મગ ભરી રાખ્યા છે, કારણ કે INDI ગઠબંધનની પાર્ટી છે. શું આવું જ નિવેદન કોઇ સરકારમાં બેઠેલા વ્યક્તિએ કર્યું હોત તો આ ટોળકી ચૂપ રહી હોત? ન જ રહેવું જોઈએ, પણ સમસ્યા ત્યાં છે કે હાલ તેઓ ચૂપ છે.
આમ કાયમ INDI ગઠબંધનના નેતાઓ મહિલા સુરક્ષાની વાતો કરતા રહે છે અને કરવી પણ જોઈએ. વિપક્ષનું કામ છે કે આવા સંવેદનશીલ મુદ્દાઓ પર સરકારને સચેત રાખે. પરંતુ જ્યારે પોતાની પાર્ટીના નેતાઓની કરતૂતો સામે આવે ત્યારે એક તો કશું બોલવું નહીં અને ઉપરથી DNA ટેસ્ટ અને કાર્યવાહી સામે વિરોધની વાતો કરવી? આનાથી રાજકારણમાં સંદેશ શું જશે? કાયમ નૈતિકતાની વાતો કરતી પાર્ટીઓનું આવું વલણ જ દર્શાવે છે કે તેમના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે.