રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે,
રથ ભાવે આમી દેવ, પથ ભાવે આમી, મૂર્તિ ભાવે આમી, દેવ હંસે અંતરયામી.
એટલે કે રથ, રસ્તા અને મૂર્તિ ત્રણેય વિચારે છે કે તે જ દેવતા છે અને તેમના જ દર્શન માટે લોકો આવી રહ્યા છે. આ ત્રણયેના અજ્ઞાનને જોઈને ભગવાન પોતે હસતા રહે છે.
આવી જ હતી ત્રણ દાયકા પહેલાં 1990માં નીકળેલી રથયાત્રા. 25 સપ્ટેમ્બરે સોમનાથથી તેની શરૂઆત થઈ, 30 ઓક્ટોબરે અયોધ્યા પહોંચીને આ યાત્રા સમાપ્ત થવાની હતી. પણ કથિત ધર્મનિરપેક્ષતાની દાવપેચ વચ્ચે રસ્તામાં જ તેનાં પૈડાં થંભાવી દેવામાં આવ્યાં. પણ ધર્મનિરપેક્ષતાના એ ઝંડાધારીઓ એ રામલહેર ક્યારે ન રોકી શક્યા જે આ રથે આખા દેશમાં પેદા કરી દીધી હતી. માહોલ એવો હતો કે રથ જે રસ્તેથી પસાર થતો ત્યાંની માટીને લોકો નતમસ્તક થતા હતા.
આ રથયાત્રાના રથી હતા આજના ભાજપના ભીષ્મ પિતામહ લાલકૃષ્ણ અડવાણી. સારથી હતા એ જ નરેન્દ્ર મોદી, જેઓ આજે દેશના વડાપ્રધાન છે. તે સમયે તેઓ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી હતા. રાષ્ટ્રીય સ્તરે મોદીનું અવતરણ આ જ રથયાત્રા થકી થયું.
હેમંત શર્મા પોતાના પુસ્તક ‘યુદ્ધ મેં અયોધ્યા’માં મોદીને આ યાત્રાના રણનીતિકાર અને શિલ્પી ગણાવે છે. યાત્રાના માર્ગ અને કાર્યક્રમને લઈને ઔપચારિક રીતે સૌથી પહેલી જાણકારી પણ મોદીએ જ 13 સપ્ટેમ્બર, 1990ના દિવસે આપી હતી. કહેવાય છે કે આ યાત્રાની દરેક જાણકારી એક જ વ્યક્તિ પાસે રહેતી હતી અને એ હતા મોદી. અમુક બાબતો તો એવી હતી કે અડવાણીને પણ પછીથી જાણવા મળતી. ‘નરેન્દ્ર મોદી: એક શખ્સિયત, એક દૌર’માં નીલાંજન મુખોપાધ્યાય મોદીને ટાંકીને લખે છે કે, “આ અનુભવથી મને મારી પ્રબંધન ક્ષમતાને વિકસિત કરવાનો અવસર મળ્યો.”
જૂન, 1989માં હિમાચલ પ્રદેશના પાલમપુરમાં ભાજપનું અધિવેશન મળ્યું હતું અને રામ મંદિર પહેલી વખત પાર્ટીના એજન્ડામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પ્રસ્તાવ પસાર કરીને અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ દિશામાં સોમનાથથી અયોધ્યા સુધી અડવાણીની રામ રથયાત્રા પહેલી મોટી પહેલ હતી.
યાત્રાની રણનીતિ તૈયાર કરવા માટે દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. પ્રસ્થાન માટે સોમનાથને પસંદ કરવામાં આવ્યું, જ્યાંના પવિત્ર શિવમંદિરને ઇસ્લામી આક્રાંતાઓએ અનેક વખત તોડ્યું હતું. શરૂઆત 25 સપ્ટેમ્બરે થઈ, જે એકાત્મ માનવવાદના પ્રણેતા દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ છે.
આ રથયાત્રાએ સાબિત કરી દીધું કે સેક્યુલર જમાત પર કઈ રીતે સમુદાય વિશેષના મસીહા બનવાનું ભૂત સવાર હતું. ‘યુદ્ધ મેં અયોધ્યા’માં લખ્યા મુજબ 19 ઓક્ટોબર, 1990ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસના સુંદરનગર ગેસ્ટ હાઉસમાં એક બેઠક થઈ હતી. આ બેઠકમાં સામેલ થવા માટે અડવાણી રથયાત્રા ધનબાદમાં છોડીને આવ્યા હતા. બેઠક તત્કાલીન વડાપ્રધાન વીપી સિંહની પહેલ પર થઈ હતી. અડવાણીએ કહ્યું કે, તેઓ સરકાર ભંગ કરવા નથી માંગતા, જો સરકાર અધ્યાદેશ લાવીને વિવાદિત માળખાની આસપાસની જમીન VHP કે તેના પ્રતિનિધિને સોંપી દે તો ભાજપ તેનું સમર્થન કરશે.
પણ સમુદાય વિશેષના દબાણમાં વીપી સિંહ પાછળ હટી ગયા. તેમણે કહ્યું કે, ન માત્ર વિવાદિત માળખું પણ તેની આસપાસની જમીન પણ સરકારના કબજામાં જ હોવી જોઈએ. પછી બેઠકોનો સિલસિલો ચાલતો રહ્યો અને 20 ઓક્ટોબરની રાત્રે અધ્યાદેશ લાગુ થયો, જે અનુસાર,
- વિવાદિત માળખું અને તેની આસપાસની જમીનનું સરકાર અધિગ્રહણ કરશે
- વિવાદિત માળખા અને તેની ચારેતરફ 30 ફિટ જમીન છોડીને અધિગ્રહિત જમીન રામજન્મભૂમિ ન્યાસને સોંપવામાં આવશે
- ત્યાં એક સમયે મંદિર હતું કે નહીં તે નક્કી કરવાનું કામ બંધારણની કલમ 143(A) હેઠળ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે.
મોટાભાગના લોકોએ ત્યારે તેનું સ્વાગત કર્યું હતું પણ બાબરી કમિટી વિરોધમાં હતી અને ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ પણ. તેમણે ધમકી આપી હતી કે તેઓ આ અધ્યાદેશને યુપીમાં લાગુ નહીં થવા દે. અચાનક 22 ઓક્ટોબરના રોજ અધ્યાદેશ પરત લઇ લેવામાં આવ્યો અને 23 ઓક્ટોબરની સવારે બિહારના સમસ્તીપુરમાં અડવાણીની રથયાત્રા અટકાવી દેવામાં આવી. તેમણે સમસ્તીપુરના સર્કિટ હાઉસથી પકડીને સરકારી વિમાન મારફતે દુમકા લઇ જવામાં આવ્યા અને સડક માર્ગે મંસાનઝોર, જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ તેમને કેદ કરી લેવામાં આવ્યા.
કહેવાય છે કે વીપી સિંહ નહતા ઇચ્છતા કે મુલાયમ એકલા જ મુસ્લિમોના મસીહા બને, એટલે તેમના નિર્દેશ પર લાલુ યાદવે બિહારમાં જ અડવાણીની ધરપકડ કરાવી લીધી હતી. હેમંત શર્મા ‘યુદ્ધ મેં અયોધ્યા’માં લખે છે કે વીપી સિંહે એક તીરથી બે શિકાર કર્યા હતા. અડવાણીની ધરપકડ કરાવી લીધી અને મુલાયમને પણ પછડાટ આપી હતી.
વીપી સિંહના અયોધ્યા ભૂમિ અધિગ્રહણના આદેશનો વિરોધ કરીને મુલાયમ સિંહ યાદવ ધર્મનિરપેક્ષતાના એકમાત્ર ઝંડાધારી બની ગયા હતા. વીપી સિંહે તેની હવા કાઢવા માટેની તરકીબ શોધી કાઢી. પહેલાં અડવાણીના રથને દેવરિયામાં રોકવાનો હતો. મુલાયમ સિંહ આ રથ રોકનાર નેતા બન્યા હોત અને તે વીપી સિંહને મંજૂર ન હતું. અરુણ નેહરૂએ જણાવ્યા મુજબ વડાપ્રધાને લાલુ યાદવને સંદેશ મોકલ્યો હતો કે તેઓ અડવાણીને બિહારમાં જ રોકી લે જેથી ધર્મનિરપેક્ષતાનું નેતૃત્વ મુલાયમ સિંહ યાદવ પાસે જ ન રહે.
અડવાણીની એ રથયાત્રા ભલે મંજિલ સુધી ન પહોંચી શકી પણ તેણે ધર્મનિરપેક્ષતાના નામે કાવાદાવા કરનારાઓને ઉઘાડા પાડી દીધા. આ જ સનકમાં મુલાયમે 30 ઓક્ટોબર, 1990ના રોજ અયોધ્યામાં નિઃશસ્ત્ર કારસેવકો પર ગોળી ચલાવી અને ‘મુલ્લા મુલાયમ’ બની ગયા. તેના ત્રણ દિવસ પછી 2 નવેમ્બરે કોઠારી બંધુઓની હત્યા કરી નાખવામાં આવી. આ બધું માત્ર એ હોડના કારણે થયું જે વીપી સિંહ, મુલાયમ અને લાલી યાદવ વચ્ચે જામી હતી. આ હોડ હતી પોતાને મઝહબ વિશેષના સૌથી મોટા ખલીફા સાબિત કરવાની.
રામ મંદિરને રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતના અને સંકલ્પનો હિસ્સો ગણાવીને ફૂંકવામાં આવેલા આ રથયાત્રાના બ્યુગલને યાદ કરવા માટે આજે 8 નવેમ્બરથી સારો દિવસ કોઇ હોય ન શકે. આજે અડવાણી 96 વર્ષના થયા છે. જેવી રીતે હેમંત શર્મા પુસ્તકમાં લખે છે કે, ‘તેમની રથયાત્રાએ રામમંદિર આંદોલનની દિશા જ બદલી નાખી હતી. આ યાત્રાએ ન માત્ર કેન્દ્રમાં વીપી સિંહની સરકાર ભંગ કરાવી દીધી પણ યુપીમાં પણ કોંગ્રેસનાં મૂળિયાં ઉખેડી નાખ્યા હતા.’
આ યાત્રાએ બતાવી દીધું કે બહુમતી હિંદુઓને ગાળો આપીને મુસ્લિમ તુષ્ટિકરણ કરીને સત્તા કબજે કરવાના દહાડા હવે પૂરા થયા છે. આ યાત્રાએ ભાજપને સત્તામાં સ્થાપિત કરવાનાં બી વાવ્યાં. આજે તેનાં મૂળ એટલાં ફેલાઈ ગયાં છે કે જે નહેરુ ક્યારેક રામને બેદખલ કરવા તત્પર રહેતા હતા તેમના રાજકારણના વારસદારોએ હવે મંદિર-મંદિર પ્રદક્ષિણા કરવી પડી રહી છે. તેમના જનેઉધારી હિંદુ હોવાના ઢોલ પીટવામાં આવી રહ્યા છે.
(સંપાદકીય નોંધ: લેખ મૂળરૂપે વર્ષ 2022માં હિન્દીમાં પ્રકાશિત થયો હતો, સમયરેખા અનુસાર ફેરફારો કરીને અહીં ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.)