અયોધ્યાના ભવ્ય રામ મંદિરના સ્વર્ણમંડિત શિખર પર ધર્મધ્વજનું સ્થાપન એક એવી અદ્વિતીય, ઐતિહાસિક અને યુગપ્રવર્તક ઘટના છે, જે આવનારી સદીઓ સુધી એ વાતનું સ્મરણ કરાવતી રહેશે કે સનાતન સંસ્કૃતિ કેમ અવિનાશી છે. આ મંદિર માત્ર એક મંદિર નહીં પણ સનાતન સભ્યતાના શાશ્વત સ્થાયિત્વનું પ્રતીક છે. તેના ભવ્ય શિખર પર લહેરાતી ધ્વજ પતાકા સનાતન પુનર્જાગૃતિના સંકલ્પની સિદ્ધિનું પ્રતિરૂપ છે.
રામ મંદિર માટેના સંઘર્ષ સાથે જોડાયેલી અમુક તારીખો ઇતિહાસમાં અમર થઈ ગઈ છે. રામભક્તોની સ્મૃતિમાં અંકિત થઈ ગઈ છે. આજે તેમાં વધુ એક તારીખ ઉમેરાઈ. 6 ડિસેમ્બર, 1992ના પવિત્ર દિવસે બાબરી ઢાંચો દૂર કરીને રામ જન્મભૂમિ પર મંદિરનિર્માણ માટેના સંકલ્પનો પુનરોચ્ચાર થયો. 9 નવેમ્બર, 2019ના દિવસે આખરે સુપ્રીમ કોર્ટે સત્તાવાર રીતે મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો. 5 ઑગસ્ટ, 2020ના રોજ મંદિરની પહેલી શિલા મૂકાઈ. 22 જાન્યુઆરી, 2024ના પવિત્ર અને ઐતિહાસિક દિવસે પ્રભુ શ્રીરામ મંદિરમાં બિરાજમાન થયા. આજે 25 નવેમ્બર, 2025ના વિવાહ પંચમીના શુભ દિવસે મંદિર પર ધર્મધજાનું સ્થાપન થયું.
ધર્મધજાની સ્થાપના એ કોઈ પણ મંદિરના નિર્માણકાર્યની પૂર્ણાહૂતિની ઔપચારિક ઘોષણા હોય છે. પરંતુ રામ મંદિર પર ધ્વજસ્થાપના એ માત્ર મંદિરનિર્માણ નહીં પણ પાંચસો વર્ષોના સંઘર્ષની સુખદ પૂર્ણાહૂતિની પણ ઘોષણા છે.
પાંચસો વર્ષ એટલે મોટો કાળખંડ થઈ ગયો. દુનિયા 1500ની સદીમાં હતી તેનાથી આજે કેટલી બદલાઈ ગઈ. ક્યાં પહોંચી ગઈ. કેટલાં પરિવર્તનો આવ્યાં. માનવ સભ્યતા કેટલી આગળ પહોંચી ગઈ. હિંદુ સમાજ પણ બદલાયો, પણ એ સંકલ્પ ન ભૂલ્યો, જે ઇસ્લામી આક્રાંતાએ મંદિર ધ્વસ્ત કર્યા બાદ ફરી એ જ સ્થળે પ્રભુને બિરાજમાન કરવા માટે લેવામાં આવ્યો હતો.
કરોડો સનાતનીઓના આ સામૂહિક સંકલ્પની સિદ્ધિ માટે અનેક પેઢીઓએ સંઘર્ષ કર્યો. અનેક હુતાત્માઓ બલિદાન થયા. મંદિરની પુનઃસ્થાપના માટે ચળવળો ચલાવી, જે માનવીય ઇતિહાસની સંભવતઃ સૌથી મોટી ચળવળ હશે. આરાધ્યને એક તંબૂમાં રહેતા જોયા. જરૂર પડ્યે ઢાંચાઓ દૂર કર્યા, અદાલતોનાં પગથિયાં ચડીને પગરખાં ઘસી નાખ્યાં, વૈચારિક લડાઇઓ લડી, અપમાનો સહન કર્યાં અને આખરે એ સંકલ્પને સિદ્ધિ સુધી લઈ જવાયો. એ સ્વપ્ન પૂર્ણ કર્યું, જે એક નહીં અનેક પેઢીઓએ જોયું હતું.
આજે યુગપુરુષ, આધુનિક ધર્મચક્રવર્તી નરેન્દ્ર દામોદરદાસ મોદીના હસ્તે ધર્મધજાના સ્થાપન સાથે આ સંકલ્પ પૂર્ણ થયો. ધ્વજનું જ્યારે મંદિરના શિખર પર આરોહણ થઈ રહ્યું હતું એ ઘટનાના સાક્ષી બનવું એ આપણું અહોભાગ્ય છે. નરેન્દ્ર મોદીના ચહેરા પર, ત્યાં ઉપસ્થિત સૌ કોઈના ચહેરા પર જે ભાવ હતો, પરિસરનું જે વાતાવરણ હતું એ શબ્દોમાં વર્ણવવું કઠિન છે. જેઓ આ ક્ષણોના સાક્ષી બન્યા છે તેઓ જાણે છે કે તેનું મહત્ત્વ શું છે, આ ઘટનાનું મહત્ત્વ શું છે.
ભારતભૂમિ પર આવેલા અનેક આક્રાંતાઓએ સનાતન સભ્યતાને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે, નષ્ટ કરી દેવા માટે જે કંઈ પણ થઈ શકે, જે હદ સુધી જઈને થઈ શકે એ કર્યું હતું. સંસ્કૃતિ નષ્ટ કરવા માટે, ધર્મને નષ્ટ કરવા માટે ધર્મસ્થળો પર પ્રહાર કરવામાં આવ્યા. સનાતન સંસ્કૃતિની ભવ્ય ઓળખ સમાન મંદિરો ધ્વસ્ત કરવામાં આવ્યાં, મૂર્તિઓ તોડવામાં આવી, શિવલિંગ તોડીને ત્યાં મજહબી ઢાંચા ઊભા કરી દેવામાં આવ્યા. હિંદુ સમુદાય માનસિક રીતે તૂટી જાય, સભ્યતા ભૂલી જાય અને આક્રાંતાઓની મઝહબી ઓળખ અપનાવી લે તે માટે સતત આસ્થા પર પ્રહાર થતા રહ્યા પણ આવા દરેક પ્રહાર પછી પણ સનાતનીઓ અડીખમ રહ્યા. સનાતન સ્થળો ફરી ઊભાં થયાં.
મંદિરો ફરી-ફરી બન્યાં, ધર્મસ્થળો ફરી ઊભાં થયાં, ધર્મધજા ફરી-ફરી લહેરાઈ. આ મંદિરોની પુનઃસ્થાપનાના કારણે સભ્યતા ટકી રહી, ધર્મ ટકી રહ્યો. આવા દરેક ધર્મસ્થળની પુનઃસ્થાપનાએ ધર્માવલંબીઓમાં એક નવી ઉર્જાનો, નવા સંકલ્પનો સંચાર કર્યો, એક નવા સંઘર્ષનો શંખનાદ કર્યો. આજની આ ઘટના પણ એવી જ એક ઘટના છે. આજે આ આક્રાંતાઓનાં નામનિશાન નથી, સનાતનીઓનાં મંદિરો અડીખમ ઊભાં છે. તેમની ઉપર ધર્મધજા ભવ્યતાથી લહેરાઈ રહી છે. આ ધર્મધજા જ સનાતન પુનર્જાગરણનું પ્રતીક છે.


