Wednesday, April 1, 2026
More
    હોમપેજગુજરાત'ગુજરાત-આસામમાં નથી કોઈ ટેલેન્ટ': સેમિકંડક્ટર પ્લાન્ટ મુદ્દે ખડગે પુત્ર પ્રિયાંકની ટિપ્પણી, રાજકારણ...

    ‘ગુજરાત-આસામમાં નથી કોઈ ટેલેન્ટ’: સેમિકંડક્ટર પ્લાન્ટ મુદ્દે ખડગે પુત્ર પ્રિયાંકની ટિપ્પણી, રાજકારણ રમવા ગુજરાતને ટાર્ગેટ કરતી કોંગ્રેસે આ પણ વાંચવું જોઈએ

    ગુજરાતની શાંતિ, સ્થિરતા અને ઔદ્યોગિક વિકાસે દાયકાઓથી પોતાની શાંતિપૂર્ણ અને સ્થિર શાસન વ્યવસ્થા દ્વારા ઉદ્યોગોને આકર્ષ્યા છે. રાજ્યમાં 1,200થી વધુ સ્પેશલ ઇકોનોમિક ઝોન્સ (SEZs), વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઓ અને ઉત્તમ લોજિસ્ટિક્સ સુવિધાઓ છે.

    - Advertisement -

    કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ તાજેતરમાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ગુજરાત અને આસામમાં સેમિકંડક્ટર પ્લાન્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ બંને રાજ્યોમાં સેમિકંડક્ટર માટેનું કોઈ ‘ટેલેન્ટ’ નથી અને ઇકોસિસ્ટમ પણ નથી. પ્રિયાંક ખડગેએ સવાલ ઉઠાવ્યો કે શું આ રાજ્યોમાં પ્રતિભાઓનો ભંડાર છે? તેમણે મોદી સરકાર પર કર્ણાટકમાંથી સેમિકંડક્ટર રોકાણ હટાવવાનો આરોપ લગાવ્યો. બેંગલુરુમાં પત્રકારોને સંબોધતા ખડગેએ કેન્દ્ર પાસે ઉદ્યોગોને ગુજરાત અને આસામ તરફ કથિત રીતે ‘ધકેલવા’ અંગે સ્પષ્ટીકરણ માગ્યું. તેમણે દાવો કર્યો કે કર્ણાટક કે તમિલનાડુને પ્રાથમિકતા આપવા છતાં ઉદ્યોગપતિઓને ત્યાં મોકલવામાં આવી રહ્યા છે.

    ખડગેએ કહ્યું કે, “સેમિકંડક્ટર ઉદ્યોગ બેંગલુરુ આવવા માંગે છે તો આસામ અને ગુજરાત કેમ જઈ રહ્યા છે? મેં આ મુદ્દો અગાઉ પણ ઉઠાવ્યો છે. કર્ણાટકમાં આવનારું બધું રોકાણ કેન્દ્ર સરકાર ગુજરાત મોકલી રહી છે. ગુજરાતમાં શું છે? શું ત્યાં પ્રતિભા છે? આસામમાં શું છે? શું ત્યાં પ્રતિભા છે?” તેમણે આગળ કહ્યું કે, “ઉદ્યોગપતિઓ અરજી કરે છે કે તેઓ કર્ણાટક કે તમિલનાડુ આવવા માંગે છે તો તેમને ગુજરાત કેમ મોકલવામાં આવે છે?”

    દાયકાઓથી ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું મુખ્ય કેન્દ્ર રહેલા ગુજરાતને ફરી એક વખત કોંગ્રેસ ઇકોસિસ્ટમે ટાર્ગેટ કર્યું છે. ખડગે પુત્રએ ગુજરાત અને આસામની તુલના કર્ણાટક સાથે કરી છે અને આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર રાજકીય પ્રભાવથી આ પ્રોજેક્ટ્સને અન્ય રાજ્યોમાં મોકલી રહી છે. આ નિવેદનોથી કોંગ્રેસે ગુજરાત અને આસામની ઔદ્યોગિક ક્ષમતા અને ત્યાંનાં યુવાનોની પ્રતિભાને ઓછી આંકવાના પ્રયાસો કર્યા છે. 

    - Advertisement -

    વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરે છે કોંગ્રેસ

    ગુજરાત દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતથી નીકળ્યા છે, જેના કારણે ગુજરાત વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસના રડારમાં રહે છે. ગુજરાતની આર્થિક સફળતા અને ઔદ્યોગિક વિકાસ ભાજપની નીતિઓની સફળતાનું પ્રતિક છે, જે કોંગ્રેસને પચી શકતું નથી. પરંતુ, ગુજરાતમાં કોઈ પ્રતિભા ન હોવી કહેવું અપમાનજનક છે. આ એ જ રાજ્ય છે, જેણે ઔદ્યોગિક ક્રાંતિમાં દેશને નવી દિશા આપી છે અને ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટથી વૈશ્વિક પ્રતિભાઓને પોતાના તરફ આકર્ષી છે. 

    ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને સેમિકંડક્ટર નીતિની સફળતા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ જણાવ્યું હતું કે ગુજરાત સેમિકંડક્ટર યુનિટ્સ માટે પસંદીનું સ્થળ રહ્યું છે. ગુજરાતમાં સેમિકંડક્ટર પ્લાન્ટ્સના નિર્ણય પાછળ ગુજરાતનું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચર, કુશળ શ્રમિકો એન રોકાણકારો માટે સ્થિર અને અનુકૂળ વાતાવરણ જેવાં નક્કર કારણો છે. 

    ઉદાહરણ તરીકે માઈક્રૉન ટેકનોલોજીનો 2.75 બિલિયન ડોલરનો સેમિકંડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થઈ રહ્યો છે, જે 5 હજારથી વધુ નોકરીઓ ઊભી કરશે અને 15,000થી વધુ પરોક્ષ રોજગારીની તકો પણ પૂરી પાડશે. આ ઉપરાંત, ટાટા ગ્રુપ અને તાઇવાનની PSMC દ્વારા ધોલેરામાં ₹91 હજાર કરોડના રોકાણ સાથે ભારતનું પ્રથમ ફેબ યુનિટ્સ બનાવવામાં આવી રહ્યું છે. 

    ઘણા રાજ્યોમાંથી કંપનીઓ પોતાની વસાહતો છોડીને ગુજરાતમાં રોકાણ કરી રહી છે, પરંતુ તેની પાછળ મોદી સરકારનું ‘રાજકીય પ્રભુત્વ’ કામ નથી કરી રહ્યું. તેની પાછળ કામ કરે છે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચર, અનુકૂળ વાતાવરણ અને ગુજરાતનો વિકાસ, જે ભાજપની દેન છે. તેમ છતાં કોંગ્રેસ આવા પાસાંને સદંતર અવગણીને માત્ર પોતાની નિષ્ફળ રાજનીતિને પાટે લાવવા માટે કાયમ ગુજરાતને ટાર્ગેટ કરતી રહે છે અને આ વખતે પણ આવું જ કર્યું છે. 

    પોતાનું રાજકારણ રમવા, નિષ્ફળતાઓને ઢાંકવા માટે ગુજરાતીઓને, ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવતું રહ્યું છે. કારણ માત્ર એક જ છે કે રાજ્યમાં લાંબા સમયથી મજબૂત અને સ્થિર ભાજપની સરકાર રહી છે અને મોદી-શાહ પણ અહીંથી જ છે. એવું નથી કે માત્ર આ સેમિકંડક્ટરનો મુદ્દો બનાવીને ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવ્યું, આ પહેલાં પણ અનેક મુદ્દાઓને લઈને માત્ર ગુજરાતને જ ટાર્ગેટ કરવામાં આવતું રહ્યું છે. 

    કોંગ્રેસ માટે ગુજરાત એક ‘સુવિધાજનક વિરોધ’નું પ્રતીક બની ગયું છે. કારણ કે જે રાજ્યે ભાજપને દાયકાઓ સુધી સત્તામાં રાખ્યો, તેની દરેક સફળતા કોંગ્રેસની નિષ્ફળતાને વધુ ઉજાગર કરે છે. તેથી જ્યારે પણ ગુજરાતમાં કોઈ નવો ઉદ્યોગ આવે છે, ત્યારે કોંગ્રેસ તેના આર્થિક મહત્વ પર ચર્ચા કરવાને બદલે તેના પર રાજકારણ ખેલવા લાગે છે. આ એક રક્ષણાત્મક રાજકારણનું ઉદાહરણ છે- પોતાની સંગઠનાત્મક નબળાઈ કે વિકાસ-મોડેલની ઉણપને ઢાંકવાની એક રીત છે. 

    ક્રિકેટથી લઈને ઉદ્યોગ અને વિકાસથી લઈને વારસા સુધીની ગુજરાતની સિદ્ધિને કોંગ્રેસે હંમેશા ટાર્ગેટ કરી છે. સસ્તું રાજકારણ ખેલવા માટે કોંગ્રેસ ઇકોસિસ્ટમનો એકમાત્ર ધ્યેય ગુજરાતનું અપમાન કરવાનો રહ્યો છે. અગાઉ આવી અનેક ઘટનાઓ બની છે, જેમાં કારણ વગર માત્ર ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય. 

    ગુજરાતના દરેક પ્રોજેક્ટ્સ પર કોંગ્રેસનો વિરોધ

    ગુજરાતમાં મોટા પ્રોજેક્ટ્સ કે પ્લાન્ટ્સનો વિરોધ કરવાનો આ કોંગ્રેસનો પહેલો પ્રયાસ નથી. ભૂતકાળમાં પણ અનેક પ્રોજેક્ટ્સ પર કોંગ્રેસે સવાલો ઊભા કર્યા હતા અને ગુજરાતને ‘વિશેષ લાભો’ આપવામાં આવતા હોવાનો આધારહિન દાવો કર્યો હતો. 2018માં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા- સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું ઉદ્ઘાટન થયું ત્યારે પણ કોંગ્રેસે તેની ટીકા કરી હતી. 

    કોંગ્રેસના નેતાઓએ આ પ્રોજેક્ટને ‘નાણાંનો બગાડ’ કહ્યો હતો અને ખેડૂતોની સમસ્યા પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. પરંતુ હકીકત એ છે કે પ્રતિમાએ ગુજરાતના પર્યટનને વેગ આપ્યો છે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી પણ આપી છે. 

    GIFT સિટીની શરૂઆત વખતે પણ કોંગ્રેસે તેની ટીકા કરી હતી અને માત્ર ગુજરાત પર ધ્યાન અપાતું હોવાનું રટણ શરૂ કર્યું હતું. આજે GIFT સિટી ભારતનું અગ્રણી ફાઈનાન્સિયલ હબ બની રહ્યું છે અને દર વર્ષે લાખો વૈશ્વિક રોકાણકારોને આકર્ષી રહ્યું છે. 

    દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં બન્યું તે પણ કોંગ્રેસીઓને પચી શક્યું નહોતું. તે સમયે પણ કોંગ્રેસે સ્ટેડિયમના ‘નામ’ અને ‘પ્રાથમિકતા’ને મુદ્દો બનાવીને બૂમાબૂમ કરી હતી. આવું જ વાયબ્રન્ટ ગુજરાત સમિટ સમયે તત્કાલીન સીએમ મોદીના શાસનમાં થયું હતું અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર તો આજે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. 

    આ તમામ પ્રોજેક્ટ્સ વખતે કોંગ્રેસે ગુજરાતને ટાર્ગેટ કરવાની કોઈ કસર છોડી નહોતી. ‘ગુજરાત’ શબ્દ સાંભળતા જ કોંગ્રેસ ઇકોસિસ્ટમ રઘવાઈ થઈ જાય છે અને મોદી-શાહ-ગુજરાતીઓને ટાર્ગેટ કરવાના શરૂ કરી દે છે. કંપનીઓના મોટા પ્રોજેકટોમાં પણ રાજકારણ ઘૂસાવીને કોઈપણ રીતે પોતાનું નિષ્ફળ રાજકારણ ખેલવાનું શરૂ કરી દે છે. 

    સેમિકંડકટર પ્લાન્ટ ‘માત્ર’ ગુજરાતમાં નથી આવવાના

    પ્રિયાંક ખડગેના નિવેદનથી એવું સ્વાભાવિક લાગે કે સેમિકંડક્ટર પ્લાન્ટ્સ માત્ર ગુજરાત અને આસામ સુધી મર્યાદિત છે. પરંતુ હકીકત એ છે કે ઇન્ડિયા સેમીકંડક્ટર મિશન (ISM) હેઠળ દેશભરમાં આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત અને આસામ ઉપરાંત, ઓડિશા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ સેમિકંડક્ટર પ્રોજેક્ટ્સની યોજના છે. આ મિશન હેઠળ ₹76,000 કરોડનું રોકાણ થઈ રહ્યું છે, જે ભારતને વૈશ્વિક સેમીકંડક્ટર હબ બનાવશે.

    એટલે કે કેન્દ્ર સરકારની નીતિ એક પ્રાદેશિક સંતુલનની છે. પૂર્વોત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં સમાન રીતે ઔદ્યોગિક માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે, નહીં કે માત્ર ગુજરાતમાં. તેથી એવું કહેવું કે ‘ગુજરાત અને આસામમાં ટેલેન્ટ નથી’ એ માત્ર તથ્યહિન જ નહીં, પરંતુ તે હજારો ઇજનેરો, ટેકનિશિયનો અને સ્થાનિક યુવાનોનું પણ અપમાન છે, જેઓ આ પ્રોજેક્ટ્સનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. 

    કેમ ઉદ્યોગિક એકમો માટે ગુજરાત બન્યું છે પ્રથમ પસંદગી?

    ગુજરાતની શાંતિ, સ્થિરતા અને ઔદ્યોગિક વિકાસે દાયકાઓથી પોતાની શાંતિપૂર્ણ અને સ્થિર શાસન વ્યવસ્થા દ્વારા ઉદ્યોગોને આકર્ષ્યા છે. રાજ્યમાં 1,200થી વધુ સ્પેશલ ઇકોનોમિક ઝોન્સ (SEZs), વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઓ અને ઉત્તમ લોજિસ્ટિક્સ સુવિધાઓ છે. ગુજરાતનો 20%થી વધુનો વિકાસ દર રાજ્યની આર્થિક ગતિશીલતા દર્શાવે છે. 

    સેમિકંડક્ટર પ્લાન્ટ્સ જેવા ઉચ્ચ ટેકનોલોજીના પ્રોજેક્ટ્સ માટે ગુજરાત પાસે પાણી, વીજળી, અને રોડ-પોર્ટ કનેક્ટિવિટી જેવી આવશ્યક સુવિધાઓ છે. રાજ્ય સરકારના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, જેમ કે કૌશલ્ય વર્ધન કેન્દ્રો, યુવાનોને ઉદ્યોગની જરૂરિયાતો મુજબ તૈયાર કરે છે, જે પ્રિયાંક ખડગેના ટેલેન્ટના અભાવના દાવાને ખોટો સાબિત કરે છે. ધોલેરા સ્પેશલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ભારતનું પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છે, જે સેમિકંડક્ટર જેવા ઉદ્યોગો માટે આદર્શ છે.

    એ પણ સમજવું જરૂરી છે કે ગુજરાતની ઔદ્યોગિક સફળતા કોઈ રાજકીય ઉપકારની દેન નથી, પરંતુ ભાજપ સરકાર હેઠળ દાયકાઓથી રચાયેલી સુવિધાજનક નીતિ, માળખું અને સ્થિર શાસનનું પરિણામ છે.  રાજ્યમાં વીજળી, પાણી, જમીન અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં શ્રેષ્ઠ સ્તરે છે. રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને નાણાકીય શિસ્તે રોકાણકારોને વિશ્વાસમાં લીધા છે અને તેની અસર એ થઈ કે ગુજરાત માત્ર પેટ્રો-કેમિકલ કે બંદર-આધારિત ઉદ્યોગોનું જ નહીં, પરંતુ હવે હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગનું (જેમ કે સેમિકંડક્ટર) પણ કેન્દ્ર બની રહ્યું છે. 

    આ બધાં કારણો જવાબદાર છે કે મોટી કંપનીઓ અને ઔદ્યોગિક એકમો ગુજરાત તરફ આવી રહ્યા છે. આ બધી સિદ્ધિઓ પાછળ પણ ત્રણ દાયકાથી શાસનમાં રહેલી ભાજપ સરકારને શ્રેય આપવો જરૂરી છે. અન્ય રાજ્યોમાં પણ જો આવો વિકાસ, આવી મૂળભૂત જરૂરિયાતો અને અનુકૂળ વાતાવરણ મળવાનું શરૂ થાય તો ત્યાં પણ કંપનીઓ પોતાના પ્રોજેક્ટ્સ લાગુ કરી શકે છે. રાજ્યને સફળતા માત્ર આવા નિવેદનો કે રાજકારણ કરવાથી નથી મળતી.

    સીધી અને સ્પષ્ટ વાત એ છે કે ગુજરાતની સફળતા એ ભારતની સફળતાનું પ્રતીક છે. કોંગ્રેસના આવા નિવેદન ગુજરાતની ક્ષમતાઓને ઓછી દર્શાવવાનો પ્રયાસ હોય શકે, પરંતુ રાજ્યની શાંતિ, સ્થિરતા અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેને વૈશ્વિક રોકાણકારો માટે આદર્શ બનાવે છે. ભૂતકાળમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી, GIFT સિટી, વાયબ્રન્ટ ગુજરાત અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ પર કોંગ્રેસના વિરોધ છતાં ગુજરાતે પોતાની પ્રગતિ સાબિત કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં