ભારતમાં 1 ફેબ્રુઆરીનો દિવસ અર્થશાસ્ત્રીઓનો દિવસ છે. કારણ કે આ દિવસે સંસદમાં દેશનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવે છે. પાનના ગલ્લાથી માંડીને સોશિયલ મીડિયાની ગલીઓમાં પણ તમને અર્થશાસ્ત્ર ભણાવનારાઓ મળી રહેશે. આવા અમુક રાજનીતિક પાર્ટીઓમાં પણ છે. દર વર્ષે બજેટ હજુ રજૂ થતું હોય ત્યાં તેઓ આવીને એવું કહી દે છે કે આ બજેટમાં મધ્યમવર્ગ માટે કશું જ નથી. મોદીની સરકારે મધ્યમવર્ગની આશા પર પાણી ફેરવી મૂક્યું છે કે પછી આ લોકોને લૂંટવાનો ધંધો છે.
આ વખતે આ ગેંગ બરાબરની ફસાઈ ગઈ. કારણ કે બજેટમાં મોદી સરકારે મધ્યમવર્ગ માટે અનેક મોટી ઘોષણાઓ કરી છે. અત્યાર સુધી 7 લાખની વાર્ષિક આવક પર ઇન્કમ ટેક્સની છૂટ હતી. માંગ ઉઠ્યા કરતી હતી કે આ લિમિટ 10 લાખ સુધીની કરવી જોઈએ. મોદી સરકારે સીધી 12 લાખ કરી દીધી. હવે ₹12 લાખ વાર્ષિક આવક સુધી કોઈ ટેક્સ નહીં ભરવો પડે. મધ્યમવર્ગ માટે આનાથી મોટી રાહત બીજી કોઈ ન હોય શકે. બીજું, આવતા અઠવાડિયે ઇન્કમ ટેક્સ બિલ લાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે ટેક્સ સ્લેબમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
ટૂંકમાં, બજેટને લઈને હવે એવું કહેવાને કોઈ અવકાશ નથી કે આ બજેટ મધ્યમવર્ગવિરોધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સંભવતઃ આવું જ કશુંક કહેવા માટે ગોખી રાખ્યું હશે. હવે મોદી બજેટ જુદું લાવે એમાં એમની શું ભૂલ? એટલે આ ભાઈએ જે ગોખી રાખ્યું હતું એ જ બીજા દિવસે બોલવા માંડ્યું.
#WATCH | Delhi: Addressing a public rally in Sadar Bazar, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The budget was presented today, the target of the budget was to benefit 25 people. They will give you a little, they will waive a little tax but if you see the target of… pic.twitter.com/elLe9thuLL
— ANI (@ANI) February 1, 2025
રાહુલ ગાંધીનું કહેવું છે કે આ બજેટ 20-25 ઉદ્યોગપતિઓને લાભ અપાવવા માટે જ લાવવામાં આવ્યું છે અને મધ્યમવર્ગને સરકાર થોડુંઘણું આપી દેશે. દિલ્હીમાં એક સભા સંબોધતાં તેમણે શું કહ્યું એ વાંચો.
“આજે બજેટ રજૂ થયું. તેમાં તમે જુઓ, બજેટનું આખું લક્ષ્ય 25 લોકોને ફાયદો પહોંચાડવાનો છે. તમને થોડુંઘણું આપી દેશે. પરંતુ લક્ષ્ય જોશો તો આ બજેટનું આખું લક્ષ્ય એ છે કે એ 20-25 ઉદ્યોગપતિઓ માટે છે. ભારતમાં 50% પછાત વર્ગ છે. 15% દલિતો છે. 8% આદિવાસી, 15% લઘુમતીઓ અને 5% જનરલ કાસ્ટના ગરીબ લોકો છે. ખાનગી હોસ્પિટલોના માલિકો જુઓ, ખાનગી કોલેજ-યુનિવર્સિટીના માલિકો જુઓ, મોટા જજોની યાદી કાઢો અને મને જણાવો કે આમાં આદિવાસી, ગરીબ, દલિતો કેટલા છે? આ તેમના મિત્રો છે, બધું તમને જ મળે છે. 90 લોકો બજેટ બનાવે છે. જે તમારો પૈસો આજે વહેંચાયો છે, 90 લોકોએ આ નિર્ણય લીધો. ગયા વર્ષે મેં યાદી કાઢી તો જાણવા મળ્યું કે, 90માંથી માત્ર 3 પિછડા વર્ગના અધિકારીઓ છે. જેમને નાના-નાના વિભાગો આપી રાખ્યા છે.”
રાહુલ ગાંધી
“બજેટમાં 100 રૂપિયા વહેંચાય તો આ વર્ગના અધિકારીઓ માત્ર 5 રૂપિયાનો નિર્ણય લે છે. અહીં મારા દલિત ભાઈ-બહેનો છે. તમારા વિશે ઘણી વાત થાય છે. 90માંથી તમારા 3 અધિકારીઓ છે. પાછળ બેસાડી રાખ્યા છે. દલિતોને વસ્તી 15% છે. જો 100 રૂપિયા વહેંચાય તો દલિત અધિકારી માત્ર 1 રૂપિયાનો નિર્ણય લે છે. આદિવાસી 8% છે, 100 રૂપિયામાંથી 10 પૈસાનો નિર્ણય તેઓ લે છે. બધાને ભેગા કરીએ તો 6 રૂપિયાનો નિર્ણય લે છે. પૈસા તમે આપી રહ્યા છો. GST કોણ આપી રહ્યું છે? તમે લોકો, અદાણી કે અંબાણી નથી આપી રહ્યા.”
રાહુલ ગાંધીએ પોતાનો એજન્ડા સેટ કરવા માટે વાતને આખી જાતિવાદના પાટે ચડાવી દીધી. આવું તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી કરતા આવે છે. બીજા કોઈ મુદ્દા હવે વધ્યા નથી એટલે જાતિવિગ્રહ પેદા કરીને સત્તા સુધી પહોંચવાનું મન તેમણે બનાવી લીધું છે. તેના માટે દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તેની પણ તેમને ચિંતા નથી. સાવ બાલિશ વાતો કરીને તેઓ કાયમ વાતને જાતિ પર લઈ જાય છે.
પણ બજેટની વાત કરીએ તો રાહુલ ગાંધીનું કહેવું છે કે આ 25 લોકોને ફાયદો પહોંચાડવા માટેનું બજેટ છે. ખરેખર? 12 લાખની આવક સુધી ઇન્કમ ટેક્સ ફ્રી કરવામાં આવ્યો તો તેનાથી ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચે કે સામાન્ય મધ્યમવર્ગના માણસને? ઉદ્યોગપતિની આવક 12 લાખ પર સીમિત થઈ જાય? કયો ઉદ્યોગપતિ વર્ષે માત્ર 12 લાખ કમાઈ રહ્યો છે? ને તેની આવક એટલી હોય તો એને ઉદ્યોગપતિ કઈ રીતે કહેવાય?
વાસ્તવિકતા એ છે કે સરકારના આ બજેટથી સરકારને તો વર્ષે 1 લાખ કરોડનો બોજ પડશે, પણ તેનાથી કરોડો મધ્યમવર્ગના લોકોને ફાયદો પહોંચશે. અત્યાર સુધી 7 લાખની આવક સુધી ઇન્કમ ટેક્સ ફ્રી હતો. પરંતુ હવે મહિને લાખ રૂપિયા કમાતા માણસને પણ ટેક્સમાંથી મુક્તિ મળી છે. તેના કારણે એટલી રકમ મધ્યમ વર્ગનો માણસ સ્વખર્ચ માટે કે પરિવાર માટે વાપરી શકશે.
બની શકે કે રાહુલે પહેલેથી આ બધું ગોખી રાખ્યું હોય એટલે હવે એના સિવાય બોલવા માટે બીજું કશું રહ્યું નહીં હોય. પણ હકીકત તેમણે જણાવી તેના કરતાં તદ્દન અલગ છે. 12 લાખ સુધીની આવક પર ઇન્કમ ટેક્સ ફ્રી કરવો એ ‘થોડુંઘણું’ નહીં પણ બહુ આપ્યું કહેવાય. રાહુલ ગાંધીના હાથમાં સત્તા હોત તો આ વાત સમજાઈ હોત. અથવા જો સામાન્ય સમજ હોત તો!