Friday, September 27, 2024
More
    હોમપેજસ્પેશ્યલએક દાયકામાં ઘણું બદલાયું કાશ્મીર, પણ મઝહબી કટ્ટરતા અને હિંદુદ્વેષ યથાવત…અર્ચના તિવારીએ...

    એક દાયકામાં ઘણું બદલાયું કાશ્મીર, પણ મઝહબી કટ્ટરતા અને હિંદુદ્વેષ યથાવત…અર્ચના તિવારીએ ઉજાગર કર્યાં તો વામપંથીઓને તકલીફ કેમ?

    સવાલો પૂછવા અને તેના ઉત્તરો મેળવવા... આ જ પ્રક્રિયા પત્રકારો ગ્રાઉન્ડ પર જઈને ફોલો કરે છે. અર્ચના પણ પોતાનું કામ જ કરી રહ્યાં હતાં. તેમાં તકલીફ કેમ થઈ રહી છે?

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. જેમ દર ચૂંટણીમાં થાય છે એમ વર્ષો બાદ યોજાઇ રહેલી આ ચૂંટણીને પણ કવર કરવા માટે અને સામાન્ય કાશ્મીરીઓના મિજાજને જાણવા માટે અનેક પત્રકારો ગ્રાઉન્ડ પર જઈને રિપોર્ટિંગ કરી રહ્યા છે. દરમિયાન તેઓ સામાન્ય કાશ્મીરીઓને કેટલાક સવાલો પૂછે છે, જેનો જવાબ પત્રકારો જનતા સામે લાવીને રાખે છે. અનેક પત્રકારોમાં એક નામ ચર્ચાનો વિષય બન્યું છે. તે છે ‘ધ રાજધર્મ’નાં પત્રકાર અર્ચના તિવારીનું. તેઓ પણ આ સમયે કાશ્મીરમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને, કાશ્મીરી નાગરિકો સાથે વાત કરીને તેમના મંતવ્યો સામાન્ય લોકો સુધી પહોંચાડી રહ્યાં છે.

    2014 બાદ કાશ્મીરમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. 2019માં ચૂંટણી યોજાવાની હતી, પણ આર્ટિકલ 370 હટાવીને રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દેવામાં આવ્યા બાદ ચૂંટણી થઈ ન શકી. હવે 2024માં એક દાયકા બાદ થઈ રહી છે. આર્ટિકલ 370 હટાવાયા બાદ છેલ્લાં 5 વર્ષમાં કાશ્મીર અનેક ક્ષેત્રોમાં આગળ વધ્યું છે. ઘણી પરિસ્થિતિઓમાં પરિવર્તન પણ આવી ગયું છે. પહેલાં જ્યાં માત્ર મઝહબી ઉન્માદ અને આતંકી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, આજે ત્યાં દેશની સૌથી સુંદર ટ્રેનો અને સ્કૂલ-કોલેજો ચાલી રહી છે. જે યુવાનો અને બાળકો હાથમાં પથ્થરો પકડીને સેનાના જવાનો પર પ્રહાર કરતા હતા, તે બાળકો અને યુવાનોના હાથમાં મોદી સરકાર પુસ્તકો પકડાવીને પરિવર્તનની એક મશાલ સળગાવી રહી છે. કાશ્મીર ઘાટીની આવી સકારાત્મક અને વિકાસશીલ તસવીર ભારતીયોમાં આશાની એક કિરણ જગાવી રહી છે.

    પણ આ કાશ્મીરની એક બીજી બાજુ પણ છે, જે સામે લાવવાનું કામ અર્ચના તિવારીએ કર્યું છે. તેમણે નવું કશું જ નથી કર્યું, રિપોર્ટિંગ દરમિયાન ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચ્યાં છે અને સ્થાનિકો સાથે વાત કરીને તેમની વાતોને દુનિયા સામે મૂકી છે. ફેર માત્ર એટલો છે કે તેમના પ્રશ્નોમાં ક્યાંય ઢાંકપિછોડો કરવાની વાત હોતી નથી કે ન કશું છુપાવવાનું હોય છે. જે પ્રશ્નોને બાકીના અમુક પત્રકારો ‘સંવેદનશીલ’ ગણીને ટાળતા રહેતા હોય છે, તેને પણ અર્ચના બેબાકીથી પૂછી જાણે છે.

    - Advertisement -

    આ રિપોર્ટિંગના કારણે એ વાત સામે આવી છે કે, વિકાસ અને પ્રગતિ ભલે વધ્યાં હોય, પણ હિંદુઓ પ્રત્યેનો દ્વેષ અને મઝહબી કટ્ટરતામાં હજુ ફેર પડ્યો નથી. આજે પણ ત્યાં સ્થાનિક મુસ્લિમોના હિંદુઓ પ્રત્યેના વિચારો બદલાયા નથી કે આજે પણ તેઓ મંદિરોને નફરતભરી નજરે જ જુએ છે.

    અર્ચનાએ તે જ કર્યું છે જે એક પત્રકાર તરીકેની તેમની ફરજ હતી. તેઓ માત્ર એક માઇક્રોફોન અને કેમેરા લઈને કાશ્મીરના છેવાડાના ગામડા સુધી ગયાં, સ્થાનિક કાશ્મીરીઓ સાથે વાત પણ કરી, કાશ્મીરીઓએ વિડીયોમાં તે પણ સ્વીકાર્યું હતું કે, કાશ્મીરમાં સુરક્ષા અને વિકાસની સ્થિતિમાં ઘણું પરિવર્તન થયું છે. પણ બીજી તરફ, તે જ સ્થાનિક કાશ્મીરીઓએ ઘાટીમાં હિંદુઓના વસવાટને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠાવ્યા અને એવી કેટલીક ટિપ્પણીઓ કરી, જેની પછીથી ચર્ચા પણ ઘણી થઈ.

    સ્થાનિક કાશ્મીરીઓએ કેમેરા સામે ઓકયું ઝેર

    કાશ્મીરના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દરમિયાન અર્ચના તિવારીને મુશ્તાક નામનો એક કટ્ટરપંથી ઇસ્લામી ભટકાઈ જાય છે. તેણે ખુલ્લેઆમ કેમેરા પર કહ્યું હતું કે, હિંદુઓ તેમની જમીન પર આવશે, રહેશે, દારૂ પીશે તો સ્થાનિક લોકો તેને મારશે જ. આ સાથે જ તેણે વિડીયોમાં તેવું પણ કહ્યું કે, જો તેમના વિસ્તારમાં કોઈ હિંદુ મંદિર બનશે તો તેઓ (મુસ્લિમોએ) તેને સળગાવી નાંખશે. આ વિડીયો પોસ્ટ થયા બાદ ઘણા લોકોએ તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. લોકો વિચારવા પર મજબૂર થઈ ગયા કે, 90ના દાયકામાં પણ આવી જ માનસિકતાના કટ્ટરપંથીઓ કાશ્મીરમાં રહ્યા હશે. જેના કારણે જ કાશ્મીરી પંડિતોનો નરસંહાર થયો હશે.

    કોઈ શખ્સ ખુલ્લેઆમ એક ‘બિનસાંપ્રદાયિક’ અને ‘હિંદુ બહુમતી’વાળા દેશમાં આ રીતે બેફામ હિંદુવિરોધી નિવેદન આપે અને તે પણ ઓન કેમેરા તો તે વિચારવા જેવી અને ગંભીર બાબત ગણાય. અર્ચનાએ પોતાના વિડીયોમાં વારંવાર મુશ્તાકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, તેઓ પોતે પણ હિંદુ છે અને કોઈ મુસ્લિમ તેમના વિસ્તારમાં રહે તો તેમને કોઈ સમસ્યા નથી ઊભી થતી તો પછી મુસ્લિમોને વાંધો શું છે? અર્ચનાની વાત સાંભળ્યા બાદ પણ મુશ્તાક વારંવાર કહેતો રહ્યો હતો કે, તે મુસલમાન છે અને તેને એ વાતથી પ્રોબ્લેમ છે કે, કોઈ હિંદુ મંદિર બને અને હિંદુ ત્યાં પૂજા કરવા જાય.

    મુશ્તાક મિયાં આટલે જ નહીં અટકતા, પણ ભાજપને મત ન આપવા પાછળ તેનો એવો તર્ક છે કે, તેમણે મસ્જિદની સામે મંદિર બનાવ્યાં, મસ્જિદની જમીન લઈને ત્યાં મંદિર બનાવ્યું. જોકે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય તો તેમના માટે માત્ર એક મનોરંજનનું સાધન જ રહ્યું. અન્ય એક મોહમ્મદ સાંખ નામના વ્યક્તિએ પણ ભાજપ અને મોદી સરકારને ટાર્ગેટ કરીને ઓન કેમેરા કહી દીધું કે, કાશ્મીરીઓ મત ભાજપને હટાવવા માટે આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, મોદી સરકારે તેમની પાસેથી બધુ છીનવી લીધું છે. જોકે, વાત તો તેમની સાચી છે. મોદીએ કાશ્મીરમાંથી આતંકવાદ, કટ્ટરવાદ, મઝહબી ઉન્માદ અને ઘણા પરિવારોની રોજગારી છીનવી લીધી છે. એટલે દુઃખ થવું સ્વાભાવિક છે.

    આ તો માત્ર બે ઉદાહરણો જ છે. અર્ચનાના વિડીયોમાં મઝહબી કટ્ટરતા, હિંદુઓ અને ભારત સરકાર પર ભારોભાર નફરત અને મઝહબી ઉન્માદ આખા કાશ્મીરમાં જોવા મળતો નજરે ચડે છે. ખાસ વાત તો તે છે કે, એક પત્રકારના માત્ર આ કવરેજના કારણે તેના વિરુદ્ધ આખું એક ષડયંત્ર ઊભું કરી દેવામાં આવ્યું છે, માત્ર એટલા માટે તેમના વિરુદ્ધ અભિયાન શરૂ થયું કે, તેમણે કાશ્મીરીઓને કેટલાક પ્રશ્નો પૂછવાની હિંમત કરી દીધી. જો અર્ચનાએ બરખા દત્ત જેવું ‘ક્રાંતિકારી’ પત્રકારત્વ કર્યું હોત તો આ જ ઇકોસિસ્ટમ તેમને માથે ચડાવીને બેસાડી દેત.

    ઇકોસિસ્ટમના ટાર્ગેટ પટ અર્ચના તિવારી

    અર્ચના તિવારીના વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને લઈને ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા. લોકો કાશ્મીરના સ્થાનિક મુસ્લિમોને લઈને ચર્ચાઓ કરી રહ્યા હતા અને માનસિકતા બદલવા માટેની સલાહો આપી રહ્યા હતા. યોગ્ય સમયની રાહ જોયા બાદ ઇકોસિસ્ટમ મેદાનમાં ઉતરી આવી અને કટ્ટરપંથી મુસ્લિમોના સમર્થનમાં ઢાલ બનીને ઊભી રહી. ત્યાં સુધી તો સમજ્યા કે, તે લોકોનું કામ જેહાદ અને કટ્ટરપંથ પર ઢાંકપિછોડો કરવાનું જ છે, એટલે કટ્ટરપંથી મુસ્લિમોના સમર્થનમાં તેઓ આવે તેમાં કોઈ આશ્ચર્ય નહીં. પરંતુ વાંધો ત્યાં છે કે, આ ઇકોસિસ્ટમે દોષનો તમામ ટોપલો અર્ચના તિવારી પર ઢોળી દીધો.

    તેમના મતે આ કટ્ટરપંથી મુસ્લિમો ‘માસૂમ’, ‘ઓછું ભણેલા’ છે અને અર્ચના તિવારી તેમના મનમાં ઝેર ભરી રહી છે. આ કેવી વાત થઈ? કાલે ઊઠીને કોઈ વિદ્યાર્થી પરીક્ષા નહીં આપે અને કહેશે કે, એજ્યુકેશન સિસ્ટમ મનમાં ઝેર ભરી રહી છે. પ્રશ્ન ગમે તે હોય, ગંભીર હોય, સરળ હોય કે ચાહે અતિગંભીર હોય.. પરંતુ પ્રશ્ન પૂછવાથી મનમાં ઝેર ઘોળાઈ જાય એ વાત કોઈને પણ ના પચે.

    અર્ચનાના વિડીયો બાદ કાશ્મીરી મુસ્લિમોની કટ્ટરતા પર સવાલ ઊઠવાના શરૂ થવા લાગ્યા એટલે તરત જ આ ઇકોસિસ્ટમનો એલાર્મ વાગવા લાગ્યો અને તેમાનો એક સિપાહી આવીને ‘જ્ઞાન’ આપવા લાગ્યો. ધીરે-ધીરે તેની આખી ગેંગ ‘જ્ઞાન’ આપવાના ભગીરથ કાર્યમાં જોડાઈ ગઈ. ‘પત્રકારો’ પણ આ બાબતથી અળગા ન રહ્યા. ‘આવાજ ધ વોઇસ’, ‘સલામ ટીવી’, ‘ગ્રેટર કાશ્મીર’, ‘મુસ્લિમ મિરર’ વેગેરે માટે લખતી ‘પત્રકાર’ યાસ્મીન ખાને X પર પોસ્ટ કરીને અર્ચના તિવારીને ટાર્ગેટ કર્યાં. યાસ્મીન અર્ચના તિવારીને ‘પત્રકાર’ નથી માનતી અને તે ઈચ્છે છે કે, કાશ્મીરમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરવાને લઈને અર્ચનાને જેલભેગી કરવી જોઈએ. કારણ કે, અર્ચનાના રિપોર્ટિંગથી કાશ્મીરીઓનો ‘ખોટો ચહેરો’ દુનિયા સામે આવી રહ્યો છે.

    પોતાની પોસ્ટમાં અર્ચનાના નામનો ઉલ્લેખ કર્યા વગર જ યાસ્મીને લખ્યું કે, “કાશ્મીરમાં એક હેરાન કરનારો પ્રયાસ થઈ રહ્યો છે. એક યુ-ટ્યુબર રસ્તા પર ઉતરીને માસૂમ, ઓછું ભણેલા લોકોને મંદિર, મસ્જિદ અને દારૂ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાના વિચાર પૂછી રહી છે. લોકોમાં સમજની ઉણપ હોવાનો ફાયદો ઉઠાવીને પોતાના નેરેટિવ ચલાવી રહી છે. તેનાથી આપણાં કાશ્મીરીઓને ખતરો છે. મારી વિનંતી છે કે, શ્રીનગર પોલીસ આવા વ્યક્તિઓની ધરપકડ કરે અને અમારા સમુદાયને આ જોખમમાંથી બચાવે.”

    તે સિવાય JK યૂથ સોસાયટીની ઉપાધ્યક્ષ યાના મીરે પણ અર્ચનાની રિપોર્ટિંગ કરવાની પદ્ધતિને લઈને વાંધો ઉઠાવ્યો હતો. તેણે પણ X પર પોસ્ટ કરીને કહ્યું કે, અર્ચના કાશ્મીરીઓને બદનામ કરવાના પ્રયાસ કરી રહી છે. યાનાનો દાવો છે કે, અર્ચના જાણીજોઈને સંકુચિત માનસિકતાના લોકોને સવાલ પૂછી રહી છે, જેથી કાશ્મીરને બદનામ કરી શકાય. આ સાથે જ તેણે પણ આખી પોસ્ટમાં ‘જ્ઞાન’ આપવાનું સતત ચાલુ રાખ્યું હતું. પરંતુ હરામ બરાબર જો એક શબ્દ પણ તે કટ્ટરપંથી જેહાદી મુસ્લિમો વિશે કહ્યો હોય. જેણે હિંદુ મંદિરને સળગાવવાની વાત કરી, હિંદુઓને મારવાની વાત કરી, તેવા લોકોની કટ્ટરતા પર એકપણ શબ્દ નહીં અને સામાન્ય પ્રશ્ન પૂછનાર પત્રકાર પણ સીધું વરસી જ પડવું છે!

    તે સિવાય કથિત માનવાધિકાર કાર્યકર્તા અને ‘જેકે સેવ યુથ સેવ ફ્યુચર’નો અધ્યક્ષ વજાહત ફારૂક ભટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અર્ચના પર બાળકો અને કાશ્મીરના ‘માસૂમ’ લોકોના મનમાં ઝેર ભરવાનો આરોપ લગાવ્યો છે. તેણે પોસ્ટ પર લખ્યું કે, “જ્યારથી આ કટ્ટરપંથી યુટ્યુબર કાશ્મીરમાં આવી છે, ત્યારથી તે જાણીજોઈને કાશ્મીરના માસૂમ લોકો અને બાળકોના મનમાં ઝેર ભરી રહી છે. સ્થાનિક લોકોને ભારત અને હિંદુ ધર્મના વિરોધમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે.” આ સાથે જ તેણે પણ લાંબોલચક નિબંધ લખીને પોતાનું ‘મહાજ્ઞાન’ પીરસવાનો પ્રયાસ કર્યો હતો અને અર્ચના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

    પ્રશ્ન પૂછવા, વાસ્તવિકતા બહાર લાવવી, અરીસો દેખાડવો.. ગુનો છે?

    ઉપર દર્શાવેલા ઇકોસિસ્ટમના સભ્યો સિવાય પણ અનેક લેફ્ટિસ્ટો અને ઇસ્લામવાદીઓએ અર્ચના તિવારીને ટાર્ગેટ કર્યા છે અને ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. અહીં સામાન્ય પ્રશ્ન એ છે કે, શું કોઈને પ્રશ્ન પૂછવા માત્રથી તેમના મનમાં ઝેર ઘોળી શકાય? વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અર્ચનાએ મુશ્તાકને માત્ર એ સવાલ કર્યા હતા કે, કયા કારણોસર તેઓ ભાજપને મત નથી આપતા…તેમાંનો એક પણ પ્રશ્ન ગોળગોળ ફેરવીને નથી પૂછાયો અને ન તો તેમાં કઈ ઝેર ઘોળવા લાયક હતું. પરંતુ, આવા સામાન્ય અને સરળ સવાલમાં પણ જો હિંદુઘૃણા દેખાડવામાં આવે તો તેમાં અર્ચનાની શું ભૂલ? ન તો અર્ચનાએ કોઈ દબાણ કર્યું કે ન તો અર્ચનાએ તેને કન્ફ્યુઝ કર્યા, તેમ છતાં તેમણે આવા નિવેદનો આપ્યા તો ભૂલ અર્ચનામાં નહીં પરંતુ આવા નિવેદનો આપનારા કટ્ટરપંથી જેહાદીઓમાં છે અને તેનાથી વધુ ભૂલ તેનો પાંગળો બચાવ કરતાં હલકી કક્ષાના ક્રાંતિવીરોમાં છે.

    કાશ્મીરમાં રિપોર્ટિંગ કરતી વખતે અર્ચનાએ એક કાશ્મીરી બાળક ઉમરનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જે ભારતીય સેનાના જવાનોને હીરો માને છે, તે માને છે કે સૈનિકો દેશના લોકો માટે વીરગતિ પ્રાપ્ત કરે છે અને તેનો પ્રિય ક્રિકેટર પણ વિરાટ કોહલી છે. અર્ચનાએ એક વૃદ્ધ વ્યક્તિનો વિડીયો પણ મૂક્યો છે, જે કહે છે કે આટલા વર્ષો પછી કાશ્મીરમાં શાંતિ જોવા મળી છે. હવે જો આ લોકોની પ્રતિક્રિયાઓ પોસ્ટ કરવી ખોટું નથી અથવા તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો ખોટા નથી, તો પછી મુશ્તાક અને અન્ય કટ્ટરપંથી મુસ્લિમોને પૂછવામાં આવેલા પ્રશ્નો કે તેમને લઈને કરવામાં આવેલી પોસ્ટ કઈ રીતે ખોટી હોય શકે?

    સવાલો પૂછવા અને તેના ઉત્તરો મેળવવા… આ જ પ્રક્રિયા પત્રકારો ગ્રાઉન્ડ પર જઈને ફોલો કરે છે. અર્ચના પણ પોતાનું કામ જ કરી રહ્યાં હતાં. પરંતુ કેટલાક કટ્ટરપંથીઓ બેફામ નિવેદનો આપે તો તેને પત્રકાર તરીકે સમાજ સામે મૂકવા પણ જરૂરી બની જાય છે.

    સ્થાનિક મુસ્લિમોના આ કટ્ટરપંથ અને મઝહબી માનસિકતા ઉજાગર થઈ જાય એ કાશ્મીરી ઇસ્લામીઓ અને તેમના વામપંથી સાથીઓને પોસાય એમ નથી. તેમણે નરેટિવ પર પોતાનું નિયંત્રણ રાખવું છે. તેઓ ઇચ્છે છે કે પત્રકારો એ જ રીતે રિપોર્ટિંગ કરે, જે રીત તેઓ ઇચ્છે છે. એ જ માહિતી દેશ સુધી પહોંચવી જોઈએ, જે તેઓ પહોંચાડવા માંગે છે, તે પણ તેમની જ પદ્ધતિ સાથે. પત્રકારોએ પણ હળવા અને સરળ પ્રશ્નો જ પૂછવા જોઈએ, જેથી તેમના ભાઈઓ કેમેરા સામે બોલતી વખતે કોઈ ‘ભૂલ’ ન કરી બેસે અને તેમણે એજન્ડા ચલાવવા માટે કરેલી મહેનત પર પાણી ન ફેરવાય જાય. પણ દર વખતે નરેન્દ્ર મોદી જ આઉટ ઑફ સિલેબસ નહીં આવે, ક્યારેક અર્ચના તિવારી પણ આવી જાય છે! સુનને કી ક્ષમતા રખિયે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં